Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

અમદાવાદ સહિત રાજ્યમાં ઉત્તરાયણ પર ૨૦નાં મૃત્યુ

પતંગની દોરી ઘાતક બની, ૧૪૫૦થી વધુને ઇજા : રાજયમાં દોરી વાગવાથી, ધાબેથી પડવા સહિતની ઇજાના કેટલાક કેસ : અમદાવાદમાં સૌથી વધુ ૩૦૦ કેસો થયા

અમદાવાદ,તા.૧૫ : ૨૦૧૯ના વર્ષની આ વખતની ઊતરાયણ પતંગરસિયાઓ માટે ભારે હર્ષોલ્લાસભરી બની રહી હતી પરંતુ આ વર્ષે પંતગની દોરી ખાસ કરીને ચાઇનીઝ દોરી ઘાતક અને જીવલેણ નીવડી હતી, જેના કારણે પાછલા કેટલાક વર્ષોનો રેકોર્ડ બ્રેક કરી નાંખે એ હદે, પતંગની દોરી વાગવાથી રાજયભરમાં મૃત્યુ, ઇજા સહિતના કેસો નોંધાયા હતા. ઊતરાયણના તહેવાર દરમ્યાન પંતગની દોરી વાગવાથી, ધાબેથી પડી જવા સહિતના કારણોને લઇ અમદાવાદ સહિત રાજયભરમાં આ વખતે ૨૦થી વધુના મોત નીપજયા હતા, જયારે ૧૪૫૦થી વધુને ઇજા પહોંચી હતી. આ વખતના મોત અને ઇજાના આંકડા જોઇ સરકારી તંત્ર અને હોસ્પિટલ સત્તાવાળાઓ ચોંકી ઉઠયા હતા. ઊતરાયણના તહેવારની રાજયભરમાં લોકોએ ભારે હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી, જો કે, કેટલાક લોકો માટે આ પર્વ દુઃખદ અને આઘાતજનક બની રહ્યું હતું. બીજીબાજુ, ઊતરાયણને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં અંદાજે ૮૫૦થી પક્ષીઓ ઘાયલ થયા હતા. રાજયમાં દોરી વાગવાથી ઇજા કે ઘવાવાના આ વર્ષે બહુ મોટા પ્રમાણમાં ૧૪૫૦થી વધુ કેસો નોંધાયા હતા. જેમાં સૌથી વધુ બનાવો અમદાવાદમાં ૩૦૦થી વધુ નોંધાયા હતા. અમદાવાદ જિલ્લાના મહેમદાવાદ-ખેડા રોડ પર બાઇક પર જઇ રહેલા એક યુવકનું દોરી વાગવાથી ગળુ કપાઇ જતાં ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું. તો, મહેસાણા, બનાસકાંઠા, રાજકોટ, આણંદ, સુરત, છોટા ઉદેપુર સહિતના જિલ્લાઓમાં પણ દોરીથી ગળુ કપાવાના અને ઇજાના સંખ્યાબંધ કેસો નોંધાયા હતા. શહેરના ઇસનપુર વિસ્તારમાં એક યુવકને ગંભીર ઇજા પહોંચતા તેને એલજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તો, મેમનગર વિસ્તારમાં એક સગીરને માથામાં દોરી જોરદાર રીતે ઘસાતાં તેને ૨૨ ટાંકા લેવા પડયા હતા. આ જ પ્રકારે મહેસાણામાં લવાર ચકલા વિસ્તારમાં એક આઠ વર્ષના બાળકનું ચાઇનીઝ દોરીથી ગળુ કપાવાના કારણે મોત નીપજયુ હતુ. તો બનાસકાંઠા જિલ્લામાં ડીસાના વાડીરોડ પર દસ વર્ષની એક બાળકીનું ધાબેથી પડી જવાથી કરૂણ મોત નીપજયું હતું. આણંદમાં બદલપુરમાં પંતગની દોરી વાગવાથી એક યુવકનું મોત નીપજયું હતું. સુરતમાં વરાછા ઓવરબ્રીજ પર પતંગ પકડવા દોડી રહેલા નાના બાળકનું કારની અડફેટે મોત નીપજયું હતું. બનાસકાંઠા જિલ્લાના હિંમતનગરમાં ટુ વ્હીલર પર જઇ રહેલી એક યુવતીને ગળામાં બહુ ખરાબ રીતે દોરી વાગી હતી, જેમાં તેણીને ગંભીર ઇજાઓ પહોંચી હતી, તેણીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી.

ડીસામાં મારવાડી-મોચીવાસમાં પણ એક ૧૨ વર્ષની બાળકીનું ધાબેથી પડી જવાથી કરૂણ મૃત્યુ નીપજયું હતું. તો, રાજકોટમાં નવાગઢ મયુરફાર્મ પાસે એક દંપતિ બાઇક પર જઇ રહ્યું હતુ ત્યારે પતંગની દોરી વાગવાથી ગંભીર રીતે ઘાયલ થયુ હતું. આ જ પ્રકારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના ચામેર રોડ પર બાઇકસવારને દોરી વાગવાથી ઇજા પહોંચી હતી. ભાવનગરમાં મહુવાના ગાંધીબાગ પાછળ એક પાંચ વર્ષની બાળકીનું દોરી વાગવાથી કરૂણ મોત નીપજયું હતું. દરમ્યાન પતંગ-દોરીના કારણે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં કબૂતર, સમડી, કાગડા, કાબર, ચકલી સહિતના ૮૫૦થી વધુ પક્ષીઓ વત્તા ઓછા અંશે ઘાયલ થયા હતા. તો, કેટલાય નિર્દોષ પક્ષીઓ મોતને ભટયા હતા. તો, લગભગ ૧૦૦૦થી વધુ કોલ તો ૧૦૮ની સેવાને મળ્યા હતા. રાજયભરનો આંકડો જોઇએ તો, ૧૦૮ને ચાર હજારથી વધુ કોલ રાજયભરમાંથી મળ્યા હતા. અમદાવાદ ઉપરાંત, વડોદરા, રાજકોટ, સુરત, વલસાડ, નવસારી, આણંદ, મોરબી, પોરબંદર, બનાસકાંઠા, બોટાદ, ગીર-સોમનાથ, પંચમહાલ સહિતના અનેક સ્થળોએ પણ દોરીથી ઇજાના છૂટાછવાયા બનાવો નોંધાયા હતા. સરકારી હોસ્પિટમલાં કે પોલીસ ચોપડે નહી નોંધાયેલા આવી ઇજાઓના તો સંખ્યાબંધ કિસ્સાઓ થવા જાય છે. આમ આ વખતે પંતગની દોરીથી ઘવાવાના હજારો કેસો સામે આવ્યા હતા. જે રેકોર્ડબ્રેક રહ્યા હતા.

(6:03 pm IST)