Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

એક દાતા ૯ વ્યકિતઓનું જીવન બચાવી શકે : અંગદાન અંગે જાગૃતિ લાવવા અપોલો હોસ્પિટલ - વિમેન્સ વિંગ વચ્ચે જોડાણ

(કેતનખત્રી) અમદાવાદઃ જીવન ઈશ્વરની અમૂલ્ય ભેટ છે! આશરે ૧.૩ અબજની વસતિ સાથે ભારત દુનિયામાં મેનપાવર ધરાવતો દુનિયાનો બીજો સૌથી મોટો દેશ છે. જોકે આપણાં દેશમાં દર વર્ષે અંગ પ્રત્યારોપણ માટે અંગો ન મળવાથી ૫ લાખથી વધારે લોકો મૃત્યુ પામે છે.

લિવર, કિડની, હૃદય વગેરે જેવા મહત્ત્વપૂર્ણ અંગો કામ કરતાં બંધ થઈ જતાં વ્યકિત ક્રમશઃ મૃત્યુનાં મુખમાં ધકેલાઈ શકે છે. જો કોઈ દર્દીનું અંગ પ્રત્યારોપાણ સમયસર થઈ જાય, તો એનાં મૃત્યુને ટાળી શકાશે. સ્પેન અને અમેરિકા જેવા વિકસિત દેશોમાં એમની વસતિમાં અનુક્રમે ૪૬.૯૦ ટકા અને ૩૧.૯૬ ટકા લોકો અંગદાતાઓ છે. એની સરખામણીમાં ભારતમાં વિશાળ વસતિ હોવા છતાં અંગદાનનો દર દુનિયામાં સૌથી ઓછો છે એટલે કે આપણે ત્યાં અંગદાન ઇચ્છતાં દર ૧૦ લાખ લોકોમાં અંગદાનનો દર ૦.૮ છે.

જયારે ભારતમાં અંગદાનની વાત કરવામાં આવે, ત્યારે આપણે ત્યાં અંગોની જરૂરિયાત અને ઉપલબ્ધતા વચ્ચે મોટો ફરક છે. ભારતમાં લગભગ ૧.૫ લાખ લોકોને કિડનીની જરૂર છે, પણ ૩,૦૦૦ મળે છે. ભારતમાં દર વર્ષે લિવર ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત ૨૫,૦૦૦ દર્દીઓને છે, પણ ફકત ૮૦૦ દર્દીઓનું ટ્રાન્સપ્લાન્ટ થાય છે. અંગોની ઊણપ હોવાનાં કારણે અંગ પ્રત્યારોપણ માટે અંગદાનની રાહ જોતાં ૯૦ ટકા લોકો મૃત્યુ પામે છે.

ભારતમાં શા માટે અંગદાનની ખેંચ છે? લોકોને અંગદાતા બનતાં અટકાવતાં મુખ્ય બે  અવરોધો છે – એક, આ અંગે ઓછી જાગૃતિ અને બે, અંગદાન સાથે સંકળાયેલાં ભ્રમ કે ખોટી ધારણાઓ.

આ ચક્રને તોડવા માટે અપોલો હોસ્પિટલ્સ અને વિમેન્સ ડોકટર્સ વિંગ ઓફ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (ડબલ્યુડીડબલ્યુ-આઇએમએ)એ સમાજમાં અંગદાન વિશે જાગૃતિ લાવવા જોડાણ કર્યું છે. અપોલો હોસ્પિટલ્સ અને વિમેન્સ ડોકટર્સ વિંગ સંયુકતપણે શહેર/રાજયમાં ૧૫ સંસ્થાઓ સુધી પહોંચીને અંગદાન માટેની અપીલ કરી છે અને આ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત બંને સંસ્થાઓ અન્ય રાજયોમાં પણ આ મુદ્દા પર જાગૃતિ લાવવા સંયુકતપણે કાર્યરત હોવાનું ડબલ્યુડીડબલ્યુ-આઇએમએનાં નેશનલ ચેરપર્સન ડો. મોના દેસાઈએ જણાવ્યુ હતું.

(3:30 pm IST)