Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

ગુજરાતમાં ભાજપનો લક્ષ્‍યાંક `182':યુવાઓનો જોડવા અભિયાન: દરેક બૂથ સુધી પહોંચવાનો લક્ષ: ભાજપ દ્વારા ઘડાયો માસ્ટર પ્લાન

નવા મતદારો નોંધાયા હોય તેવા મતદારોને યુવા મિત્ર અભિયાન અતર્ગત જોડાશે : યુવા મોરચા દ્વારા ત્રણ તબક્કામાં વિસ્તારક અભિયાન

 

અમદાવાદ :ગુજરાત વિધાનસભાની આગામી 2022ની ચૂંટણીને લઈને હાલ રાજકીય માહોલ ગરમાયો છે. ગુજરાતમાં સક્રિય દરેક રાજકીય પાર્ટીઓએ ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીનો જંગ જીતવા કમરકસી છે.

ત્યારે ભાજપ દ્વારા યુવા મિત્ર અભિયાન અતર્ગત યુથ ચલા બુથ હેઠળ યુવાનોને જોડવાનું અભિયાન હાથ ધરાયું છે..જેમાં નવા મતદારો નોંધાયા હોય તેવા મતદારોને યુવા મિત્ર અભિયાન અતર્ગત જોડવામાં આવી રહ્યા છે. ત્યારે શું છે, ભાજપનું યુવા મતદારોને જોડવા માટેનું ગણિત અને 2022માં આ અભિયાન કેટલું અસરકારક બનશે.

ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું એકચક્રી શાસન છે. ત્યારે આ શાસનને ટકાવી રાખવા અને ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં તમામ 182 બેઠકો હસ્તગત કરવા ભાજપે પ્રયાસો હાથ ધર્યા છે. ઈલેક્શન કમિશનમાં નવેમ્બર મહિના સુધી કુલ 8 લાખ 20 હજાર નવા મતદારો નોંધાયા છે. ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો છે. આ બેઠકો પ્રમાણે નવા મતદારોનું ગણિત જોઈએ તો દરેક બેઠકોમાં એવરેજ 20 હજાર જેટલા નવા યુવા મતદારો નોંધાયા છે. આથી આ યુવાનોને રીઝવવા અને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રવાદની વિચારધારામાં જોડવા માટે ભાજપ સક્રિય થયું છે.

ગુજરાત ભાજપના યુવા મોરચા દ્વારા ત્રણ તબક્કામાં વિસ્તારક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનમાં 3 હજાર 600 વિસ્તારકોએ ગુજરાતના તમામ જિલ્લાનો પ્રવાસ શરૂ કર્યો છે. જેમાં 1800 યુવાનો પ્રવાસી વિસ્તારક તરીકે અને 1800 યુવાનો સ્થાનિક વિસ્તારક તરીકે કામ કરી રહ્યા છે.

આ યોજના અંતર્ગત 'યુથ ચલા બુથ' હેઠળ બુથ દીઠ યુવાનોને જોડવા માટેના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. માત્ર એક મિસ કોલ દ્વારા યુવાનોને જોડવામાં આવી રહ્યા છે. ભાજપના ત્રણ તબક્કામાં શરૂ કરાયેલા વિસ્તારક અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં લાખો યુવાનો મિસ કોલ કરીને તેમજ ફોર્મ ભરીને ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાયેલા આ યુવાનોને ભાજપ દ્વારા યુવા મિત્ર કાર્ડ એનાયત કરવામાં આવ્યું છે. સાથે જ તેમનો પેજ સિમિતિ અને વન બુથ વન 20 યુથમાં પણ સમાવેશ કરાશે અને ચૂંટણીને લગતી તમામ કામગીરી સોંપવામાં આવશે.

(12:25 am IST)