Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

ગ્રામ્ય સ્તરે તબીબી સેવાનો વ્યાપ વધારવા નિર્ણય થયો

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જાહેરાત : ગ્રામ્ય સ્તરે ડોક્ટરની ત્રણ વર્ષની ફરજિયાત સેવા ઘટાડીને એક વર્ષ કરાઈ : બોન્ડ-ગેરન્ટીની રકમ વધારી ૨૦ લાખ

અમદાવાદ,તા.૧૪ : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્યના છેવાડાના માનવી સુધી ગુણવત્તાલક્ષી આરોગ્ય સારવાર પુરી પાડવા માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. તબીબી શિક્ષણ મેળવ્યા બાદ ગ્રામ્ય સ્તરે ડોક્ટરોએ ફરજીયાત ત્રણ વર્ષની સેવાઓ આપવાની થતી હતી તે ઘટાડીને હવેથી એક વર્ષની સેવાઓ ગ્રામ્ય સ્તરે આપવાની રહેશે જેની સાથે વિદ્યાર્થીઓએ ૫ લાખના બોન્ડ ઉપરાંત હવેથી ૧૫ લાખની વધારાની બેંક ગેરન્ટી આપવાની રહેશે. નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યુ કે, રાજ્યના પ્રા.આ.કેન્દ્ર, સા.આ.કેન્દ્ર અને સરકારી હોસ્પિટલોમાં તબીબોની ઘટને પહોંચી વળવા માટે ધારાસભ્યઓ અને નાગરિકો દ્વારા મળેલ રજુઆતોને ધ્યાને લઇને આ મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

રાજ્ય સરકાર સંચાલિત મેડીકલ કોલેજોમાં જે વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવીને અભ્યાસ કરતાં હોય છે તેઓને ગામડામાં ત્રણ વર્ષની ફરજીયાત નોકરી અને ૫ લાખના બોન્ડ લેવામાં આવે છે તેમાં મહત્વનો સુધારો કરીને હવેથી તેઓની સેવાઓ ત્રણ વર્ષના બદલે એક વર્ષ સુધી લેવાશે અને ૫ લાખના બોન્ડની સાથે-સાથે ૧૫ લાખની બેંક ગેરન્ટી ૩૦૦ ના સ્ટેમ્પ પેપર ઉપર અલગથી આપવાની રહેશે. જે વિદ્યાર્થીઓને ડોક્ટર બન્યા બાદ ગ્રામ્ય સ્તરે એક વર્ષની સેવાઓ ન આપવી હોય તો તેઓએ ૨૦ લાખ રાજ્ય સરકારમાં ભરવાના રહેશે અને આ રકમ ભર્યા બાદ જ ગુજરાતમાં ખાનગી પ્રેક્ટીસ કરવા માટેનું પ્રમાણપત્ર મેડીકલ કાઉન્સીલ દ્વારા આપવામાં આવશે ત્યારબાદ જ તેઓ પ્રેક્ટીસ કરી શકશે. પટેલે ઉમેર્યુ કે, મેડીકલ બોન્ડમાં આ સુધારાઓ કરવાથી આવનારા સમયમાં રાજ્યમાં વ્યાપક પ્રમાણમાં તબીબો ઉપલબ્ધ થશે અને જે ઘટ છે તે ચોક્કસ ઓછી થશે. તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ઘર આંગણે તબીબી શિક્ષણ મળી રહે તે માટે હકારાત્મક નીતિથી સમયબધ્ધ આયોજન કર્યુ છે. જેના પરિણામે રાજ્યમાં તબીબી બેઠકોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે.

