Gujarati News

Gujarati News

News of Monday, 14th November 2022

બાળદિને એક સવાલ... આજનું બાળક કેટલું દીન ?

૪ નવેમ્બરે 'બાળદિન' ઉજવીશું પણ બાળકોના અધિકાર, સંરક્ષણ અને વિકાસ માટે જાગૃતતા કેટલી ? : મારા બાળકને જોઈએ તેટલો સમય આપી શકાતો નથીઃ સંતાનોની ભલાઈ માટે દોડધામ કરતાં માતા-પિતાની વેદના

આજનું બાળક કેટલું દીન એટલે કે કેટલું ગરીબ? આંતરરારાષ્ટ્રીય બાળદિન એટલે કે બાળદિવસની ઉજવણી ટાંકણે જ આ સવાલ 'જાગતાં' પણ ઊંઘી રહેલાં આપણાં સહુ માટે જરૂરી છે. ૧૪ નવેમ્બરે બાળદિન ઉજવીશું પણ આપણે આપણાં કે આપણી આસપાસના બાળકોના અધિકાર, સંરક્ષણ અને વિકાસ માટે કેટલા જાગૃત છીએ તે સવાલ છે. આ મોંઘવારી અને હરિફાઈના યુગમાં પોતાનું બાળક દુનિયા સાથે કદમ મિલાવી શકે તે માટે માતા-પિતા એટલી અને એવી દોડધામ કરે છે કે પોતાના સંતાન માટે સમય આપી શકતાં નથી. ઘણાંખરાં માતા-પિતા પોતાના બાળકને જોઈએ તેટલો સમય આપી નહીં શકતાં હોવાની વેદના અનુભવતાં હોય છે. આખરે, બાળપણ વિતે એટલે સમજુ બનતાં બાળક અને આખી જીંદગીનો ભાર વેંઢારનાર માતા-પિતા વચ્ચે એકબીજા માટે કેટલું અને શું કર્યું ના સવાલનો પહાડ રચાય છે જે લાગણીઓમાં જીવનભરનો અવરોધ બની જાય છે. બાળક એ માતા-પિતા જ નહીં દેશનું પણ ભાવિ છે એટલે નિરક્ષરતા, બાળમજૂરી જેવી દૈત્યસમાન સમસ્યાઓ દૂર કરવા સરકારે કમ્મર રસી છે. પણ, આ બાળદિને સમાજનું બાળક તન અને મનથી દીન (ગરીબ) ન રહે તેવા સહિયારા પ્રયાસ આવશ્યક છે.
 બાળદિનની ઉજવણી એટલે બાળ અધિકારોનું રક્ષણ
આંતરરાષ્ટ્રીય બાળ દિવસ વિશ્વમાં ૨૦ નવેમ્બરના રોજ મનાવાય છે. ૧૯૫૯માં સંયુકત રાષ્ટ્રોની સામાન્ય સભાએ બાળ અધિકારોની જાહેરાત કરી હતી તે મુજબ બાળકોને જીવન જીવવાનો, સંરક્ષણનો, સહભાગિતાનો અને વિકાસનો અધિકાર છે. ભારતમાં બાળદિવસ જવાહરલાલ નહેરૂ એટલે ચાચા નહેરૂના જન્મદિવસ એટલે કે ૧૪ નવેમ્બરે ઉજવવામાં આવે છે. દુનિયાના અનેક દેશોમાં ૧ જુનના રોજ બાળદિવસ મનાવાય છે. ચીનમાં ૪ એપ્રિલ, પાકિસ્તાનમાં ૧ જુલાઈ, અમેરિકામાં જુન મહિનાના બીજા રવિવારે, બ્રિટનમાં ૩૦ ઓગસ્ટ, જાપાનમાં ૫ મે, પશ્યિમ જર્મનીમાં ૨૦ સપ્ટેમ્બરના રોજ બાળદિવસ મનાવાય છે. આંતરાષ્ટ્રીય બાળ દિવસની ઉજવણીનો ઉદ્દેશ દુનિયાભરના બાળકોના સારાં ઉછેરને પ્રોત્સાહન આપવા, બાળકોના અધિકાર, સાચવણ અને શિક્ષા અંગે લોકોને જાગૃત કરવાનો છે. બાળ દિનની ઉજવણી એટલે બાળકોને મોજ કરવાનો અને દેશના શિક્ષિત અને સ્વસ્થ નાગરિક તરીકે વિકસવાનો અધિકાર આપવો તે છે. ભારતમાં બાળદિનની ઉજવણી મહદ્દઅંશે શાળા પૂરતી સિમીત છે. આ દિવસે બાળકો માટે મનપસંદ રમતગમત અને પ્રવૃત્ત્િ।ના આયોજન કરવામાં આવે છે.
