Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

અમદાવાદ : ગાંધી આશ્રમ વસાહતને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવા રહીશોની માંગ

ટેક્ષ ભરતા હોવા છતાં ડ્રેનેજ ડીસલ્ટીંગની કામગીરી કરવાનો એએમસીનો ઇન્કાર

અમદાવાદ: કોરોના મહામારી વચ્ચે ગાંધી આશ્રમ સામે જ રહેતાં આશ્રમવાસીઓની વસાહતમાં હાલ વરસાદી પાણી સહિતના ગંદા પાણીથી ગટરો ઊભરાય છે. જેના કારણે રોગચાળો ફાટી નિકળે તેવી શક્યતા છે. ત્યારે કોર્પોરેશન તરફથી આ ખાનગી મિલકત હોવાથી ડીસલ્ટીંગની કામગીરી કરવાનો ઇન્કાર કરી રહી છે. જેથી અકળાયેલા આશ્રમવાસીઓએ અમદાવાદ જિલ્લા કલેકટરને ગાંધી આશ્રમ વસાહતને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવાની માંગણી કરતો પત્ર લખ્યો છે.

 ગાંધી આશ્રમ સ્થિત ગાંધી સ્મારક સંગ્રહાલય સામે પી.ટી.સી. હોસ્ટેલ પાછળ રહેતાં શૈલેષ પી. રાઠોડે ગુજરાતના રાજયપાલ સહિત રાજયના મુખ્યમંત્રી અને અમદાવાદ જિલ્લા કલેકટરને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, મહાત્મા ગાંધીજીના સમયથી એટલે કે 1971થી ગાંધીઆશ્રમ રહેણાંક વિસ્તારમાં વસેલા રહેવાસીઓ છીએ. આ વસાહતમાં 250 જેટલા મકાનોમાં એક હજાર જેટલાં અંતેવાસીઓ રહે છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની રચના થઇ તે પહેલાં દેશ આઝાદ થયો તે વખતથી અહીંયા રહીએ છીએ.

 એ.એમ.સી. દ્રારા અમારી પાસે નિયમિત પ્રોપર્ટી ટેક્ષ ઉઘરાવવામાં આવે છે. એ.એમ.સી.ના નિયમ મુજબ 75 વારથી નીચેનો ટેક્ષ લેવાતો હોય તો ગટર, પાણી, લાઇટ વગેરે જેવી પ્રાથમિક સવલતો આપવાની રહે છે. પરંતુ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા અમારા રહેણાંક વિસ્તારમાં આવી સવલતો આપવાનો ઇન્કાર કરાઇ રહ્યો છે. એવું જણાવે છે કે, આ તો ખાનગી ટ્રસ્ટની જગ્યા છે. એટલે અમે સગવડ આપી શકીએ નહીં. અગાઉ આ સુવિધાઓ ચાલુ હતી. છેલ્લાં 10 વર્ષથી આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે તો તેનું કારણ શું?

(9:21 pm IST)