Gujarati News

Gujarati News

News of Tuesday, 14th December 2021

૪ દિવસના બાળકની ચોરી કરીને ફરાર મહિલા ઝડપાઇ

વલસાડની ઘટના સીસીટીવીમાં કેદ થઈ : બાળકની ચોરી થતાં હોસ્પિટલ-પોલીસ તંત્રમાં દોડધામ, પાંચ કલાકની મહેનત બાદ બાળક સાથે મહિલા ઝડપાઇ

વલસાડ, તા.૧૪ : શહેરની સિવિલ હોસ્પિટલમાંથી ૪ દિવસના એક નવજાત બાળકની ચોરીની ઘટના બનતા જ દોડધામ મચી ગઇ હતી. સિવિલ હોસ્પિટલના ત્રીજા માળે આવેલા ગાયનેક વોર્ડમાંથી માત્ર ૪ જ દિવસના નવજાત બાળકની ચોરી કરી અજાણી મહિલા ફરાર થઈ જવાની ઘટના પ્રકાશમાં આવતા જ હોસ્પિટલ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. તો પોતાના ૪ દિવસના માસુમની ચોરી થતા બાળકના માતા-પિતાના જીવ પણ તાળવે ચોંટયા હતા. સિવિલમાં બનેલી આ ઘટનાની જાણ પોલીસ વિભાગને કરતાં વલસાડ સીટી પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને બાળકને શોધવા તપાસ તેજ કરી હતી. જોકે, પ્રાથમિક તપાસમાં જ પોલીસ અને હોસ્પિટલ તંત્ર દ્વારા હોસ્પિટલમાં લગાવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી. આ તપાસમાં બાળકની ઉઠાંતરી કરી અને એક મહિલા હોસ્પિટલમાંથી બહાર નીકળતી સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે  મહિલાને શોધવા વલસાડ શહેર અને સિવિલ હોસ્પિટલ આસપાસના વિસ્તારમાં પોલીસે નાકાબંધી કરી હતી.

આમ સતત પાંચ કલાક સુધી પોલીસે બાળકને ઉઠાવી અને ફરાર થયેલી મહિલાને ઝડપવા સમગ્ર વિસ્તારને ખાંગોળી નાખ્યો હતો. આખરે પોલીસની મહેનત રંગ લાવી અને સિવિલ હોસ્પિટલમાંથી બાળકની ચોરી ફરાર થયેલી મહિલાને  પોલીસે ઝડપી પાડી હતી. મહિલા ઝડપાતા જ બાળકના માતા-પિતા અને પોલીસ સાથે સિવિલ તંત્રએ  પણ હાશકારો અનુભવ્યો હતો. બનાવની વિગત મુજબ, બોઇસરના તારાપુરની નિશા ચૌહાણ નામની એક મહિલાને પ્રસૂતિ માટે સિવિલ હોસ્પિટલના ત્રીજા માળે આવેલા ગાયનેક વોર્ડમાં દાખલ કરી હતી. ચાર દિવસ અગાઉ મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. ત્યાર બાદ બાળક સાથે મહિલા હોસ્પિટલમાં દાખલ હતી.

એ વખતે જ એક અજાણી મહિલા આ ગાયનેક વોર્ડમાં  આવી અને બાળકની માતા નિશા ચૌહાણ પાસેથી  બાળકને રસી અપાવવાનું બહાનું બતાવી અને લઈ ગઈ હતી. જોકે, પ્રથમ વખત બાળકના પિતા પણ તે મહિલાની સાથે ગયા હતા. આથી  રસી અપાવ્યા બાદ બાળકને તરત પાછી લાવી હતી. જોકે, ત્યાર બાદ મહિલા અને તેનો પતિ  જમવા બેસતા ફરી તે મહિલાએ બાળકને કાચની પેટીમાં મૂકવાનું બહાનું બતાવી અને બાળકને લઈને નીકળી હતી. પરંતુ બાળકને તે કાચની પેટીમાં રાખવાની જગ્યાએ બાળકની ઉઠાંતરી કરી અને હોસ્પિટલમાંથી જ ફરાર થઈ ગઈ હતી. જેની જાણ થતાં જ બાળકના માતા-પિતાએ હોસ્પિટલ તંત્રને જાણ કરી હતી. ત્યાર બાદ પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો.

અને સીસીટીવી ફૂટેજની તપાસ કરતા બાળકને ઉઠાવી અને હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયેલી મહિલા સીસીટીવી કેમેરામાં દેખાઈ હતી. આથી સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરતા બાળક ઉઠાવી અને ફરાર થયેલી મહિલા સુધી પોલીસ પહોંચી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં બાળકને ઉઠાવી અને ફરાર થઈ ગયેલી મહિલાનું નામ અનિતા બેન હોવાનું બહાર આવ્યું હતું. જે કોસમ કૂવાની રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. તેની અટકાયત કરી પુછપરછ હાથ ધરી છે. વલસાડની સિવિલ હોસ્પિટલમાંથી ચાર દિવસના બાળકની ચોરીની ઘટનામાં આખરે એક મહિલા પકડાઈ છે. સાથે જ બાળકને પણ મુળ માતા-પિતાને સોંપવામાં આવ્યું છે.

સિવિલ હોસ્પિટલના ત્રીજા માળે આવેલા ગાયનેક વોર્ડમાંથી ૪ દિવસના નવજાત બાળકની ચોરી કરી અજાણી મહિલા ફરાર થઈ હતી. જોકે, આ ઘટનામાં વલસાડ સિવિલ હોસ્પિટલની બેદરકારી અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને  તેમના બાળકોની સલામતી માટે રખાયેલી સિક્યુરિટીની કામગીરી સામે  પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.આમ  સિવિલના ગાયનેક વોર્ડમાં પણ અજાણી મહિલાઓને અજાણ્યા વ્યક્તિઓ આંટાફેરા મારતા હોવાનું બહાર આવતાં વલસાડ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા દાખવવામાં આવતી બેદરકારી પણ બહાર આવી છે. જોકે અત્યારે તો, પોલીસે બાળકને ઉઠાવી અને ફરાર થઈ ગયેલી મહિલાને ઝડપી તેની પૂછપરછ હાથ ધરી છે અને બાળકને ઉઠાવી અને મહિલા ક્યાં લઈ જવાની હતી અને અત્યાર સુધી આ મહિલાએ અગાઉ અન્ય કોઈ જગ્યાએથી બાળકોની ઉઠાંતરી કરી છે કે કેમ? તે શોધવા પણ બાળક ચોર આરોપી મહિલાની આગવી ઢબે પુછપરછ હાથ ધરી છે. જોકે, અત્યારે તો પોતાના વ્હાલસોયો મળી જતા બાળકનાં માતાપિતાએ હાશકારો અનુભવ્યો છે.

(9:14 pm IST)