Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

દક્ષિણ ગુજરાતમાં વીજળી પડતા વધુ ત્રણ લોકોના મોત

ભારે પવન અને વીજળીના કડાકા ભડકા સાથે વરસાદ : તોફાની પવન ફુંકાતા અનેક ધરો-વૃક્ષો અને વીજપોલ ધરાશાયી

અમદાવાદ :ગુજરાતના દરિયાકાઠે આવતું વાયુ વાવાઝોડાનું સંકટ ટળી ગયું હતું પણ ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયો હતો. અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો જેમાં વધુ ત્રણના વીજળી પડતા મોત થતા અત્યાર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં કુલ આઠથી વધુના મોત નીપજ્યા હતા. સોનગઢમાં ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથેના વરસાદને કારણે બોરદા પંથકના ગામડાઓમાં છાપરા ઉડી જવાના અને વીજ થાંભલા તૂટી પડયા હતા. જ્યારે જૂની બાવલી ગામના માલુ (ઉં .વ.45 ) નામની મહિલા પર વીજળી પડતા મોત નીપજ્યું હતુ. જ્યારે ડાંગ જિલ્લામાં વીજળીના કડાકાભડાકા સાથે તોફાની પવન ફૂંકાતા અનેક ઘરો-વૃક્ષો, વીજપોલ ધરાશાયી થયા હતા.

   સુબીર તાલુકાના જામલ્યા ગામના મગન (ઉં.વ. 50) પર વીજળી પડતા તેમનું મોત નીપજ્યું હતું. તેમ જ વાપી નજીકના મોટી તંબાડી ગામે દાજી ફળિયામાં રહેતા રાજેશ અને તેમની પત્ની પ્રેમીલા ઘરના છત ઉપર પ્લાસ્ટિક નાખવા માટે ગયા ત્યારે જોરદાર પવનની સાથે વીજળી તૂટી પડતા પ્રેમીલા (ઉં.વ.38)નું ઘટના સ્થળ ઉપર જ મોત થયું હતું.

  દરમિયાન વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારોમાં તિથલ-કોસંબા સહિતના કાંઠા વિસ્તારોમાં પાંચ મીટરથી વધુ ઊંચાઈના મોજાં ઊછળ્યાં હતાં. પોલિસ અને તંત્રના અધિકારીઓએ તીથલ દરિયા કિનારે પહોંચી સાવચેતીના પગલાં ભરવા તાત્કાલિક બીચ ખાલી કરાવી દીધું હતું

(1:16 pm IST)