Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

બિહારી હોય કે ગુજરાતી હોય અમારી વચ્ચે દીવાલ કેમ?

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર ૧૧ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા છઠપૂજા ઘાટના લોકાર્પણ પ્રસંગે વિડીયો-કોન્ફરન્સથી સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભવતઃ પહેલી વાર પરપ્રાંતીયોના મુદ્ે નિવેદન આપ્યું

અમદાવાદમાં સારબતી રિવરફ્રન્ટ પર સાબરમતી નદીના તટે બનાવેલા છઠઘાટને ખુલ્લો મુકાયા બાદ ઘાટ પર પૂજા માટે ઉમટેલા બિહારી નાગરીકો.

અમદાવાદ તા. ૧૪ :.. ગુજરાતમાં અમદાવાદના રિવરફ્રન્ટ પર ૧૧ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા છઠપુજા ઘાટના ગઇકાલે યોજાયેલ લોકાર્પણ પ્રસંગે વિડીયો-કોન્ફરન્સથી દેશના વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સૂચક રીતે કહયું હતું કે બિહારી હોય કે ગુજરાતી, અમારી વચ્ચે દીવાલ કેમ?

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશીલકુમાર મોદીની ઉપસ્થિતીમાં ગઇ કાલે સાંજે ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ઇન્દીરા બ્રીજ નીચે સાબરમતી નદીના તટ પર ૧૧ કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા ૩૦૦ મીટરના છઠપૂજા ઘાટનું લોકાર્પણ કર્યુ હતું. અને બિહારી પરિવારો સાથે મહાનુભાવોએ સૂર્યનારાયણની સંધ્યા આરતી કરી હતી.

આ પ્રસંગે વિડીયો-કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્રભાઇએ બિહાર અને ગુજરાતના નાગરીકોને સદ્ભાવનાની યાદ અપાવતાં કહયું હતું કે 'વિવિધતામાં એકતાના સૂત્રને ખોજતાં રહેવુ પડશે. તોડનારી શકિત બહુ છે, જોડનારી શકિત ઓછી છે ત્યારે એકતાના મંત્રને વારંવાર ગુંજતો કરવો પડશે. બિહારી હોય કે ગુજરાતી હોય, અમારી વચ્ચે દીવાલ કેમ?' આપ પણ ભારત માતાના બેટા છો, અમે પણ ભારત માતાના બેટા છીએ. શું માના દૂધમાં દરાર હોઇ શકે છે?'

છઠપુજા ઘાટના લોકાર્પણ પ્રસંગે વિડીયો-કોન્ફરન્સથી વડાપ્રધાન નરેન્દ્રભાઇએ સંભવતઃ પહેલી વાર પરપ્રાંતીયોને મુદ્ે આ પ્રકારે નિવેદન આપ્યું હોવાનું જણાઇ રહયું છે.

(2:48 pm IST)