Gujarati News

Gujarati News

News of Sunday, 14th August 2022

સ્વતંત્રતાના અમૃત મહોત્સવ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ વિરમગામ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી મેડીકલ કેમ્પ યોજાયો

૮૫ લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું : આવો સમાજમાં રક્તદાન અંગે વધુ જાગૃતિ ફેલાવીએ

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : સમગ્ર દેશ આઝાદીનું ૭૫મુ વર્ષ ઉજવી રહેલ છે ત્યારે લાયન્સ કલબ ઓફ વિરમગામ અને લિયો ક્લબ ઓફ વિરમગામ દ્વારા પણ નિઃશુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંખને લગતા રોગોની ૨૫૦ દર્દીઓની, ૧૨૨ ઓર્થોપેડિક સારવાર, ૩૫ હૃદય રોગીઓની, ૯૨ કાન નાક અને ગળાના દર્દીઓની નિદાન અને સારવાર કરવામા આવી હતી. આ સાથે યોજવામાં આવેલ બ્લડ ડોનેશન કેમ્પમાં ૮૫ બોટલોનું કલેક્શન કરવામા આવ્યું હતુ. સ્વતંત્રતાના અમૃત મહોત્સવ પ્રસંગે, લાયન્સ પ્રમુખ જીગ્નેશભાઈ ડગલી, મંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ અને લીઓ ક્લબ ઓફ વિરમગામના પ્રમુખ દર્શન જોધાણી, મંત્રી ચિરંજીવ રાઠોડના નેતૃત્વમાં યોજાયેલ આ સેવા યજ્ઞમાં વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ, બ્રહ્મા કુમારી ધર્મિષ્ઠા દીદી, લાયન્સ ક્લબ ડીસ્ટ્રિક્ટમાંથી ભાનુસિંહ વાઘેલા, હિરેનભાઈ મેવાડા, ચિત્રાબેન ઉપસ્થિત રહ્યા હતા. આ સેવાકીય પ્રોજેક્ટ માટે ચેરમેન મુકેશભાઈ ગુપ્તા, અંકુરભાઈ જૈન, વિપુલભાઈ વાળા અને યોગેશભાઈ ઝિંઝુવાડિયા, ગોકુલ પટેલ, પુંડરીક વોરા, આદિત્ય મચ્છરએ ખૂબ જહેમત ઉઠાવી હતી. બ્રહ્મા કુમારી ધર્મિષ્ઠા દીદી એ આશીર્વચન આપ્યા હતા.

  વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ જણાવ્યું હતું કે, રક્તદાનનું મૂલ્ય આંકીએ એટલું ઓછું છે. પ્રત્યેક રક્તદાતા જીવનદાતા છે. આઝાદી ના અમૃતમહોત્સવ ઉજવણી સમાપન નિમીતે વિરમગામ ખાતે લાયન્સ કલબ ઓફ વિરમગામ આયોજીત રકતદાન શિબીર નાં સૌ રક્તદાતા ઓ ની ઉચ્ચ ભાવનાને બિરદાવું છું. આવો સમાજમાં રક્તદાન અંગે વધુ જાગૃતિ ફેલાવીએ. સમાજમાં રક્તદાન માટે પ્રોત્સાહક વાતાવરણ તૈયાર કરીએ

(6:48 pm IST)