Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

અમદાવાદમાં સાસરીયામાં ન જતી બહેનને મારનાર બનેવીને સાળાઍ સાથ આપ્યોઃ માર મારતા મામાના હાથે ભાણેજ અને પિતાને ગંભીર ઇજા

અમદાવાદ: સેટેલાઈટના રામદેવનગરમાં સાસરીમાં ન જતી મહિલા પર પતિએ હુમલો કર્યો હતો. બહેનને મારતા બનેવીને સાળાએ સાથ આપ્યો હતો. સાળાએ બહેનને મારવાના ચક્કરમાં નવ માસના ભાણિયાને ગંભીર ઇજાઓ કરી હતી. આરોપીઓએ મહિલા અને તેના પિતાને પણ માર્યા હતા. ઘરેલુ તકરારમાં ત્રણ લોકોને ઈજા થઈ હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડયો છે.

સેટેલાઈટના રામદેવનગર વિસ્તારમાં પારસ સોસાયટી પાસે રહેતાં અનિતાબહેનના લગ્ન 2 વર્ષ અગાઉ નરેશ સોલંકી સાથે થયા હતા.લગ્નજીવનથી અનિતાબહેનને 9 માસનો પુત્ર છે. છેલ્લા ત્રણ માસથી પતિ દારૂ પી મારઝૂડ કરતા હોવાથી અનિતા પિયરમાં રહેવા માટે આવી ગઈ હતી. રવિવારે સાંજે અનિતા પિયરમાં હાજર હતી. તે સમયે ત્યાં આવેલા નરેશએ તું સાસરીમાં કેમ નથી આવતી, તેમ કહી અનિતાને મારમારવાનું શરૂ કર્યું હતું. અનિતાને છોડાવવા પિતા વચ્ચે પડતા નરેશએ તેમણે પણ છાતીમાં લાકડીનો ફટકો માર્યો હતો.

તે સમયે ત્યાં આવેલા અનિતાને ભાઈ પ્રેમભાઈએ બનેવી નરેશનો પક્ષ લઈ તું તારી સાસરીમાં કેમ નથી જતી તેમ કહી અનિતાને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. પ્રેમ લાકડી લઈ અનિતાને મારવા જતા તે ખસી ગઈ હતી. આથી લાકડી અનિતાના હાથમાં રહેલા તેના નવ માસના માસૂમ પુત્રને માથામાં વાગતાં ગંભીર ઈજા થઈ હતી.માસૂમ ભાણાને ગંભીર ઇજાઓ કરી ફરાર થઈ ગયો હતો.

અનિતા અને તેના પિતાને સોલા સિવિલ તેમજ માસૂમ બાળકને સારવાર અર્થે અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. સેટેલાઇટ પોલીસે અનિતાની ફરિયાદ આધારે આરોપીઓ વિરુદ્ધ રવિવારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:33 pm IST)