Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

પાલનપુરના ખેમાણા ટોલનાકા નજીક બનાસકાંઠા એસઓજીએ તપાસ હાથ ધરી સફરજનની આડમાં લઇ જવાતો ચરસનો જથ્થો ઝડપી પાડ્યો

બનાસકાંઠા: શહેરને અડીને આવેલા પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી ગુજરાતમાં મોટાપાયે દારૃ તેમજ માદક પદાર્થોની હેરાફેરી થઈ રહી હોય યુવાધનને બરબાદ કરતી આ બદીને રોકવા માટે પોલીસ દ્વારા સરહદી વિસ્તારના માર્ગો પર સઘન વોચ રાખવામાં આવી રહી છે. જેમાં આબુરોડથી પાલનપુર આવતા માર્ગ પર ચરસ ભરેલી ગાડી પસાર થવાની હોવાથી બાતમીને આધારે ગુજરાત એટીએસ અને બનાસકાંઠા એસઓજી પોલીસની ટીમે ચરસની હેરાફેરીને ઝડપી પાડવા માટે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. પાલનપુર નજીક આવેલ ખેમાણા ટોલનાકા પર નાકાબંધી ગોઠવીને રાજસ્થાન તરફથી આવતી મહારાષ્ટ્ર પાસિંગની એક વેગનઆર કારને રોકાવી તલાશી લેતા આ કારમાંથી રૃા. ૧.૫૦ કરોડની કિંમતનું ૧૬.૭૫૩ કિલોગ્રામ માદક ચરસનો જથ્થો મળી આવ્યો હતો. જેને લઈ ગાડીમાં સવાર મહારાષ્ટ્રના બે શખસોની અટકાયત કરવામાં આવી હતી. જોકે આરોપીઓએ આ ચરસનો જથ્થોબંજાબના લુધિયાણાથી મુંબઈ લઈ જતા હોવાની કબુલાત કરતા પોલીસે ચરસની હેરાફેરી બદલ બન્ને આરોપી વિરુધ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને બનાવની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે બનાસકાંઠા જિલ્લાના માર્ગો પર અવારનવાર વિદેશી દારૃ સહિત ચરસગાંજો જેવા માદક પદાર્થોની હેરાફેરી વધી રહી છે. જેમાં કેટલીકવાર પોલીસની સજાગતાને લઈ માદક પદાર્થોની હેરાફેરીનો પર્દાફાશ થઈ રહ્યો છે તેમ છતાં આ બદી અટકવાનું નામ લેતી નથી તે પોલીસ માટે ચિંતાનો વિષય બન્યો છે.

(6:06 pm IST)