Gujarati News

Gujarati News

News of Wednesday, 14th August 2019

અંબાજી મંદિર : આજે મોડી રાત્રે ૧.૩૦ સુધી દર્શન થશે

ભાદરવી પૂનમને લઈ અંબાજીમાં ભારે ભીડ : અંબાજી મંદિર સફાઈના સમયમાં સાંજે ૫ાંચ વાગ્યાથી સાત વાગ્યા સુધી બંધ રહેશે : માંઇભકતોમાં ભારે ઉત્સાહ

અમદાવાદ, તા.૧૪ : શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી ભાદરવી પૂર્ણિમાના મેળાને અનુલક્ષીને માતાજીના દર્શનનો સમય વિશેષ પ્રકારે વધારવામાં આવ્યો છે. સાત દિવસ ચાલનાર મેળા દરમિયાન દૂરદૂરથી પગપાળા ચાલીને લાખો માઈભક્તો અંબાજી દર્શને આવશે ત્યારે ભક્તો સવારે સવા ૬-૦૦ વાગ્યાથી લઈને મોડી રાત્રે દોઢ વાગ્યા સુધી માતાજીના દર્શન કરી શકશે. ભાદરવી પૂનમને લઇ અંબાજી માતાજીના દર્શનનો સમય લંબાવવામાં આવતાં લાખો માંઇભકતોમાં ભારે ખુશીનો માહોલ છવાઇ ગયો છે.

    સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂર્ણિમાનો મેળો આવતા મહિને તા.૮ સપ્ટેમ્બરથી શરૂ થશે અને સાત દિવસ ચાલશે. મેળાની પૂર્ણાહૂતિ તા.૧૪ સપ્ટેમ્બરે થશે. આ દરમ્યાન લાખોની સંખ્યામાં માઈભક્તોનું ઘોડાપૂર દર્શનાર્થે ઉમટશે. ત્યારે આ દરમિયાન માત્ર સાંજના સમયે ૫-૦૦ વાગ્યાથી ૭-૦૦ વાગ્યા સુધી મંદિર બંધ રખાશે અને તે દરમ્યાન સફાઈ કામગીરી કરાશે. ભાદરવી પુનમીયા સંઘ મહામંડળ અને બનાસકાંઠા જીલ્લા વહીવટીતંત્ર સાથે તાજેતરમાં તા.૪થી ઓગસ્ટની બેઠકમાં મેળા દરમિયાન એક્સપાયરી ડેટનો માલ વેચાતો હોવા અને ધર્મશાળાઓમાં ભાડા વધારી દેવાતા હોવાની ફરીયાદ ઉઠવા પામી હતી. ઉપરાંત, તાજેતરમાં અમદાવાદના કાંકરિયા સ્થિત ડિસ્કવરી રાઈડ્સનો કાંડ થયો હતો તેવી ઘટના ન બને તે માટે તકેદારી રાખવા ખાસ અનુરોધ કરાયો હતો.

    તો, આ વખતે મેળા દરમિયાન મંદિરમાં પ્રસાદના કાઉન્ટર વધારવા તેમજ મંદિરમાં દર્શનની વ્યવસ્થામાં સુધારો કરવા માંગ કરાઈ હતી. અંબાજીમાં મળેલી બેઠકમાં મોટી સંખ્યામાં પગપાળા સંઘોનાં મુખ્યપ્રતિનિધિઓ ઉપસ્થિત રહીને ચર્ચા કરી હતી. આ પ્રસંગે પોલીસ વિભાગ દ્વારા યાત્રીઓને પોલીસ મિત્ર બની સહકાર આપવા અનુરોધ કર્યો હતો. આ ભાદરવી પૂનમે ૩૦ લાખ જેટલા શ્રધ્ધાળુઓ આવવાની શક્યતાને ધ્યાને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાનું આયોજન કરાયુ છે. સાથે સાથે મેળામાં ઝુમીંગ અને હાઇફ્રિકવન્સીવાળા સીસીટીવીથી નજર રાખશે.

 અંબાજી આવેલો યાત્રી સુખ શાંતિથી પોતાના વતન પરત ફરે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. પાર્કિંગથી અંબાજી મંદિર સુધી યાત્રીઓને લાવવા મૂકવાની મફત વ્યવસ્થા કરાશે. સાથે જ અંબાજી આવતા તમામ યાત્રીઓને જમવાની પણ નિઃશુલ્ક વ્યવસ્થા કરાશે. હાલ ચોમાસું હોવાથી રસ્તામાં ડુંગરો ઘસી પડવાનો ભય હોવાથી સાવચેતી રાખવા તેમજ પાણીમાં જાનવરોનો ડર રહેલો હોવાથી જ્યાં ત્યાં વહેતા પાણી ન્હાવા ન ઉતરવા સુચનો કરવામાં આવ્યા હતા.

અંબાજી આરતીનો સમય

અમદાવાદ, તા. ૧૪ : શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી ભાદરવી પૂર્ણિમાના મેળાને અનુલક્ષીને માતાજીના દર્શનનો સમય વિશેષ પ્રકારે વધારવામાં આવ્યો છે. ભાદરવી સુદ દશમથી પૂનમ સુધી અંબાજીમાં આરતીનો સમય નીચે મુજબ રહેશે.

તા.૮ સપ્ટેમ્બરથી ૧૪ સપ્ટેમ્બર

આરતી સવારે............................... ૬-૧૫થી ૬-૪૫

દર્શન સવારે............................... ૬-૪૫થી ૧૧-૩૦

રાજભોગ................................................... ૧૨-૦૦

દર્શન બપોરે............................ ૧૨-૩૦થી ૦૫-૦૦

આરતી સાંજે............................. ૦૭-૦૦થી ૦૭-૩૦

દર્શન સાંજે............................... ૦૭-૩૦થી ૦૧-૩૦

(7:44 pm IST)