Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

અમદાવાદના તમામ એસટી ડેપો ઉપર મુસાફરોના કોરોના ટેસ્ટ શરૂ કરાયા : સુરતની ૧૫૦ બસો રદ્દ કરાઇ

રાજકોટ એસટી ડિવીઝનના તમામ ડેપો ઉપર હાલ ટેસ્ટ નહી : ટ્રાફિક નોર્મલ હોવાનો નિર્દેશ : અમદાવાદમાં સૌરાષ્ટ્ર - ઉત્તર ગુજરાત - સુરતની બસોને પ્રવેશ નહી : બહારથી દોડાવવા આદેશો

રાજકોટ તા. ૧૪ : એરપોર્ટની જેમ હવે એસટી તંત્રે અમદાવાદ એસટી બસ સ્ટેશન અને તેના તમામ ડેપો ઉપર આવી રહેલા અને જઇ રહેલા મુસાફરોના કોરોના ટેસ્ટ ફરજીયાત કરવાનું નક્કી કરી ૮થી વધુ આરોગ્ય ટીમો ઉતારી દિધી છે.

આ ઉપરાંત સુરત - સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ જતી અને આવતી બસોને અમદાવાદ આવવા ઉપર પ્રતિબંધ અને બહારની બાજુએથી દોડાવાનું શરૂ કર્યું છે.

એસટી સૂત્રોના ઉમેર્યા પ્રમાણે હવે રાજ્યના કોઇપણ ડેપો ઉપરથી અમદાવાદ આવતી બસના મુસાફરોનું અમદાવાદ બસ સ્ટેશન ઉપર જ કોરોના ટેસ્ટ કરાશે. અને જો કોઇ મુસાફર કોરોના સંક્રમિત જણાય તો તેને તુરંત જ હોસ્પિટલ મોકલવામાં આવશે. અથવા તો હોમ કોરોન્ટાઇન કરી દેવાશે.

હાલ અમદાવાદના રાણીપ, નેહરૂનગર, ગીતા મંદિર અને નરોડાના બસ ડેપો ઉપર કોરોના ટેસ્ટ શરૂ કરાયા છે.

દરમિયાન રાજકોટ એસટી ડેપો મેનેજર શ્રી નિશાંત વરમોરાએ 'અકિલા'ને જણાવ્યું હતું કે, આપણે રાજકોટ અને ડિવીઝનના એક પણ ડેપો ઉપર હાલ કોરોના ટેસ્ટ નથી કરાતા, અમદાવાદમાં શરૂ કરાયા છે.

દરમિયાન અમદાવાદ - સુરત વચ્ચે દોડતી ૧૫૦ બસો બંધ કરી દેવાઇ છે, અમદાવાદથી સુરત જતી ખાનગી ટ્રાવેલ્સની બસો ઉપર પણ પ્રતિબંધ મુકી દેવાયો છે. તે ઉપરાંત સુરતથી સૌરાષ્ટ્ર તરફ જતી બસોને અમદાવાદમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકી દેવાયો છે, આ તમામ બસો તારાપુર ચોકડી થઇને દોડાવાતી હોવાનું અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું.

દરમિયાન રાજકોટ એસટી ડેપો મેનેજરશ્રી નિશાંત વરમોરાએ 'અકિલા'ને જણાવેલ કે, રાજકોટ ડિવીઝનનો ટ્રાફિક હાલ નોર્મલ છે, તમામ બસો રાબેતા મુજબ દોડી રહી છે, ડેપોની રોજની આવક ૩ લાખ આસપાસ અને ડિવીઝનની રોજની આવક ૧૩ લાખ આસપાસ છે.

(4:26 pm IST)