Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

એન્જિનિયરીંગના વિદ્યાર્થીને હવે મિકેનિકલ : ઇલેકટ્રીકલમાં નથી રહ્યો કોઇ રસ!

પોપ્યુલર બ્રાંચના વળતા પાણી : સ્ટૂડન્ટ્સ પ્લાસ્ટિક, પેટ્રોલિયમ, રબર, ટેકસટાઈલ, એનવાયર્મેન્ટ, પાવર, એરોનોટિકસ, માઈનિંગ, મેન્યુફેકચરિંગ અને મરીન એન્જિનિયરિંગમાં પણ રસ લેતા થયા

અમદાવાદ તા. ૧૪ : એક સમય હતો કે જયારે મિકેનિકલ કે પછી ઈલેકટ્રીકલ જેવી એન્જિનિયરિંગની બ્રાંચમાં એડમિશન લેવા સ્ટૂડન્ટ્સ પડાપડી કરતા, અને ભણવાનું પૂરું થતાં જ તેમને તરત નોકરી પણ મળી જતી. જોકે, હવે બદલાતા જમાના સાથે એન્જિનિયરિંગના સ્ટૂડન્ટ્સની ચોઈસ પણ બદલાઈ રહી છે, અને એક સમયની જાણીતી એન્જિનિયરિંગ બ્રાંચમાં હવે સ્ટૂડન્ટ્સ ઘટી રહ્યા છે.

૨૦૧૨માં એલડી એન્જિનિયરિંગમાં એડમિશન લેનારા અજય શાહના જણાવ્યા અનુસાર, તે વખતે મિકેનિકલનો ખાસ્સો ક્રેઝ હોવા છતાં અંગત રસને કારણે તેમણે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન લીધું. ભણવાનું પૂરું થયું ત્યારે કમ્પ્યુટર એન્જિ.ના સ્ટૂડન્ટ્સને એવરેજ ૪.૫ લાખનું પેકેજ ઓફર થયું હતું, જયારે મિકેનિકલના સ્ટૂડન્ટ્સને ૩.૫ લાખના એવરેજ પેકેજ ઓફર થયા હતા.

અજય શાહ જેવા જ બારમું ધોરણ પાસ કરી એન્જિનિયરિંગ કરવા આવતા હજારો સ્ટૂડન્ટ્સ હવે કોર્સ અને કોલેજનું બેસ્ટ કોમ્બિનેશન સેટ કરતા થઈ ગયા છે. પોતાના રસ ઉપરાંત માર્કેટ ડિમાન્ડ અને ફાઈનાન્શિયલ કન્ડિશનને આધારે પણ સ્ટૂડન્ટ્સ એન્જિનિયરિંગની બ્રાંચ પસંદ કરે છે, પરંતુ સવાલ એ છે કે શું ખરેખર એન્જિનિયરિંગના સમીકરણો બદલાઈ રહ્યા છે?

એડમિશન કમિટિના રિપોર્ટ અનુસાર, ૨૦૧૮-૧૯માં રાજયની વિવિધ એન્જિ. કોલેજોમાં ૫૨ ટકા સીટો ખાલી રહી હતી. પાંચ વર્ષ પહેલા આ પ્રમાણ ૨૯ ટકા હતું. છેલ્લા પાંચ વર્ષમાં મિકેનિકલ એન્જિ.માં ૨૦૦૦ સીટો ઘટી છે, ઈલેકટ્રીકલમાં ૧૨૦૦ જયારે સિવિલમાં ૮૩૬ સીટોનો ઘટાડો થયો છે. જયારે કમ્પ્યુટર એન્જિ.માં ૧૬૦૦ અને આઈટીમાં ૮૪૯ સીટો ઉમેરાઈ છે.

એકસપર્ટ્સના જણાવ્યા અનુસાર, કેટલાક કોર્સનો ક્રેઝ વધ્યો છે, જયારે મિકેલનિકલ, ઈલેકટ્રીકલ જેવી એક સમયની પોપ્યુલર બ્રાંચમાં હવે રસ ઘટ્યો છે. સ્ટૂડન્ટ્સ પ્લાસ્ટિક, પેટ્રોલિયમ, રબર, ટેકસટાઈલ, એનવાયર્મેન્ટ, પાવર, એરોનોટિકસ, માઈનિંગ, મેન્યુફેકચરિંગ અને મરીન એન્જિનિયરિંગમાં પણ રસ લેતા થયા છે. જોકે, તેની બેઠકોનું પ્રમાણ ઘણું ઓછું છે.

જો ૧૨માં ધોરણમાં સારા ટકા આવ્યા હોય તો સ્ટૂડન્ટ્સ પાસે કોલેજ અને બ્રાંચ પસંદ કરવાનો વધુ અવકાશ રહે છે. જો પરિણામ ઓછું આવ્યું હોય તો પસંદગી મર્યાદિત બને છે. તજજ્ઞો એન્જિનિયરિંગના એજયુકેશનની કવોલિટી પર પણ હવે સવાલ ઉઠાવી રહ્યા છે. જે રીતે સીટો વધી છે, તેટલા પ્રમાણમાં કવોલિટી વધવાને બદલે ઘટી છે. જેનું એક મોટું કારણ અપેક્ષા અનુસાર કાબેલિયત ન ધરાવતો ટિચિંગ સ્ટાફ પણ છે.

(3:31 pm IST)