Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

વાયુના કારણે ટ્રેન-બસ રદ થતાં ખાનગી વાહન ચાલકોએ ઉઘાડી લૂંટ ચલાવી

અમદાવાદ આવતી-જતી દિલ્હીની છ ફલાઇટ ચાર કલાક મોડી

અમદાવાદ તા.૧૪: વાયુ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર જતી ટ્રેન સેવાને અસર પડી છે. ઓખા, વેરાવળ,પોરબંદર, ભુજ ભાવનગર, જામનગર જતી ૧૪ જેટલી ટ્રેનો આજે પણ રદ્દ કરવામાં આવી છે. વાવાઝોડાની અસર સમાપ્ત થયા બાદ ટ્રેનો શરૂ કરવામાં આવશે તેવી અપેક્ષા પ્રવાસીઓને હતી, પરંતુ ટ્રેન રદ્દ થતાં મુસાફરો રેલ્વે સ્ટેશન પર રઝળી પડ્યા હતા. ગઇ કાલે મુંબઇથી આવતી ટ્રેનો સૌરાષ્ટ્રના બદલે માત્ર અમદાવાદ સુધી દોડાવાઇ હોવાના કારણે મુસાફરો અધવચ્ચે રઝળી પડ્યા હતા.

વાયુ વાવાઝોડાને લઇને અપાયેલા એલર્ટને લઇને એસટી સેવા અને રેલ્વે સેવાને અસર થઇ છે. અને મુસાફરોની હાલાકીની આ સ્થિતિનો ટ્રાવેલ્સવાળા ગેરલાભ લઇ રહ્યા છે. વાવાઝોડાના એલર્ટના કારણે કેટલીક એસટી બસો રદ કરી દેવાઇ છે. કેટલીક એસટી બસોના રૂટ ટૂંકા કરી દેવામાં આવ્યા છે. ત્યારે મુસાફરો મજબૂરીમાં ખાનગી વાહનમાં જવા મજબૂર બન્યા છે.

આ સંજોગોમાં ખાનગી વાહન સંચાલકો અને ટ્રાવેલ્સ સંચાલકો પોતાની મન મરજીનું ભાડું વસૂલતા જોવા મળ્યા છે. મજબૂરીના માર્યા મુસાફરો ખાનગી વાહનોમાં મુસાફરી ખાનગી વાહનોમાં મુસાફરી કરી રહ્યા છે. અને બમણાં ભાડા પૈસા આપીને પણ તેઓ ઘરે પહોંચવાનુ પસંદ કરે છે. બીજી તરફ મુંબઇમાં રેલ્વે ટ્રેક પર મરામત સહિતના કામકાજને લઇને મુંબઇથી અમદાવાદ આવતી ટ્રેનો પાંચેક કલાક મોડી પડી હતી. જેના કારણે મુસાફરોની મુસાફરી યાતનાસભર બની ગઇ છે. બીજી તરફ સવારે અમદાવાદ એરપોર્ટ પર દિલ્હીથી આવતી ઇન્ડિગો, એર ઇન્ડિયા, ઇથોપિયન, એર કેનેડા, એશિયન એર, અને સ્પાઇસ જેટની ફલાઇટ ચાર કલાક મોડી પડતા સેંકડો મુસાફરો અટવાયા છે.

(4:42 pm IST)