Gujarati News

Gujarati News

News of Sunday, 14th July 2019

વડોદરા: રોગચાળાનો ભોગ બનેલી વાઘોડિયા રોડ પર રહેતી યુવતી હિનલ શિંદેનું કરૂણમોત

મોતનું ચોક્કસ કારણ જાણવા યુવતીના પોષ્ટમોર્ટમની કાર્યવાહી

વડોદરા : ઝાડા-ઉલટીના રોગચાળાનો ભોગ બનેલી શહેરના વાઘોડિયા રોડ ઉપર રહેતી યુવતીનું મોત નીપજ્યું છે. પરિવારજનો દ્વારા કરવામાં આવેલા આક્ષેપના પગલે પોલીસ તંત્ર દ્વારા યુવતીના મોતનું ચોક્કસ કારણ જાણવા યુવતીના પોષ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.

 આ અંગેની વિગત મુજબ શહેરના વાઘોડિયા રોડ ડી-માર્ટ પાસે આવેલ રાધાકૃષ્ણ ફ્લેટમાં રહેતી હિનલ હિમાંશુભાઇ શિંદે (ઉં.વ.28)ને ઝાડા-ઉલટી થતાં પરિવારજનો તેણે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર પછી પણ તેની તબિયતમાં સુધારો ન થતાં, સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં તેનું મોત નીપજ્યું હતું. પરિવારજનોએ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં હિનલનું મોત ઝાડા-ઉલટી થવાના કારણે મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું.

   હિનલનું મોત ખરેખર ઝાડા-ઉલટીના કારણે થયું છે કે અન્ય કારણસર થયું છે. તે અંગેનું ચોક્કસ કારણ જાણવા પોલીસે યુવતીના પોષ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી છે. પોષ્ટમોર્ટમ રિપોર્ટ બાદ હિનલના મોતનું ચોક્કસ કારણ બહાર આવશે. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

  અત્રે  શહેરમાં છેલ્લા કેટલાંક સમયથી દુષિત પાણી લોકોને મળી રહ્યું છે. શહેરમાં ઝાડા-ઉલટી, કમળો, તાવ જેવી બિમારીએ માથું ઉંચક્યું છે. ત્યારે વધુએક યુવતીનું ઝાડા-ઉલટીમાં મોત નીપજ્યું છે.

(8:48 pm IST)