Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ગાંધીનગર: દહેગામ-ચિલોડા હાઇવે પરથી પોલીસે 1 લાખથી વધુનો દારૂનો જથ્થો ઝડપ્યો: બુટલેગર ગાડી મૂકી રફુચક્કર

ગાંધીનગર: શહેર તેમજ જિલ્લામાં દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે. ત્યારે શહેર નજીક દહેગામ-ચિલોડા હાઇવે ઉપર વિદેશીદારૂ ભરેલી કાર પસાર થતી હોવાની બાતમીના આધારે ચિલોડા પોલીસે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી કાર પોલીસને જોઇને ભાગી ગઇ હતી. ચાલક મગોડી પાસે કાર મુકીને નાસી છુટયો હતો પોલીસે કારમાંથી એક લાખનો વિદેશીદારૂનો જથ્થો ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટાપ્રમાણમાં વિદેશીદારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા આવા દારૂના જથ્થાને પકડવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. મુખ્યમાર્ગો ઉપર પોલીસ દ્વારા સતત વાહનચેકીંગના કારણે બુટલેગરો હવે દારૂ ઘુસાડવા માટે આંતરિક માર્ગનો ઉપયોગ કરતાં હોય છે. ચિલોડા પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે દહેગામથી ચિલોડા તરફ એક સ્કવોડા કારમાં વિદેશીદારૂનો જથ્થો લાવવામાં આવી રહ્યો છે. જે બાતમીના આધારે આ પોલીસ ટીમે વોચ ગોઠવી હતી અને પોલીસને જોઇને બુટલેગર ભાગ્યો હતો. પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો શરૂ કર્યો હતો અને બુટલેગરે મગોડી પાસે ખારી નદીના બ્રીજ ઉપર ગાડી મુકીને નાસી છુટયો હતો. પોલીસે કાર ખોલીને તપાસ કરતાં તેમાંથી વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ટનીબોટલો મળી આવી હતી. 

(4:34 pm IST)