Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

વાવાઝોડુ ગયુ ગાજતુ ! સ્થળાંતર પામેલા લોકો ફરી ઘર તરફઃ કાલથી શાળા-કોલેજો ધમધમશે

આફત સામે લડવા માટે ઘણુ શીખવા મળ્યું, એલર્ટ દૂરઃ મુખ્યમંત્રી રૂપાણી

રાજકોટ, તા. ૧૪ :. સૌરાષ્ટ્રને બે દિવસ સુધી અધ્ધરશ્વાસે રાખનાર વાયુ વાવાઝોડુ આખરે ગુજરાતથી દૂર જતુ રહ્યુ છે. રાજ્ય પરનો વાવાઝોડાનો ભય ટળી ગયો છે. હવે વરસાદી પરિસ્થિતિ પર સરકારની નજર છે. આજથી એલર્ટ દૂર કરાયાનું મુખ્યમંત્રીનું કહેવુ છે.

આજે સવારે હવામાન સહિતની સ્થિતિનો અભ્યાસ કર્યા બાદ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ જણાવેલ કે કુદરતી આફત સામે લડવા માટે ઘણુ શીખવા મળ્યુ છે. ગુજરાત પરનો વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. આવતીકાલથી શાળા-કોલેજો નિયમીત રીતે શરૂ થઈ જશે. સ્થળાંતર પામેલા લોકો હવે પાછા પોતાના મુળ વસવાટમાં જઈ શકે છે. અસરગ્રસ્તોને પુખ્ત વયનાને રોજના રૂ. ૬૦ અને બાળકદીઠ રૂ. ૪૫ રોકડ સહાય ચૂકવાશે. અસરગ્રસ્ત ૨૦૦૦ ગામોમાંથી હવે માત્ર ૧૪૪ ગામોમાં જ વિજળીની તકલીફ છે. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. એસ.ટી. બસો પણ રાબેતા મુજબ થવા લાગી છે. જ્યાં રસ્તાને નુકશાન થયુ છે ત્યાં મરામતની કામગીરી શકય તેટલી હાથ ધરાશે. વાવાઝોડા સામેની કામગીરીનું ડોકયુમેન્ટેશન કરાશે.

મુખ્યમંત્રીએ કુદરતી સંકટના સમયમાં સહકાર આપનાર સ્વૈચ્છીક સંસ્થાઓ, નાગરીકો સહિત સૌ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.

(1:02 pm IST)