Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

કોરોનાના વધતા કેસ સામે સ્વયંભુ લોકડાઉનનો વેપારીઅો દ્વારા નિર્ણયઃ રાજકોટ-ખેડબ્રહ્માઅજુનાગઢ-કોયલાણા ઘેડના વિસ્તારોમાં સ્વૈચ્છિક બંધ રાખવા નિર્ણય

રાજકોટ: સમગ્ર રાજ્યમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. એવામાં હવે કોરોના સંક્રમણને અટકાવવા લોકોએ વર્તમાન પરિસ્થિતિને જાતે જ સમજવી પડશે. એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે તો અનલોક જાહેર કરી દીધું છે. પરંતુ હવે કોરોના પર કાબુ મેળવવા લોકો સ્વયંભૂ લોકડાઉન કરી રહ્યાં છે. જેમાં આજે રાજકોટ, ખેડબ્રહ્મા અને જૂનાગઢમાં લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે.

સ્વયંભૂ લોકડાઉનની જો વાત કરીએ તો સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં વેપારીઓએ સ્વંભૂ લોકડાઉનનો નિર્ણય કર્યો છે. વેપારીઓએ 14થી 21 સપ્ટેમ્બર સુધી બજારોને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. રાજકોટના સોની બજારમાં પણ એક અઠવાડિયાનું સ્વયંભૂ લોકડાઉન રાખવામાં આવ્યું છે. તારીખ 19 સપ્ટેમ્બર સુધી રાજકોટનું સોની બજાર સંપૂર્ણ બંધ રહેશે. તો બીજી બાજુ જૂનાગઢના માણાવદરના કોયલાણા ઘેડ ખાતે પણ સ્વૈચ્છિક લોકડાઉન રાખવામાં આવ્યું છે.

આ ચારેય શહેરોની વાત કરીએ તો ખેડબ્રહ્મા શહેર અને તાલુકામાં કોરોના સંક્રમણ વધી જતા આજથી 21 સપ્ટેમ્બર સુધી આઠ દિવસ માટે સ્વયંભૂ લોકડાઉન અમલમાં રહેશે. જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે બજાર સવારના 8 થી 11 સુધી જ ખુલ્લુ રહેશે. આ માટે નગરપાલિકા દ્વારા નગરની ગલીએ ગલીએ જાહેરાત કરીને આઠ દિવસ સ્વયંભૂ બજાર બંધ રાખવાની અપીલ કરાઈ છે.

જો કે, આવામાં જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવાં કે દૂધ પાર્લર, મેડિકલ સ્ટોર, હોસ્પિટલ તેમજ સરકારી કચેરીઓ ખુલ્લી રહેશે. ખેડબ્રહ્માના લોકો એવું કહી રહ્યાં છે કે હવે બંધનો સમય આવી ગયો છે. આ કારણથી ખેડબ્રહ્મા નગરપાલિકા, વિવિધ વેપારી એસોસિયેશને આ નિર્ણય કર્યો છે તેમજ લારીઓવાળાઓએ પણ આ બંધને સમર્થન આપ્યું છે.

રાજકોટ દાણાપીઠના વેપારીઓએ પણ કોરોનાના કેસોમાં સતત વધારો થતાં અડધા દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. જેમાં સોમવારે સવારે 8થી 3 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રહેશે. જ્યારે પરિસ્થિતિ કાબૂમાં આવશે ત્યારે 20 સપ્ટેમ્બરથી દુકાનો ફરીથી શરૂ કરી દેવાશે. કોરોનાના કેસોને ધ્યાનમાં રાખતા રાજકોટ દાણાપીઠના વેપારીઓએ આ નિર્ણય કર્યો છે.

સોની બજાર બાદ દાણાપીઠ એસોસિયેશન દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. દાણાપીઠમાં સતત 7 દિવસનું લોકડાઉન રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં 35 ઝવેરીઓનાં મોત થતાં શનિવારથી સોની બજારમાં લોકડાઉનની સ્થિતિ પ્રવર્તાઇ છે. તો બીજી બાજુ જૂનાગઢના માણાવદરના કોયલાણા ઘેડ ખાતે પણ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયું છે.

આ સિવાય સુરતના માંગરોળ તાલુકા મથકે 12 સપ્ટેમ્બરથી 12 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાના સતત વધી રહેલા કેસોને કારણે ગ્રામ પંચાયતે આ નિર્ણય કર્યો છે. જો કે આ દરમ્યાન માંગરોળના બજારો સવારે 7થી 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે પરંતુ આવશ્યક સેવાઓ જેવી કે મેડિકલ અને દૂધની દુકાનો ખુલ્લી રહેશે. તાલુકા મથકની મુખ્ય જુમ્મા મસ્જિદ પણ બંધ રાખવાનો મુસ્લિમ આગેવાનોએ નિર્ણય કર્યો છે.

(4:31 pm IST)