Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલનો બીજો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા ચિંતા

8મી સપ્ટેમ્બરે સી. આર પાટીલ કોરોના પોઝિટિવ થયા હતા : તેઓ અપોલો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે : કોરોના સંક્રમિત થયા પહેલા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો પ્રવાસ ખેડયો હતો

અમદાવાદ: રાજ્યમાં કોરોના કહેર યથાવત છે. તેની ઝપટમાં સામાન્ય લોકોથી લઇને વીવીઆઈપી પણ આવી રહ્યા છે. તાજેતરમાં જ હજારો લોકોની સાથે રેલીઓ યોજનારા ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલ  નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આજે સોમવારે તેમનો બીજો કોરોના રિપોર્ટ પણ પોઝિટીવ આવતા ચિંતા વધી છે. તેમને હજી પણ હોસ્પિટલમાં જ રહેવું પડશે. હાલ સીઆર પાટીલની કોરોનાની સારવાર એપોલો હોસ્પિટલમાં ચાલી રહી છે.

ગુજરાતમાં શાસક પાર્ટી ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ નો આજે RTPCR કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે ફરીથી પોઝિટીવ આવ્યો છે. જો કે ડોક્ટરોએ જણાવ્યું છે કે સીઆર પાટીલ નો બીજો કોરોના રિપોર્ટ ભલે પોઝિટીવ આવ્યો હોવા છતાં તેમના શરીરમાં વાઇરલનો લોડ ઘટી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ  કોરોનામાં સપડાયા હોવા અંગે રાજકીય વર્તુળોમાં મંગળવારે એટલે 8મી સપ્ટેમ્બરના રોજ ભારે ઉથલપાથલ જોવા મળી હતી. જેના કારણે સાંજ સુધી તેઓ પોઝિટિવ છે કે નહીં તેમાં ભારે અસમંજસની અને નેતાઓમાં ફફડાટની સ્થિતિ સર્જાઇ હતી. મીડિયામાં સાંજે 4.15ની આસપાસ સીઆર પાટીલ  કોરોના પોઝિટિવ આવતા અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયાના અહેવાલ વહેતા થયા હતા. જો કે થોડી વારમાં જ પાટીલે જાતે ટ્વીટ કરી લખ્યું હતું કે તેઓ સ્વસ્થ છે. દરમિયાનમાં તેમના પુત્ર જીજ્ઞેશ પાટીલે ટ્વીટ કરી હતી. તેમના પિતાને કોરોના પોઝિટિવ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેથી તેમના માટે પ્રાર્થના કરજો. પરંતુ થોડી વારમાં જ આ ટ્વીટ હટાવી લેવાઇ હતી. ત્યારબાદ બધી અટકળોને પૂર્ણ વિરામ આપતા તેઓ કોરોના સંક્રમિત થયા છે તેવા કન્ફર્મ સમાચાર મળ્યા હતા.

પાટીલ  કોરોના સંક્રમિત થયા તે પહેલા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો પ્રવાસ ખેડ્યો હતો. જેમાં હજારોની સંખ્યામાં કાર્યકર્તા અને પાર્ટીના નેતાઓ સામેલ થયા હતા. આ રેલીમાં કાર્યકર્તાઓ દ્વારા સરકારી ગાઇડલાઇનનું ખુલ્લેઆમ ભંગ કરવામાં આવ્યું હતુ. ત્યારે એવા પણ પ્રશ્નો ઉદભવ્યા હતા કે નિયમો માત્રને માત્ર સામાન્ય પ્રજા માટે છે નેતાઓ કે તેમના ટેકેદારો માટે નથી. તેમના પ્રવાસનો કોંગ્રેસે પણ ભારે વિરોધ કર્યો હતો.

ભાજપ પ્રમુખ સીઆર પાટીલ ની રેલીમાં સામેલ ઘણાં ધારાસભ્યો, નેતાઓ અને કાર્યકર્તાઓ કોરોના સંક્રમિત મળ્યા હતા. ત્યારબાદ કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભાજપ પ્રદેશ પ્રમુખે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કોરોનાને નિમંત્રણ આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. રોજના સરેરાશ 1200થી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. રવિવારે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ 1326 પોઝિટિવ કેસ ઉમેરાયા હતા. તેની સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 1,13,662એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 15 દર્દીઓના મોત થયા હતા. તેની સાથે જ કુલ મૃત્યુઆંક વધીને 3213એ પહોંચ્યો છે. જોકે સારી વાત એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 82.71 ટકા છે.

(6:14 pm IST)