Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ગુજરાતમાં કોરોનાના કેસ વધતા બોટાદના સારંગપુરનું શ્રી સ્‍વામિનારાયણ મંદિર સહિત અનેક દેવસ્‍થાનોના દરવાજા ભાવિકો માટે બંધ

અમદાવાદઃ અનલોક 1માં 8 જૂનથી ગુજરાતભરના મંદિરો ખોલવાના આદેશ અપાયા હતા. ત્યારે ભક્તો પણ મંદિરોમાં દર્શન કરવા માટે આતુર બન્યા હતા. કેટલાક મંદિરના દરવાજા 8મીએ ખૂલ્યા હતા, તો કેટલાક મંદિર તકેદારીના ભાગરૂપે બાદમા ખૂલ્યા હતા. પરંતુ હવે ભગવાનના દ્વારમાં ઘૂસેલા કોરોનાને પગલે ગુજરાતના કેટલાક મંદિરોએ પોતાના દરવાજા બંધ કરવાનો નિર્ણય લીધો છે. બોટાદનું સુપ્રસિદ્ધ સ્વામીનારાયણ મંદિર હરીભક્તો માટે બંધ કરાયું છે. કોરોનાને કારણે મંદિરના દરવાજા બંધ કરવાની જાહેરાત કરાઈ છે. 

કોરોનાનો કહેર હવે મંદિર સુધી પહોંચી ગયો છે. મંદિરના સંતો અને પૂજારીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યાં છે. ત્યારે બોટાદમાં સાળગપુર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના દરવાજા આજથી હરિભક્તો માટે બંધ કરાયા છે. હરિભક્તોને હવે મંદિરમાં દર્શન માટે પ્રવેશ નહિ આપવામાં આવે. વધતા જતા કોરોના વાયરસના કેસોને પગલે મંદિર વિભાગ દ્વારા આ નિર્ણય લેવાયો છે. આજથી અચોક્કસ મુદત સુધી મંદિર બંધ રહેશે. ત્યારે હરિભક્તો મંદિરના ઓનલાઇન જ દર્શન કરી શકશે.

ખેડામાં કોરોના સંક્રમણ વધી રહેવાને પગલે પ્રસિદ્ધ મીનાવાડા દશામાંનું મંદિર બંધ રહેશે. દશામા વ્રત દરમ્યાન મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોઇ આ નિર્ણય લેવાયો છે. કોરોનાના વધતા કેસોને પગલે સંક્રમણ અટકાવવા મંદિર મેનેજમેન્ટ દ્વારા આ નિર્ણય લેવાયો છે. દશામા વ્રત દરમ્યાન 20 જુલાઈથી 5 ઓગસ્ટ દરમ્યાન મીનાવાડા દશામાં મંદિર બંધ રહેશે.

તો જૂનાગઢમાં જવાહર રોડ સ્થિત સ્વામીનારાયણ મુખ્ય સુવર્ણ મંદિર ભાવિકો માટે બંધ કરાયું છે. શહેરમાં વધતાં જતાં કોરોના સંક્રમણને લઈને મંદિર દ્વારા આ નિર્ણય લેવાયો છે. ઓનલાઈન અને સોશિયલ મીડિયાના માધ્યમથી જ ભાવિકો દર્શન કરી શકશે. મંદિર દ્વારા આગામી નિર્ણય ન લેવાય ત્યાં સુધી જાહેર જનતા માટે દર્શનાર્થે મંદિર બંધ રહેશે.

(4:45 pm IST)