Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

એસ.ટી. દ્વારા હવે પ્રિમીયમ સર્વીસ શરૃઃ સ્લીપર કોચ - એસી - વોલ્વો બસનો સમાવેશઃ ઓનલાઈન-રીટર્ન ટિકીટમાં ૬ થી ૧૦ ટકા ડીસ્કાઉન્ટ

રાજકોટ, તા. ૧૫ :. નિગમ દ્વારા જ્યારે અગાઉ માત્ર નોનએ.સી. પ્રકારની વિવિધ સર્વિસો સંચાલન કરવામાં આવતી હતી ત્યારે મુસાફરોને એ.સી. અને વોલ્વો પ્રકારની બસોમાં મુસાફરી માટે અગાઉ માત્ર પ્રાઈવેટ બસો પર આધાર રાખવો પડતો હતો. આથી નિગમ દ્વારા આ પ્રકારના મુસાફરોને સારો અને સલામત વિકલ્પ મળી રહે તેમજ પ્રાઈવેટ બસોના ઓપરેટરો દ્વારા મનસ્વી રીતે વસુલવામાં આવતુ ભાડું, મુસાફરોની સલામતી બાબતે તેઓનું ઉપેક્ષિત વલણ તેમજ જે તે રૂટમાં મોનોપોલી હોવાના કારણે મુસાફરોને અન્ય કોઈ વિકલ્પ ન હોવાથી આ બાબતોને ધ્યાને રાખી નિગમ દ્વારા પ્રિમીયમ સર્વિસના સંચાલન માટે આયોજન કરાયેલ છે.

નિગમ દ્વારા પ્રિમીયમ સર્વિસમાં સ્લીપર કોચ તેમજ ૨ બાય ૨ સીટર એસી / વોલ્વો પ્રકારની સેવાઓ સંચાલનમાં મુકાયેલ છે. જેમાં આરામદાયક મુસાફરી ઉપરાંત એન્ટરટેઈન માટે એલસીડી તથા ઓનલાઈન ટીકીટ બુકીંગની સુવિધા જેમાં મુસાફર દ્વારા જાતે ઓનલાઈન ટીકીટ બુકીંગ કરવાથી તેઓને મુસાફરી ભાડામાં ૬ ટકા ડિસ્કાઉન્ટ મળવા પામશે. તેમજ મુસાફરોને રીટર્ન ટિકીટ માટે ૧૦ ટકા અને ગ્રુપ બુકિંગમાં ૪ થી વધુ મુસાફરો હોય તેઓને ૫ ટકા જેટલુ ડિસ્કાઉન્ટની યોજના નિગમ દ્વારા મુસાફરોના લાભ માટે આયોજીત કરેલ છે.

જે ધ્યાને લઈ સરકારશ્રી દ્વારા રાજ્યના તથા આંતર રાજ્યના જરૂરીયાતવાળા શહેરોને જોડતી પ્રિમીયમ બસ સેવા (એ.સી. તેમજ વોલ્વો) શરૂ કરવા નિર્ણય કરાયેલ છે. નિગમ દ્વારા રાજ્યમાં વડોદરા, સુરત, નવસારી, રાજકોટ, ભાવનગર, દાહોદ, મોરબી, અંબાજી, પાલનપુર જેવા સ્થળોની લગભગ ૩૦ મિનીટથી ૧.૦૦ કલાકના સમયાંતરેથી પ્રિમીયમ બસોનું સંચાલન કરવામાં આવે છે. જેમાં દૈનિક ૩૧૨ ટ્રીપો દ્વારા મુસાફરો બહોળા પ્રમાણમાં લાભ લઈ રહેલ છે.

નિગમ દ્વારા તાજેતરમાં જ આંતર રાજ્ય સર્વિસો થકી મહારાષ્ટ્ર રાજ્યમાં અમદાવાદથી મુંબઈ, શિરડી, પુના, જોગેશ્વરી, પાલનપુરથી નાશિક, ભાવનગરથી દાદર, સુરતથી નાગપુર રૂટો પર પ્રિમીયમ બસોથી સંચાલન હાથ ધરેલ છે.

(5:25 pm IST)