Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

હાલ ખાલી જગ્યા ધરાવનાર શાળાની પુનઃ પસંદગીની તક

આરટીઈ પ્રવેશ પ્રક્રિયા બીજા રાઉન્ડની તૈયારી : ૧૮મી જૂનના દિને આરટીઈ પ્રવેશ પ્રક્રિયાનો બીજો દોર

અમદાવાદ,તા.૧૪ : આરટીઆઈ એસીટી-૨૦૦૯ અન્વયે નબળા અને વંચિત જૂથનાં બાળકોને બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓનાં ધોરણ-૧માં પ્રવેશ આપવા શૈક્ષણિક વર્ષ ૨૦૧૯-૨૦નાં આરટીઆઈ પ્રવેશ પ્રક્રિયાના બીજા રાઉન્ડ માટે ખાલી જ્ગ્યા ધરાવતી શાળાઓની પુનઃપસંદગી કરવાની તક અપાઇ છે. તા.૦૬/૦૫/૧૯ના રોજ જાહેર થયેલ આરટીઆઈ પ્રવેશ પ્રક્રિયા વર્ષ ૨૦૧૯-૨૦નાં પ્રથમ રાઉન્ડમાં આશરે ૯૯,૪૭૯ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો છે. આ પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ન મળેલ હોય માત્ર તેવા જ વિદ્યાર્થીઓને ખાલી જગ્યા ધરાવતી બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓની પસંદગી કરવાની તક અપાઇ છે. જે વિદ્યાર્થીઓ આરટીઆઈ એસીટી હેઠળ કરેલ અરજીમાં પસંદ કરેલ શાળાઓમાં ફેરફાર કરવા માંગતા હોય એટલે કે ખાલી જગ્યા ધરાવતી શાળાઓની પુનઃપસંદગી કરવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓએ તા.૧૨/૦૬/૨૦૧૯, બુધવારથી તા.૧૫/૦૬/૨૦૧૯, શનિવાર સુધીમાં આરટીઆઈના વેબપોર્ટલ પર  http://rte.ropgujarat.com પર જઇ એપ્લીકેશન નંબર અને જન્મ તારીખની મદદથી લોગ ઇન કરી શાળાઓની પુનઃપસંદગી કરવાની રહેશે. શાળાઓની પુનઃપસંદગી વખતે પોતાની પસંદગીના ક્રમ મુજબ શાળાઓ પસંદ કરી સબમીટ કરી પ્રિન્ટ મેળવી પોતાની પાસે રાખવાની રહેશે. આ પ્રિન્ટની નકલ રિસિવિંગ સેન્ટર પર જમા કરાવાની નથી. જેની ખાસ નોંધ લેવી. શાળાઓની પુનઃપસંદગી બાબતે કોઇ મુશ્કેલી જણાય તો અરજી પત્રકમાં દર્શાવેલ નજીકનાં રિસિવિંગ સેન્ટર પર સંપર્ક કરવાનો રહેશે. તા. ૧૮/૦૬/૨૦૧૯, મંગળવારના રોજ ઇ્ઈ પ્રવેશ પ્રક્રિયાનો બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવશે, તેમ પ્રાથમિક શિક્ષણ નિયામકની યાદીમાં જણાવ્યું છે.

 

(8:27 pm IST)