Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

૩૦મીઅે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી સુરતમાંઃ અૈતિહાસિક દાંડીયાત્રા મ્‍યુઝિયમનું કરશે લોકાર્પણ

સુરત: નર્મદા નદીના કિનારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ હવે ગુજરાતના લોકોને વધુ એક ભેટ મળવા જઈ રહી છે. મહાત્મા ગાંધીએ દેશની આઝાદી માટે અનેક આંદોલનો કર્યા હતાં, જેમનું એક આંદોનલ મીઠાના સત્યાગ્રહનું પણ હતું. ત્યારે નવસારીના દાંડીના જે દરિયા કિનારે બાપુએ ચપટી મીઠું ઊંચકી અંગ્રેજ સરકારને હલાવી હતી, ત્યાં 150 કરોડના ખર્ચે મ્યુઝિયમ બની રહ્યું છે, જેનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે આગામી 30મી જાન્યુઆરીના રોજ કરાશે.

મ્યુઝિયમ અંગે માહિતી આપતા નવસારીના સાંસદ સી આર પાટીલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દિશા નિર્દેશથી આ પ્રોજેક્ટનું કામ શરૂ કરાયું હતું. તેમના દ્વારા મુંબઈની આઇઆઇડી સંસ્થા પાસે મ્યુઝિયમની ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી.

આ મ્યુઝિયમની ખાસ વાત એ છે કે સાબરમતી આશ્રમથી જ્યારે મહાત્મા ગાંધી દાંડી યાત્રાએ નીકળ્યા હતાં ત્યારે તેમની સાથે 80 જેટલા પદયાત્રીઓ હતાં, આ તમામના સ્ટેચ્યુ અહીં બનાવવામાં આવ્યા છે, તો સાથે જ 100 ફૂટ ઊંચી જ્યોત બનાવવામાં આવી છે, જે હંમેશા પ્રજ્વલિત રહેશે. અહીં 5 લાખ લીટર પાણી રહી શકે તેવું તળાવ પણ બનાવવામાં આવ્યું છે. સાથે જ 4 લાખ લીટર પાણીની અન્ડરગ્રાઉન્ડ ટાંકી પણ બનાવવામાં આવી છે.

દાંડી સત્યાગ્રહ

ઇ.સ. ૧૯૩૦નાં વર્ષમાં અંગ્રેજો સામે દાંડી સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો. અંગ્રેજ સરકારે મીઠા પર કર લગાવ્યો હતો. ભારતની આઝાદી માટે અહિંસક લડત લડતા ગાંધીજીને આ પગલું અન્યાયી અને દેશની જનતા વિરુદ્ધનું લાગ્યું હતું. તેના વિરોધમાં તેમણે દાંડી સત્યાગ્રહનો માર્ગ અપનાવ્યો હતો. દાંડીકુચની શરૂઆત ગાંધીજીએ તેમના ૭૮ સાથીદારો સાથે અમદાવાદથી ૧૨ માર્ચ ૧૯૩૦ના રોજ પદયાત્રા સ્વરૂપે કરી હતી. જે ૬ એપ્રિલ ૧૯૩૦એ નવસારી નજીક આવેલા દરિયા કિનારાનાં દાંડી ગામે પુરી કરી હતી.

અહીં ગાંધી બાપુએ કર ભર્યા વગર મીઠું ઉપાડ્યું હતું અને બોલ્યા હતા કે, "મૈને નમક કા કાનુન તોડા હૈ". આમ તમેની દાંડી યાત્રાની સફળતાથી અંગ્રેસ સરકાર હલી ગઈ હતી. ભારતમાં પણ અન્ય શહેરોમાં મીઠાના કાયદાનો ભંગ થવા લાગ્યો, અને આખરે અંગ્રેજો એ ઝુકાવું પડ્યું હતું. દાંડી સત્યાગ્રહ અને પદયાત્રાને ઇતિહાસમાં દાંડી કુચ તરીકે પણ ઓળખવામાં આવે છે.

(5:54 pm IST)