ભારતમાં ૧૦ કરોડ બાળકો મજૂરી કામમાં જોતરાય છે
કડવી વાસ્તવિકતા એ છે કે, બાળદિનની ઉજવણી માત્ર દેખાડા પૂરતી રહી ગઈ છે. એક દિવસની સિમીત ઉજવણી સિવાય દ્યણાંખરાં બાળકોનું બાળપણ જવાબદારીના ભાર હેઠળ કચડાતું હોય છે. આંચકો આપે તેવું તથ્ય એ છે કે, 'ઈન્ટરનેશન લેબર ઓર્ગેનાઈઝેશન'ના મતે વિશ્વમાં આજે પાંચથી ૧૭ વરસના ૧૫૨ કરોડ બાળમજૂરો છે તે સાત વરસ પછી પણ ૧૨૧ કરોડ તો હશે જ. ભારતમાં ૨૦૧૧ની વસ્તીગણતરી પ્રમાણે ૧.૦૧ કરોડ બાળમજૂરો છે. પરંતુ સરકારી આંકડાને નહીં સ્વીકારતા સ્વતંત્ર સર્વે અનુસાર ૪ કરોડ અને શાળા બહાર રહેલાં તમામ બાળકોને બાળમજૂર ગણીને ૧૦ કરોડ બાળકો ભારતમાં બાળમજૂરો તરીકે કામ કરતાં હોવાનો અંદાજ છે. 'યુનિસેફ'નું અનુમાન છે કે કોરોનાને કારણે લોકોની આવક દ્યટતાં અને બેરોજગારી વધતાં બાળમજૂરીમાં પણ વૃદ્ઘિ થઈ છે. એક સર્વેના તારણ અનુસાર કોરોનાને કારણે શાળાઓ બંધ હતી ત્યારે બાળશ્રમનું પ્રમાણ ૧૦૫ ટકા વધ્યું છે. છોકરીઓમાં ૧૧૩ ટકા અને છોકરાઓમાં ૫૪ ટકા બાળમજૂરી વધી છે. ૨૦૧૨ થી ૨૦૧૬માં દુનિયામાં બાળમજૂરી એક ટકો ઘટી હતી. પરંતુ કોરોનાની આર્થિક પછડાટ પછી બાળમજૂરીમાં મોટો વધારો થઈ રહ્યો છે.
મોબાઈલ ફોનની કૂટેવ પાડવાથી બાળપણ મુરઝાઈ રહ્યું છે
ભારતની વસતી ૧૪૦ કરોડની નજીક પહોંચી ચૂકી છે તેમાં ૧૪ વર્ષથી ઓછી વયના એટલે કે બાળકોની સંખ્યા ૩૦ ટકા જેટલી થવા જાય છે. મતલબ કે, બાળકો ભારતનું ભવિષ્ય છે. કમનસીબે, આપણે આપણાં ભવિષ્ય પ્રત્યે પૂરતાં જાગૃત નથી એ વાતનો સ્વિકાર કરવો જ પડે તેમ છે. આધુનિક સમય સાથે આધુનિક સમસ્યાઓનો સામનો કરવા માટે આપણે સજ્જ છીએ પણ આપણાં બાળકોને વર્તમાન અને આવનારી સમસ્યાઓ સામે લડત આપવા માટે સજ્જ બનાવવામાં આપણે ઉદાસીન છીએ. ભારતમાં બાળમજૂરી કરતાં પણ મોટી સમસ્યા બાળકોમાં વિસ્તરી રહેલું મોબાઈલ એડિકશન છે. અત્યારે બે-ચાર મહિનાનું બાળક રડે નહીં તે માટે ઘણીખરી માતાઓ મોબાઈલ ફોન કે ટી.વી.