Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

સુપ્રીમના ચુકાદા સામે ૧૭મીથી વકીલો દેશવ્યાપી આંદોલન પર

વકીલોને હડતાળથી દૂર રહેવાના હુકમ સામે રોષ : વકીલોમાં જાગૃતિ અભિયાનથી લઇ દેખાવો-સૂત્રોચ્ચારના કાર્યક્રમો : ઓકટોબરમાં દેશભરના વકીલો દિલ્હીમાં જશે

અમદાવાદ,તા.૧૩ : કોઇપણ પ્રસંગ કે ઘટના, મુદ્દાને લઇ કોર્ટમાં હડતાળ, બહિષ્કાર અને કોર્ટ કામગીરીથી અળગા રહેવા પર પ્રતિબંધ ફરમાવતાં સુપ્રીમકોર્ટના ચુકાદાને લઇ ગુજરાત સહિત દેશભરના વકીલઆલમમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. સુપ્રીમકોર્ટનો આ ચુકાદો વકીલોના મૂળભૂત અધિકાર પર સીધા પ્રહાર અને કુઠારાઘાત સમાન હોઇ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ હવે આ મામલે દેશના તમામ રાજયોમાં આ ચુકાદાને લઇ વકીલોમાં જાણકારી અને જાગૃતિ આપવા તા.૧૭મી સપ્ટેમ્બરથી જાગૃતિ અભિયાન છેડવા ગુજરાત બાર કાઉન્સીલ સહિત  દેશના તમામ વકીલમંડળોને હાકલ કરી છે. ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન દિપેન દવે, શિસ્ત સમિતિના ચેરમેન અનિલ સી.કેલ્લા અને એકઝીકયુટીવ કમીટીના ચેરમેન કરણસિંહ વાઘેલાએ આજે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના નિર્દેશાનુસાર ગુજરાત રાજયમાં વકીલઆલમના આગામી કાર્યક્રમોની જાહેરાત કરાઇ હતી, જે મુજબ, તા.૧૭મી સપ્ટેમ્બરે રાજયના તમામ જિલ્લા-તાલુકા કોર્ટોમાં વકીલો દ્વારા ઉપરોકત ચુકાદા સંદર્ભે વકીલોનું જાગૃતિ અભિયાન, દેખાવો અને સૂત્રોચ્ચારના કાર્યક્રમો યોજાશે. તો, ઓકટોબર માસમાં દેશભરમાંથી વકીલો સુપ્રીમકોર્ટ અને સંસદ ખાતે એકત્ર થશે અને વિરોધ કાર્યક્રમો યોજશે. ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન દિપેન દવે, શિસ્ત સમિતિના ચેરમેન અનિલ સી.કેલ્લા અને એકઝીકયુટીવ કમીટીના ચેરમેન કરણસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, સુપ્રીમકોર્ટે ક્રિશ્નકાંત તમરાકર વિરૂધ્ધ મધ્યપ્રદેશ રાજયના કેસમાં આપેલા મહત્વના ચુકાદા મારફતે દેશના બાર એસોસીએશનો અને બાર કાઉન્સીલોને કોઇપણ પ્રસંગ કે બાબતને લઇ કોર્ટોમાં હડતાળ, બહિષ્કાર કે કોર્ટ કામગીરીથી અળગા રહેવાનું એલાન આપવા પર અંકુશ ફરમાવ્યો છે., જેનો બાર  કાઉન્સીલ ઓફ ઇન્ડિયા સહિત દેશભરના વકીલઆલમમાં ચોતરફથી ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે. જેને પગલે તા.૧૭મી સપ્ટેમ્બરે સુપ્રીમકોર્ટના આ ચુકાદાની વકીલબંધુઓમાં સમજ અને જાગૃતિ આપવા ગુજરાતના તમામ જિલ્લા -તાલુકા કોર્ટોમાં ખાસ જાગૃતિ અભિયાન અને સૂત્રોચ્ચાર-દેખાવોનો કાર્યક્રમ યોજાશે. આ વિરોધ કાર્યક્રમને લઇ તાલુકા કક્ષાએ મામલતદારને અને જિલ્લા કક્ષાએ કલેકટરને આવેદનપત્ર અપાશે. એ પછી આ સમગ્ર મામલે દરમ્યાનગીરી કરવા રાજયના મુખ્યમંત્રી, કાયદામંત્રી, ધારાસભ્યો અને સંસદસભ્યોને રજૂઆત કરી આવેદનપત્ર અપાશે. ત્યારબાદ ઓકટોબર મહિનામાં દેશભરના વકીલો દિલ્હી ખાતે સુપ્રીમકોર્ટ અને સંસદ બહાર એકત્ર થઇ રાષ્ટ્રવ્યાપી આશ્ચર્યકારક કાર્યક્રમ આપશે. દિલ્હીના આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં દેશભરમાં આશરે બે લાખથી વકીલો ઉમટે તેવો અંદાજ છે. ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન દિપેન દવે, શિસ્ત સમિતિના ચેરમેન અનિલ સી.કેલ્લા અને એકઝીકયુટીવ કમીટીના ચેરમેન કરણસિંહ વાઘેલાએ વધુમાં ઉમેર્યું હતું કે, સુપ્રીમકોર્ટના ઉપરોકત ચુકાદા સામે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના નિર્દેશાનુસાર વકીલોનું આ રાષ્ટ્રવ્યાપી આંદોલન છે, જેમાં ગુજરાત સહિત દેશભરના રાજયોમાં વકીલઆલમ દ્વારા આ પ્રકારના વિરોધ કાર્યક્રમ યોજાવા જઇ રહ્યા છે. બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાએ આ પ્રકારના ચુકાદાઓ મારફતે વકીલોના મૂળભૂત અને લોકશાહી અધિકારોને કોઇપણ રીતે ટૂંપો દઇ શકાય નહી તેવી માંગ સાથે આ રાષ્ટ્રવ્યાપી આંદોલન માટે ૨૧ સભ્યોની એક કેન્દ્રીય સંચાલન સમિતિ બનાવી છે. જયારે રાજયોમાં જે તે બાર કાઉન્સીલમાં પંદર સભ્યોની સંચાલન સમિતિ બનાવાઇ છે. આગામી દિવસોમાં ગુજરાત સહિત દેશભરનો વકીલઆલમ આ રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં જોડાઇ પોતાના વિરોધનો સૂર વ્યકત કરશે. આ પ્રસંગ ગુજરાત બાર કાઉન્સીલના સભ્ય ભરત ભગત, પરેશ વાઘેલા અને અફઝલખાન પઠાણ પણ હાજર રહ્યા હતા.

