Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

ગોતા હાઉસિંગમાંથી ૭ વર્ષની બાળકી ગુમ થતાં સનસનાટી

પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી : બાળકીની શોધખોળ માટે સોલા પોલીસ ટીમ લાગી ગઈ

અમદાવાદ, તા. ૧૩ : સોલા વિસ્તારમાં આવેલા ગોતા હાઉસિંગ ખાતેથી ૭ વર્ષની બાળકી ગુમ થઈ જતાં સોલા પોલીસે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે સમગ્ર વિસ્તારમાં બાળકીને શોધવા પ્રયત્નો શરૂ કર્યા છે. પોલીસે કેટલાક લોકોની પૂછપરછ પણ હાથ ધરી છે. સોલાના ગોતા હાઉસિંગ વિસ્તારમાં રહેતાં રાજેશ રાઠોડ પત્ની અને ૭ વર્ષની બાળકી ખુશી સાથે રહે છે. રાજેશભાઇ અને તેમના પત્ની મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રાજેશભાઈની ૭ વર્ષની પુત્રી ખુશી શનિવારે સાંજે ઘર પાસે રમતી હતી.જો કે મોડી સાંજ સુધી દીકરી ઘર ના આવતા પરિવારજનોએ તપાસ કરી હતી. જોકે બાળકીનો કોઈ પતો ના લાગતા બનાવની જાણ સોલા પોલીસને કરવામાં આવી હતી. સોલા પોલીસ સ્ટેશનના પીઆઈએ બનાવની ગંભીરતાને ધ્યાને લઇ બાળકીના અપહરણ અંગે ગુનો નોંધવાની કાર્યવાહી કરી તો બીજી પોલીસ ટીમને બાળકીની શોધખોળ માટે લગાવી હતી.

           પોલીસ તપાસમાં ઘર પાસે રમતી બાળકી ખુશી અચાનક ગુમ થઈ ગઈ હતી. પોલીસે સમગ્ર ગોતા હાઉસીંગ વિસ્તારમાં તપાસ શરૂ કરી છે. બાળકીની શોધખોળ માટે મોટા ભાગના સ્ટાફને કામે લગાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે,૨૦૦૯માં બાપુનગરમાંથી ગુમ ૭ વર્ષની બાળકીની લાશ ઘર પાસે આવેલી મ્યુનિસિપલ સ્કૂલના ટોઇલેટમાંથી મળી હતી. ઘટનાના ૧૧ વર્ષ બાદ પણ બાળકીના રેપ વિથ મર્ડરના આ કેસના આરોપીનો પતો લાગ્યો નથી. જો કે સોલા પોલીસે ઘટનાના ગણતરીના સમયમાં બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:01 pm IST)