Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

કાલે પદયાત્રા સ્મૃતિ દિનઃ મનસુખ માંડવિયા ૭ સંસ્થાઓની મુલાકાતે

ગઈ ૧૬ જાન્યુઆરીથી ગાંધી વિચારના ફેલાવા માટે ૧૫૦ કિ.મી.ની પદયાત્રા કરેલ

કેન્દ્રીય રાજ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જાન્યુઆરી ૨૦૧૯માં પાલીતાણા પંથકમાં ગાંધી ટોપી પહેરી કરેલ પદયાત્રાની તસ્વીરી ઝલક.

રાજકોટ તા ૧૫  : પૂજય ગાંધી બાપુની સ્મૃતિને ચિરકાળ બનાવવા કેન્દ્રીય શીપીંગ (સ્વતંત્ર હવાલો), કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા દ્વારા બુનિયાદી અને સ્વૈચ્છિક સંગઠનોનાં સહયોગથી ભાવનગર જીલ્લાના તળાજા, પાલીતાણા અને શિહોર તાલુકામાંથી પસાર થતી એક ''ગાંધી મુલ્યોના માર્ગે પદયાત્રા'' નું આયોજન તા. ૧૬/૦૧/૨૦૧૯ થી તા. ૨૨/૦૧/૨૦૧૯ દરમ્યાન કરેલ. ૧૫૦ કી.મી. લંબાઇની આ પદયાત્રા ૩૫ ગામોમાંથી પસાર થયેલ હતી. આ પદયાત્રાને હેતુલક્ષ્ી બનાવવા પદયાત્રાના આયોજનમાં ત્રણ પાસાને વણી લીધેલા, આવતીકાલે તેની સ્મૃતિમાં ૭ ગામોમાં તેમનો પ્રવાસ છે, ૧૫૦ કાયમી પદયાત્રીઓ, ૧૫૦ ગામડાઓની ભાગીદારી અને ૧૫૦ જેટલી ગાંધી વિચારોથી ચાલતી શૈક્ષણીક અને સામાજીક સંસ્થાઓ આ પદયાત્રામાં જોડાયા હતા.

પદયાત્રા સમાપન પ્રસંગે તમામ ઉપસ્થિતિ લોકોએ દર વર્ષ 'પદયાત્રા દિવસ'ની ઉજવણી કરવા માટે માંગણી કરેલ, જેના ભાગરૂપે દર વર્ષેે 'પદયાત્રા દિવસ' ઉજવવાનું નક્કી કરેલ છે. આ વર્ષે પ્રથમ વર્ષગાંઠ નિમિતે કાલે તા.૧૬ના મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયા 'પદયાત્રા પથ' પર આવતા ૧૫૦ ગામોનાં લોકો સાથે મુલાકાત કરશે તથા જુદી જુદી સાત સંસ્થાઓમાં કાર્યક્રમનું પણ આયોજન કરેલ છે. આ પદયાત્રા જે માર્ગ પરથી પસાર થઇ હતી તે માર્ગ ને 'પદયાત્રા પથ' તરીકે જાહેર કરવાના છે, જેનું પણ નામાભિધાન મનસુખ માંડવિયાના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉત્તર બુનિયાદી શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, શહેર તથા ગામના હોદ્દેદારો અને નગરજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે.

(3:56 pm IST)