Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

બોરસદ તાલુકાના દહેવાણ નજીક શાળામાં તસ્કરો ત્રાટક્યા: ફીના 83 હજારની ઉઠાંતરી

બોરસદ: તાલુકાના દહેવાણ ગામની એચજીએન સરસ્વતી વિદ્યાલયમાં ગઈકાલે રાત્રીના સુમારે ત્રાટકેલા તસ્કરોએ ક્લાર્કની ઓફિસનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કરી તિજોરી તોડી લોકરમાંથી વિદ્યાર્થીઓની ફીના ૮૩૭૩૦ની રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. જે રીતે ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે તે જોતાં કોઈ જાણભેદુ હોવાની શક્યતા નકારી શકાતી નથી. 

ચોરીની મળતી વિગતો અનુસાર દહેવાણ ગામે એચજીએન સરસ્વતી વિદ્યાલય આવેલી છે. જેમાં વર્ગ શિક્ષક મારફતે વિદ્યાર્થીઓની ફીના આવેલા રોકડા ૮૩૭૩૦ની રકમ ક્લાર્કની ઓફિસમાં આવેલી તિજોરીના લોકરમાં મૂક્યા હતા. દરમિયાન રાત્રીના સુમારે કેટલાક તસ્કરો ત્રાટક્યા હતા અને ઓફિસનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કરી સીસીટીવી કેમેરો ફેરવી નાંખ્યો હતો. ત્યારબાદ લોખંડની તિજોરી તોડીને લોકરમાંથી ૮૩૭૩૦ની રકમ ચોરી કરી લીધી હતી. સવારે પટ્ટાવાળો સ્કૂલે આવ્યો ત્યારે તેને ચોરી થયાની જાણ થતાં જ આચાર્ય રણછોડભાઈ લાખાભાઈ ભરવાડને જાણ કરી હતી. 

(5:49 pm IST)