માં કાર્ટૂન ચાલુ કરી દે છે. બે વર્ષનું બાળક કૂમળી આંગળીથી મોબાઈલ ફોનની ટચસ્ક્રીનનો જાદુ ટગર... ટગર આંખોએ જોતો રહે છે. ત્રણ વર્ષના બાળકને મોબાઈલ ઓપરેટ કરવા આવડે તેની વાતો માતા-પિતા ગૈરવભેર કરે છે. મનોવિજ્ઞાન મુજબ, બાળકને ૧૪ વર્ષની કૂમળી વય સુધી પડતી આદતો આખી જીંદગી રહી જાય છે. પાંચ વર્ષની વયે પહોંચેલા અનેક બાળક મોબાઈલ ફોનના ગુલામ બની ગયાં હોય તેવી સ્થિતિ પણ છે. બાળગુલામી એક અપરાધ છે પણ આપણે જ બાળકોને મોબાઈલ ફોનના ગુલામ બનાવી રહ્યાં છીએ. કામકાજમાં વ્યસ્ત રહેતા માતા-પિતા બાળકને બીજા વ્યકિતના હવાલે કરી દે છે. આવી સ્થિતિમાં બાળક જાતિય કે શારીરિક સતામણીનો ભોગ બનતું હોવાના કિસ્સા ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. બાળકનું ભલું ઈચ્છતાં દ્યણાંખરાં માતા-પિતા બાળક ઉપર ભણતરનો એટલો ભાર નાંખી દે છે કે, બાળક મુરઝાવા લાગે છે. કમનસીબે, વિશ્વમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી ગંદો ધંધો વિકસ્યો છે અને બાળકોનું શોષણ કરનારાં નરાધમો પણ આપણી વચ્ચે જ અંચળો ઓઢીને સલામત ફરતાં હોય છે.
બાળકને હેતભર્યો સમય આપો અને ખિલવા દો
ભારતીય સંસ્કૃતિમાં બાળકમાં ઈશ્વર હોય છે તેમ કહેવાયું છે. બાળકના મોઢેથી નીકળતો પહેલો શબ્દ વ્હાલો લાગે છે. પછીથી, બાળક મોટું થાય તેમ તેના પડ્યા બોલ ઝીલવાની ઘેલછામાં સુખસાહ્યબી પૂરી પાડતાં માતા-પિતા બાળકને ખરી જરૂરિયાત લાગણીની છે તે વિસરી જઈ ભૈતિક જરૂરિયાતો પૂરી કરવામાં ગળાડૂબ બની જાય છે. બાળકને મોબાઈલ ફોન કરતાં વધુ જરૂરિયાત માતા-પિતાના હેતભર્યા સમયની છે. આજનો બાળક પાંચ-છ વર્ષની માસૂમિયત વટાવી ચૂકયા પછી દ્યરઆંગણાંની રમતથી, માતા-પિતા સાથે ધિંગામસ્તી, હમઉમ્ર મિત્રો સાથેની ધમાલના બદલે મોબાઈલ મેનિયા અને શિક્ષણના ભારતળે મુરઝાવાના ડગ માંડતો થાય છે. બાળકને ભણતર સાથે જીંદગીના પાઠ હસતાં-રમતાં શિખવવા માટે માતા-પિતાએ સમય અને પ્રોત્સાહન આપવાં જોઈએ એ સમયની માંગ છે. બાળકો ફૂલ જેવા હોય છે એને ખિલવા દેશો તો ખિલશે પણ પરિવારના આ ફૂલના માળી બનવાની પૂર્ણરૂપની જવાબદારી નિભાવ્યે જ છૂટકો.
અત્યારના ઘણાંખરાં બાળકો માટે તમામ સુખસુવિધા હાજર છે. સ્વતંત્રતા છે અને આધુનિકતા છે પણ લાગણીનો અવકાશ બાળકના મનમાં વિરહ સર્જે તેવું બની શકે છે. બાળકનો વિરહ સમજતાં કોઈ માતા-પિતા સમયના બંધનોથી લાચાર પણ હોય છે. હરિન્દ્ર દવેનો આ શેર બાળકો કે માતા-પિતાની મનોવેદના દર્શાવવા માટે પૂરતો છે.
લ્યો, ફરી રસ્તા ઉપર રોતા દીઠા મેં બાળકો,
તેં જે સરજી'તી જગત માટે ખુશી ઓછી પડી.
 

 

સંકલનઃ હેમાંગિની ભાવસાર,
અમદાવાદ. મો.૯૯૭૯૨ ૨૮૦૨૯

(4:21 pm IST)