(8:06 pm IST)
  • જામનગરમાં તારમામદ સોસાયટીમાં હુમલો કરીને લૂંટ :દસ શખ્સોએ ચાર યુવાનની કારને આંતરી કર્યો હુમલો:ત્રણ લાખની રોકડ અને એક સોનાના ચેઇનની લૂંટ:કારમાં તોડફોડ, ચારેય ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા:પોલીસ ઘટના સ્થળ બાદ હોસ્પિટલ પહોંચી:જૂની અદાવતમાં માથાકૂટ થયાનું પ્રાથમિક તારણ : પોલીસ તપાસ શરૂ access_time 9:19 pm IST

  • વડોદરાના મુસ્લિમ યુવાને માચિસની 12 હજાર સળીથી બનાવી:ગણેશજીની અનોખી મૂર્તિ: હુસેનખાન પઠાણ માત્ર ચોથું ધોરણ ભણેલો:દેશમાં કોમી-એક્તાનો સંદેશો પાઠવવા માટે મૂર્તિ બનાવાઈ :માચિસની સળીઓ વડે ગણેશની 2.5 ફૂટ ઊંચી પ્રતિમા બનાવી access_time 1:06 am IST

  • પોલીસના જાપ્તામાંથી 3 આરોપી ફરાર :વાપીની ડુંગરા પોલીસના જાપ્તામાંથી આરોપીઓ નાશી ગયા : આરોપીઓને કોર્ટમાં લઈ જતા કોર્ટ પરિસરમાં જ જીપમાંથી કૂદીને થયા ફરાર: ચોરીના ગુનામાં પોલીસના હાથે ઝડપાયા હતા:ફરાર આરોપીઓને શોધવા જિલ્લાભરની પોલીસ દોડતી access_time 11:27 pm IST