આ વર્ષે રાજ્યમાં ૫૩૬૦ એમબીબીએસની બેઠકો ઉપર તથા આયુર્વેદિક પધ્ધતિની તમામ બેઠકોમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે આ નવા નિયમોનો અમલ આ વર્ષથી જ થશે. જે વિદ્યાર્થીઓ હાલમાં મેડિકલ અભ્યાસ કરી રહેલ છે અને જેઓએ ૫ લાખના બોન્ડ ભરી દીધા હોય તેઓ આ નવા નિયમોનો લાભ લેવા ઇચ્છતા હોય તેમને પણ આ નિયમના લાભો મળશે તેઓએ આ લાભ લેવા માટે વધારાની ૧૫ લાખની ગેરન્ટી આપવાની રહેશે એટલે લાભ મળતો થઇ જશે. તેમણે ઉમેર્યુ કે, સરકારી મેડીકલ કોલેજોમાં એમબીબીએસના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ પ્રવેશ સમયે મેડીકલ કોલેજના ડીનને ૨૦ લાખના બોન્ડ રજુ કરવાના રહેશે.

૨૦ લાખની મર્યાદામાં ગ્રેજ્યુએટીની ચુકવણી

કર્મચારીલક્ષી સરકારનો નિર્ણય

અમદાવાદ,તા.૧૪ : રાજ્યના કર્મચારીઓ માટે વધુ એક નિર્ણય રાજ્ય સરકારે કરી તેમની ગ્રેજ્યુઇટીની મળવાપાત્ર રકમની મર્યાદામાં બમણો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કર્મચારીલક્ષી કરેલી જાહેરાત મુજબ બોર્ડ-નિગમ-કોર્પોરેશન સહિત સરકારી અધિકારી/કર્મચારીઓને આ લાભ મળવાપાત્ર થશે. પેન્શન અને ગ્રેજ્યુઇટી એક્ટ અંતર્ગત ભારત સરકારે સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને રૂપિયા ૧૦ લાખની મર્યાદામાં મળવાપાત્ર ગ્રેજ્યુઇટીની રકમમાં વધારો કરી રૂપિયા ૨૦ લાખની મર્યાદામાં ગ્રેજ્યુઇટી ચુકવવાનો નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકારે પણ કર્મચારીલક્ષી નિર્ણય લઇ અધિકારી/કર્મચારીઓને મળવાપાત્ર ગ્રેજ્યુઇટીની રકમમાં વધારો કરી ૨૦ લાખની મર્યાદામાં ગ્રેજ્યુઇટી ચુકવવાનો નિર્ણય અગાઉ કરેલ છે. નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યુ કે, રાજ્ય સરકારે ગુજરાત આદ્યોગિક વિકાસ નિગમ લી., અને ગુજરાત ઉર્જા વિકાસ એન્જસી (જેડા) દ્વારા મળેલી દરખાસ્તને મંજૂરી આપી જીઆઇડીસી અને જેડાના કર્મચારી/અધિકારીઓને રૂપિયા ૧૦ લાખની મર્યાદાના બદલે ૨૦ લાખની મર્યાદામાં ગ્રેજ્યુઇટી આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી ગુજરાત આદ્યોગિક વિકાસ નિગમ લી.ને આશરે ૧૦ કરોડનું નાણાકીય ભારણ તથા ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીને ૮૨ લાખનું નાણાકીય ભારણ થશે. રાજ્યના અન્ય નિગમો/બોર્ડ/કોર્પોરેશનોના અધિકારી/કર્મચારીઓના કિસ્સામાં પણ ૨૦ લાખની મર્યાદામાં ગ્રેજ્યુઇટી ચુકવવા તબક્કાવાર રાજ્ય સરકાર દ્ધારા નિર્ણય કરવામાં આવનાર છે. 

(7:51 pm IST)
  • થોડા વિરામ પછી ભાવનગરમાં ભારે વરસાદ : ભાવનગરમાં બપોર પછી પડેલા વરસાદથી શહેરના માર્ગો પર પાણી ભરાયા access_time 11:52 pm IST

  • વિખ્યાત ગાયિકા કિંજલ દવેએ સુઇગામ નડાબેટ ખાતે બીએસએફના જવાનોને રક્ષાબંધન પર્વ નિમિતે રાખડી બાંધીને ઉજવ્યો હતો. access_time 12:22 am IST

  • ગૃહ ખાતાએ જાહેર કર્યું છે કે અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્સન એક્ટ (સુધારેલ) ૨૦૧૯ આજથી અમલી બની ગયેલ છે access_time 11:56 pm IST