Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

થાઇલેન્ડની ખુબસુરત યુવતીનું મોત કુદરતી નહિ, હત્યા હોવાનો ધડાકો

સુરત સ્પા ગર્લ આઇડાના ચોખાના ડબ્બામાંથી મૃતક યુવતીની સોનાની ચેઇન મળીઃ સેનીટાઇઝરથી સળગાવ્યાની આશંકા? ગમે ત્યારે સતાવાર જાહેરાત થશે : ખરેખર એ લાશ સ્પા ગર્લ મીનીની જ છે કે બીજી યુવતીની ? થાઇલેન્ડ એમ્બેસી સુધી મામલો પહોંચ્યોઃ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર- એડીશ્નલ પોલીસ કમિશ્નર એચ.આર.મુલીયાણા-શરદ સિંઘલ અને ડીસીપી વિધિ ચૌધરીના નેતૃત્વમાં સીટ દ્વારા રહસ્ય પરથી પડદો હટયો

રાજકોટ, તા,.૧૪: સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર સુરતમાં થાઇલેન્ડની ખુબસુરત યુવતીને જીવતી સળગાવાઇ કે પછી તેનું શોર્ટ સર્કીટને કારણે અકસ્માતે મોત થયું તે બાબતનું રહસ્ય અંતે ઉકેલાઇ ગયું હોવાનું અને ગમે ત્યારે સતાવાર જાહેરાત કરવામાં આવનાર હોવાનું સુત્રો જણાવે છે.

 થાઇલેન્ડની એ ખુબસુરત યુવતી  વનીડા ઉર્ફે મીનીનું મોત  ઇલેકટ્રીક શોર્ટથી નહિ પરંતુ તેની હત્યા તેના પડોશમાં રહેતી સ્પા ગર્લ આઇડા દ્વારા થયાનું પ્રાથમીક તારણ  પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા ડીસીપી વિધી ચૌધરીની રાહબરીમાં સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. સમગ્ર મામલાનો ભેદ ઉકેલવા માટે સુરતના અનુભવી એડીશ્નલ પોલીસ કમિશ્નર  એચ.આર.મુલીયાણા તથા સુરતના એડીશ્નલ પોલીસ કમિશ્નર (ક્રાઇમ એન્ડ ટ્રાફીક) શરદ સિંઘલે પણ આ ભેદ પરથી પડદો ઉંચકવામાં  ખુબ જ મહત્વની ભુમીકાઓ ભજવી છે.

અજયકુમાર તોમરને આ બાબતમાં કેટલીક ચોક્કસ પ્રકારની શંકાઓ હોવાથી  જેના સામે શંકાની સોય ચિંધવામાં આવી છે તેવી રંગલા અને શોખીન યુવાનોમાં ખુબ જ જાણીતી આઇડાના ઘરની ફરીથી તપાસ કરવામાં આવી હતી. શ્રી મુલીયાણા, શરદ સિંઘલ અને ડીસીપી વિધી ચૌધરી ટીમ દ્વારા રસોડામાં રહેલ ચોખાના ડબ્બાઓ ફેંદતા  તેમાંથી જેની હત્યા થઇ છે તેવી મીનીનો સોનાનો ચેઇન મળી આવ્યો હતો. આરોપી  યુવતી આઇડા પણ સ્પા ગર્લ છે અને તે મીનીની બાજુમાં જ રહે છે. સેનીટાઇઝરના ઉપયોગ દ્વારા સળગાવવામાં આવી હોવાનું  બિનસતાવાર રીતે જાણવા મળે છે.

આરોપી યુવતી આઇડા દ્વારા પોતાના તથા ગ્રાહકો માટે ઉપયોગમાં લેતી રીક્ષાના ચાલકને એક ગાદલુ તથા એક ઓશીકુ નિકાલ કરવા માટે આપેલ. કાયમી રિક્ષાચાલકે  બીજા રિક્ષાચાલકને આપેલ. આ રિક્ષાચાલક  જે રિક્ષાચાલકે ગાદલુ તથા ઓશીકુ આપેલ  તે રિક્ષાચાલકના ઘરે મુકી આવેલ.

જે રિક્ષાચાલકના ઘેર ગાદલુ અને ઓશીકુ  જતા રિક્ષાચાલકના પત્ની દ્વારા ગાદલા અને ઓશીકાની ચકાસણી દરમિયાન ઓશીકામાં  કોઇ વજનદાર વસ્તુ હોવાનું ખુલતા અને તેની તપાસ કરતા તે ઓશીકામાં આઇફોન  હોવાનું ખુલતા જ રિક્ષાચાલકને શંકા જાગી  અને પોલીસને ચકરાવે ચડાવતી આઇડાનો  ખેલ ખતમ થઇ ગયો.

મરનાર યુવતી ખરેખર મીની છે કે કેમ?  કે પછી કોઇ અન્ય યુવતીની હત્યા કરી છે? તે બાબતે તપાસ કરવા માટે ડીએનએ ટેસ્ટ ફકત દાંત અને હાડકાનો ચોક્કસ પદાર્થ જ હોવાથી થાઇલેન્ડ એમ્બેસીની મદદથી તેના લોહીના સબંધ ધરાવતા પરીવારના બ્લડ સેમ્પલ લઇ ડીએનએ ટેસ્ટ  કરાવવા સાથે અન્ય ચોકકસ બાબતોએ પણ  થાઇલેન્ડ સરકાર અને થાઇલેન્ડ એજન્સીની મદદ પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા મંગાયાનું પણ સુત્રો જણાવે છે.

અત્રે યાદ રહે કે સુરતના મગદલ્લાની ગુરખા સ્ટ્રીટમાં નગીન પટેલના મકાનમાં ભાડાના રૂમમાં રહેતી થાઇલેન્ડની વનીદા ઉર્ફે મીની પોતાના રૂમમાંથી સળગી અને ભડથુ થયેલી હાલતમાં મળી  આવી હતી

(12:59 pm IST)