Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

સુરતમાં કોરોનાના કેસમાં ઝડપી ઉછાળો આવતા IAS પંકજ કુમારને હવાલો : વધારાની જવાબદારી સોંપાઈ

આ અગાઉ બે નિવૃત સનદી અધિકારીઓને ઓએસડી બનાવાયા છે

ગાંધીનગર: અમદાવાદ શહેર બાદ સુરતમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થતા આરોગ્ય અગ્ર સચિવ સુરતમાં એક અઠિવાડિયા સુધી રહીને આવ્યા પરંતુ સ્થિતિમાં કોઈ ફેર નહીં પડવાના કારણે રાજ્ય સરકારે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારને સુરત મહાનગર પાલિકાની વધારાની જવાબદારી સોંપી છે.

રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ કોરોના મહામારીને કાબૂમાં લેવા માટે નિષ્ફળ ગયા છે. અમદાવાદ શહેર બાદ સુરત શહેરમાં કોરોના પોઝિટિવના રોજના 200થી વધારે કેસો રોજ આવી રહ્યા છે. સુરત શહેરમાં કોરોનાના કેસો વધવાના કારણે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ છેલ્લા એક અઠવાડિયાથી સુરત શહેરમાં હતા. રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પણ સુરત શહરેની મુલાકાત લઈને સુરતના મહાનગર પાલિકાના અધિકારીઓ સાથે બૂઠક કરી કામગીરી કરવાના આદેશો આપ્યા હતા.

 સુરત શહેરમાં મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનલ બચ્છાધિ પાનીની મદદમાં અગાઉના મ્યૂનિસિપલ કમિશનર મિલિન્દ તોરવણેને પણ સુરત શહેરની વધારાની જવાબદારી સોંપી છે. મહિના અગાઉ બે નિવૃત્ત સનધી અધિકારીઓને અને ગેસ (ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) કેડરના અધિકારીને સુરત મહાનગર પાલિકાના ઓએસડી બનાવ્યા છે. પરંતુ કોરોનાની મહામારી સુરત શહેરમાં અંકુશમાં આવતી નથી. તેના કારણે રાજ્ય સરકારે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારને સુરત મહાનગર પાલિકાની પણ વધારાની જવાબદારી સોંપી છે.

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધવાના કારણે મ્યુનુસિપલ કમિશનરને બદલવામાં આવ્યા હતા અને નવા મ્યુ. કમિશનર મૂકવામાં આવ્યા હતા. ત્યારે પણ રાજ્ય સરકારે પંકજ કુમારને અમદાવાદ શહેરની વધારાની જવાબદારી સોંપી હતી. હવે સુરત શહેરમાં પણ કોરોનાને અંકુશમાં લાવવા માટે પંકજ કુમારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

(7:22 pm IST)