Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

પેટાચૂંટણીમાં ન રેલી, ન સભા, ન સ્ટાર પ્રચારકોઃ ઘરે ઘરે પહોંચશે પક્ષના વિચારકો

કયા કરે કબ કોઇ સમજ ના પાતા, રાજનીતિ કા ખેલ ગજબ કા હોતા... : કોરોનાએ રાજકીય માહોલ બદલી નાખ્યોઃ સપ્ટેમ્બરના પ્રારંભ સુધીમાં ચૂંટણી થઇ જવાની ગણતરીથી ભાજપ-કોંગીની તૈયારી

રાજકોટ તા. ૧૪ :.. રાજયમાં ૮ વિધાનસભા બેઠકોની ચૂંટણી આવી રહી છે. કોરોનાની સ્થિતિ કલ્પના બહાર વકરે નહિ તો આઠેય બેઠકોની ચૂંટણી સપ્ટેમ્બર પ્રારંભ સુધીમાં આવવાની ધારણાથી ભાજપ-કોંગીના સંભવિત ઉમેદવારો, દાવેદારો અને કાર્યકરો તૈયારી કરી રહ્યા છે. માર્ચમાં રાજીનામા આપનારા પ ધારાસભ્યોની ૬ માસની મુદત સપ્ટેમ્બરના બીજા અઠવાડીયાઓ પૂરી થઇ રહી છે. બાકીના ૩ ધારાસભ્યોએ જુનમાં રાજીનામા આપ્યા હતાં.

આ વખતે કોરોનાના કારણે ચૂંટણી પ્રચારનો માહોલ બદલાઇ ગયો છે. સભા, સરઘસ, સંમેલન કે સ્ટાર પ્રચારકો જોવા નહિ મળે. ઓનલાઇન પ્રચારની ઘણી મર્યાદા છે. ઉમેદવારો અને કાર્યકરોએ પ્રચાર માટે ઘરે-ઘરે જ પહોંચવાનું રહેશે.

રાજયમાં ગઢડા, લીંબડી, ધારી, મોરબી, અબડાસા, કરજણ, કપરાડા અને ડાંગના કોંગ્રેસી ધારાસભ્યએ રાજીનામું આપતા પેટાચૂંટણીની નોબત આવી છે. કોરોનાના પ્રભાવ પછી જનાદેશ માંગવાનો પ્રથમ અવસર આવ્યો છે. માસ્ક, સ્પેશ્યલ ડીસ્ટન્સ, સેનીટાઇઝેશન સહિતની પૂર્વ સાવચેતીની નવી વ્યવસ્થા અમલમાં આવી છે. ચૂંટણી પ્રચાર ઉપરાંત ચૂંટણી વ્યવસ્થામાં પણ કોરોનાની અસર દેખાશે.

સભા, સંમેલન યોજી શકાય તેવી અત્યારની સ્થિતિ નથી. હવે રાજકીય પક્ષોએ વ્યકિતગત પ્રચાર અને સોશ્યલ મીડિયા પર પ્રચાર વધારવાનું વલણ દર્શાવ્યુ છે. બેનર, હોર્ડીંગ્ઝ, પત્રિકા વગેરે પ્રકારનો પરંપરાગત પ્રચાર કરી શકાશે. મુખ્ય સ્પર્ધક ગણાતા ભાજપ-કોંગ્રેસે ચૂંટણી ઇન્ચાર્જની નિમણુક કરી બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. ભાજપના પ ઉમેદવારો નિશ્ચિત જણાય છે.  બાકીના માટે ગતિવિધી ચાલી રહી છે. બન્ને પક્ષોએ બધી બેઠકોમાં જ્ઞાતિ, સ્થાનિક પ્રશ્નો વગેરે ધ્યાને રાખીને તૈયારી આદરી છે.

(11:35 am IST)