Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ઓ બાપ રે... અમદાવાદ ST ખાતે ચેકીંગ કરાતા ૨૦ મુસાફરોનો રીપોર્ટ પોઝીટીવ

મહેસાણા-વડોદરા-ખેડા-સુરતથી આવી રહ્યાં હતા મુસાફરો

અમદાવાદ, તા.૧૪: અમદાવાદ મહાનગરપાલિકાની આરોગ્ય ટીમોએ ગીતા મંદિર, રાણીપ, નેહરુનગર અને અન્ય જગ્યાઓ પર રાજયના ટ્રાન્સપોર્ટ ડેપો પર સઘન ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં ૨૦ લોકો કોરોનાથી સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું.

આરોગ્ય વિભાગના મેડિકલ અધિકારી ભાવિન સોલંકીએ કહ્યું કે, મહાનગરપાલિકા શહેરમાં પ્રવેશી રહેલા લોકોની તપાસ કરી રહી છે અને ૧૦૦૦માંથી ૨૦ લોકોનો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. સોલંકીએ જણાવ્યું કે, આ લોકોને સમરસ હોસ્પિટલના કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે તેમ પણ કહ્યું કે, રાણીપ, ગીતા મંદિર, નરોડા, અસલાલી અને એકસપ્રેસ વે પર ૧૦ ટીમો તૈનાત કરવામાં આવી છે.

મહાનગરપાલિકાના સીનિયર અધિકારીએ કહ્યું કે, જે પેસેન્જરો સંક્રમિત હોવાનું સામે આવ્યું છે, તેઓ મહેસાણા, વડોદરા, ખેડા અને સુરતથી આવી રહ્યા હતા. અધિકારીએ કહ્યું કે, જયારે ટીમો ડેપોમાં લોકોની તપાસ કરી રહી છે, ત્યારે રસ્તામાં સ્ટોપ આવતાં ઉતરી જતાં લોકોની કોઈ તપાસ કરવામાં આવશે નહીં. અધિકારીએ જણાવ્યું કે, બસો એક પોઈન્ટથી અન્ય સુધી દોડાવવી જોઈએ અને હોલ્ટ માત્ર બસ ડેપો પર જ થવો જોઈએ.

સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને GSRTCએ બોર્ડિંગ પોઈન્ટ્સ અને સ્થળો પર સર્વિલાન્સને વધુ તીવ્ર બનાવ્યું છે.

(11:35 am IST)