Gujarati News

Gujarati News

News of Tuesday, 14th December 2021

હવે ૨૪ પાકિસ્તાની હિન્દુઓ ગર્વથી કહેશે કે We, The People Of India

અમદાવાદ જિલ્લા કલેકટર દ્વારા ૨૪ પાકિસ્તાની હિન્દુઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરાયા : અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા ૯૨૪ વ્યક્તિઓને ભારતીય નાગરીકતા આપવામાં આવી છે

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :;અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેના હસ્તે આજે ૨૪ પાકિસ્તાની લઘુમતી ધરાવતા હિન્દુઓને નાગરિકતા પત્ર એનાયત કરવામા આવ્યા હતા. આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા, અધિક નિવાસી કલેકટર  પરિમલ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા.આ ૨૪ પાકિસ્તાની હિંદુઓ છેલ્લા ૭ વર્ષથી અમદાવાદમાં સ્થાયી હતા.નાગરિકતા અધિનિયમ પ્રમાણે ૭ વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવે છે.

  અત્રે નોંધનીય બાબત છે કે, રાજ્ય અને કેન્દ્રની આઇ.બી. ટીમ દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેઓને સ્વીકાર પત્ર એનાયત કરવામાં આવે છે. જેને આધારે બાકીના નિયમોનુસાર જરૂરી પૂરાવા રજૂ કર્યા બાદ  જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિકતા પ્રમાણપત્ર આપવામાં આવે છે. વર્ષ ૨૦૧૬થી અત્યાર સુધીમાં ૯૨૪ લોકોને નાગરિકતા પત્ર અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા એનાયત કરવામાં આવ્યા છે.

અત્રે નોંધીનય બાબત છે કે, વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૮ના ગેઝેટથી ગુજરાત રાજ્યમાં અમદાવાદ,ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરને અફધાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાની લધુમતિ ધરાવતા(હિન્દુ, શીખ,બૌધ્ધ, જૈન, પારસી અને કિશ્ર્ચન) ધર્મના લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવામાં આવે છે. (માહિતી સૌજન્ય :  અમિતસિંહ ચૌહાણ)

(8:46 pm IST)