Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

માહિતી અધિકારીએ જ માહિતી ન આપતા પગલા

ગુજરાતહાઈકોર્ટે ગંભીર નોંધ લીધી

અમદાવાદ, તા. ૧૪ : કચ્છ ભચાઉના મામલતદારે સિનિયર સિટીઝન નાગરિકને કોર્ટમાં રજૂ કરવા માટે આરટીઆઈ થકી માહિતી ન આપતા ગુજરાત હાઈકોર્ટે ગુજરાત માહિતી પંચને જવાબદાર મામલતદાર સામે પગલા લેવાનો આદેશ કર્યો છે. વર્ષ ૨૦૧૮માં અરજદારે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ કેટલીક માહિતી માગી હતી. જો કે, ભચાઉના મામલતદાર અને જાહેર માહિતી અધિકારી સેક્શનની દલીલ કરી થર્ડ પાર્ટી માહિતી આપી શકાય નહીં તેવો જવાબ આપ્યો હતો. અરજદાર દ્વારા ફર્સ્ટ અપીલ દાખલ કરવામાં આવી હતી.

                 જો કે, તેનો કોઇ પણ પ્રકારનો નિકાલ ન થતાં ગુજરાત માહિતી પંચમાં ૨૦૧૯માં અરજી કરી હતી અને પંચે જવાબદાર અધિકારીને ૨૦ દિવસમાં માહિતી આપવાનો આદેશ કર્યો હતો. પંચના નિર્દેશ બાદ પણ મામલતદારે વરિષ્ઠ નાગરિકને માહિતી આપતા જણાવ્યું હતું કે, ૨૦૦૧માં ભૂકંપ દરમિયાન તમામ દસ્તાવેજ ગુમ થઈ ચૂક્યા છે. ત્યારબાદ અરજદાર ધોળકિયાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટે જાહેર માહિતી અધિકારીના વલણને ધ્યાનમાં રાખીને ગુજરાત માહિતી પંચને તેમની સામે શિક્ષાત્મક પગલા લેવાનો આદેશ કર્યો હતો.

(9:46 pm IST)