Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

હત્યાનો ભેદ ઉકેલવા પોલીસ દ્વારા મજદૂરો ઉપર અત્યાચાર

ઇલેક્ટ્રિક શોક અપાઇ રહ્યા હોવાનો આક્ષેપ : રિવરફ્રન્ટ નજીકથી હાલમાં યુવકની લાશ મળી આવવાના પ્રકરણમાં પોલીસ દ્વારા તપાસ બહાને મજૂરોની પુછપરછ

અમદાવાદ,તા.૧૪ :      શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર પાસે યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવવાના પ્રકરણમાં બે દિવસ બાદ પણ પોલીસને કોઇ કડી મળી નથી ત્યાં બીજીબાજુ, રિવરફ્રન્ટ કામ કરતાં મજૂરોને શંકાના આધારે રિવરફ્રન્ટ પોલીસ તપાસના બહાને પોલીસમથકમાં બોલાવી ઢોર માર મારી ઇલેક્ટ્રીક શોક આપી રહી હોવાના ગંભીર આક્ષેપ થતાં સમગ્ર મામલો હવે ગરમાયો છે. સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે પોલીસ સ્ટેશનથી ૫૦૦ મીટર દૂર થયેલી હત્યા મામલે ઇવેન્ટ સેન્ટરમાં ગાર્ડનમાં કામ કરતા મજૂરોને ઢોર માર મારી ગુનો કબૂલી લેવા માટે દબાણ માર મારી રહી છે અને તેઓને ઇલેક્ટ્રીક શોક પણ અપાયા હોવાના આક્ષેપો થતાં હવે મજૂરવર્ગમાં પણ ભારે ચકચાર મચી છે અને ભારે નારાજગી ફેલાઇ છે. આ મજૂરો મૂળ મધ્યપ્રદેશ અને આદિવાસી ગરીબ હોઇ અને મજૂરી કરી ગુજરાન ચલાવતા હોઇ પોલીસના ડરથી કોઈ ફરિયાદ કરવાની હિંમત દાખવી શકતા નથી. ઉલ્લેખનીય છે કે, સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર પાસે ગાર્ડનનું કામ ચાલી રહ્યું છે. ઉપેન્દ્ર તિવારી નામના કોન્ટ્રાક્ટરના મજૂરો ત્યાં કામ કરી રહ્યા છે. ઉપેન્દ્ર તિવારીએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે બે દિવસ પહેલા રિવરફ્રન્ટ રોડ પર થયેલી હત્યા મામલે વેસ્ટ પોલીસ દરરોજ મારા ૬થી ૭ મજૂરોને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ માર મારે છે. ઇલેક્ટ્રીક શોક પણ આપે છે અમે તપાસમાં સહકાર આપવાનું પણ કહયુ છે. પરંતુ તેમ છતાં પોલીસે મજૂરોને એટલા બેરેહમીથી માર માર્યો છે કે તેઓ આજે ઉભા રહેવાની હાલતમાં પણ નથી. છેલ્લા બે દિવસથી તેઓ કામ પણ કરી શકતા નથી. દરમ્યાન સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એ સિંઘે જણાવ્યુ હતુ કે, મજૂરોને પૂછપરછ માટે બોલાવ્યા હતા અને નિવેદન લીધા છે. સીસીટીવીમાં હજી સુધી કશું મળ્યું નથી. મૃતક કોણ છે તે અંગે પણ હજી માહિતી મેળવી શકાઈ નથી. નોંધનીય છે કે, ગત તા.૧૨ જૂનના રોજ રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર પાસે યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.

લાશ પાસે લોખંડનો હથોડો પણ મળી આવ્યો હતો. વહેલી સવારે અથવા રાત્રે હત્યા કરાઈ હોવાની આશંકાએ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે યુવકની ઓળખ અંગે અને તેની હત્યા સંદર્ભે વધુ તપાસ હાથ ધરી હતી પરંતુ હજુ સુધી પોલીસને કોઇ નક્કર કડી કે માહિતી નહી મળતાં પોલીસ હવે નિર્દોષ મજૂરોને શંકાના દાયરા હેઠળ લઇને કાયદો હાથમાં લઇ અમાનવીય અત્યાચાર કરતાં સમગ્ર વિવાદ ગરમાયો છે.

(9:31 pm IST)