Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

લોકોના સાચા કામ પણ ન થતા હોય તો

સરકારના વિવિધ વિભાગો સામે ઓનલાઇન ફરીયાદ કરી શકાય છે

રાજકોટ, તા. ૧૪ :  ભારતમાં જેમ જેમ વસ્તી, શહેરીકરણ, ઔદ્યોગિકરણ અને વિકાસ પ્રત્યેની દોટ સહિતના પરિબળો સતત વધતા જાય છે ત્યારે લોકોની સરકાર પાસેની અપેક્ષા પણ વધતી જાય છે. સાથે સાથે લોકોના  પ્રશ્નો અને તેના સંતોષકારક જવાબો તથા સાચા-ખોટા આક્ષેપોને લઇને પણ સરકારના વિવિધ વિભાગો એક યા બીજી રીતે સતત ચર્ચામાં રહેતા હોય છે.

આ બધી બાબતો વચ્ચે લોકોના સાચા અને વ્યવહારિક પ્રશ્નોનું (જેન્યુઇન કમ્પ્લેઇન) યોગ્ય અને સમયસર નિરાકરણ આવી જાય તે માટે ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની સીધી દેખરેખ હેઠળ ભારત સરકાર દ્વારા ઓનલાઇન ગ્રીવન્સ ફોરમ સંદર્ભે એક પોર્ટલ બનાવવામાં આવ્યું છે.

મિનિસ્ટ્રી ઓફ પર્સોનલ પબ્લિક ગ્રીવન્સીઝ એન્ડ પેન્શન્સ (ડીપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટીવ રીફોર્મ્સ એન્ડ પબ્લિક ગ્રીવન્સીઝ) હેઠળ આવતા http://www.pgportal.gov.in પોર્ટલ ખોલીને સૌપ્રથમ તેમાં લાલ કલરથી લખેલ ઓપ્શન 'click here to sign up'  ઉપર કલીક કરવાથી રજીસ્ટ્રેશન ફોર્મ ખૂલશે. આ ફોર્મમાં માંગેલી બેઝીક ઇન્ફર્મેશન ભરીને સબમીટ કરવાથી રજીસ્ટર્ડ કરાવેલ મોબાઇલ નંબર ઉપર OTP (વન ટાઇમ પાસવર્ડ) આવશ.ે તેનો ઉપયોગ કરવાથી આગળ આગળ જઇ શકાય છે. ફરીયાદ રજીસ્ટર્ડ થઇ ગયા બાદ એક યુનિક રજીસ્ટ્રેશન નંબર પણ જનરેટ થશે. આ નંબર ઉપરથી લોકો પોતાની ફરીયાદનું સ્ટેટસ (અપડેટ)જાણી શકે છે.

આ તમામ પ્રોસીજર પુરી થયા પછી પોર્ટલ ખોલતા જ સૌપ્રથમ સામે આવતી વિગતો ભરવાની હોય છે. આ  વિગતો ભરીને  લોગ-ઇન થવાનું હોય છે. આ વિગતોમાં (૧) ભાષા પસંદ કરવી(અંગ્રેજી/હિન્દી) (ર) મોબાઇલ નં./આઇડી/યુઝરનેમ (૩) પાસવર્ડ (૪) સિકયુરીટી કોડ (જે ઉપર લખેલો જ હશે)(પ) લોગ-ઇન, સહિતની વિગતો હોય છે.

સેન્ટ્રલાઇઝડ પબ્લિક ગ્રીવન્સ રીડ્રેસ એન્ડ મોનિટરીંગ સિસ્ટમ (CPGRAMS) અંતર્ગત સરકારના વિવિધ વિભાગો અને ઓફીસો સાથે કામ સબબ સંપર્કમાં આવતા લોકો પોતાને કનડતા પ્રશ્નોની ફરીયાદ આ પોર્ટલ ઉપર કરી શકે છે.

લોકો પોતાના પ્રશ્નો તથા તકલીફો સામે કેન્દ્ર સરકારના જે વિભાગો સામે પોર્ટલ ઉપર ઓનલાઇન ફરીયાદ કરી શકે છે તેમાં રેલ્વે,પોસ્ટસ, ટેલિકોમ, અર્બન ડેવલપમેન્ટ, પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ, સિવિલ એવીએશન, શીપીંગ-રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ, ટુરીઝમ, પબ્લિક સેકટર બેન્કસ, પબ્લિક સેકટર ઇન્સ્યોરન્સ કંપનીઝ, નેશનલ સેવિંગ સ્કીમ ઓફ મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સ, એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન, રીજીયોનલ પાસપોર્ટ ઓથોરીટીઝ, સેન્ટ્રલ ગવર્નમેન્ટ હેલ્થ સ્કીમ, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન, કેન્દ્રીય વિદ્યાલય સંગઠન, નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ઓપન સ્કુલિંગ, નવોદય વિદ્યાલય સમિતિ, સેન્ટ્રલ યુનિવર્સિટીઝ, ESI હોસ્પિટલ્સ એન્ડ ડીસ્પેન્સરીઝ ડાયરેકટલી કંટ્રોલ્ડ બાય ESI કોર્પોરેશન (મિનીસ્ટ્રી ઓફ લેબર) વિગેરેનો સમાવેશ થાય છે.

રાજય સરકાર અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ અને NCT પ્રદેશ (દિલ્હી) ને લગતી તથા તેના તાબામાં આવતી ફરીયાદોનું નિવારણ જે-તે રાજય સરકાર, સત્તાધીશો અને કેન્દ્રશાસિત પ્રદેશની નિર્ણાયકતા ઉપર રહેતુ ંહોય છે. કોઇપણ સમયે અને કોઇપણ જગ્યાએથી આ પોર્ટલ ઉપર લોકો ફરીયાદ કરી શકે છે. ઝડપી તથા હકારાત્મક જવાબ મળે તે હેતુથી લોકો દ્વારા થયેલ ફરિયાદ આ ઓનલાઇન પોર્ટલની મદદથી જ સ્ક્રુટીનાઇઝડ કરીને લાગુ પડતા સરકારના વિભાગોને મોકલી આપવામાં આવે છે.

જો લોકોને પોતાની ફરીયાદનો સમયસર સંતોષકારક જવાબ ન મળે તો લોકો જે-તે મિનિસ્ટ્રી/ડીપાર્ટમેન્ટસ તથા ઓર્ગેનાઇઝશન્સને સૂચના અપાવવા માટે ડાયરેકટોરેટ ઓફ પબ્લિક ગ્રીવન્સીઝ (DPG) કેબીનેટ સેક્રેટરીયેટ, ભારત સરકારની મદદ પણ લઇ શકે છે. વર્ષ -ર૦૧૯ દરમ્યાન અત્યાર સુધીમાં ૭ લાખ ૪૩ હજારથી પણ વધુ ફરીયાદો આ પોર્ટલ ઉપર મળી હોવાનું વેબસાઇટ ઉપર જોવા મળે છે.જેમાંથી ૬ લાખ ૮૪  હજારથી વધુ ફરીયાદોનો નિકાલ (પાછલા વર્ષોમાં થયેલ ફરીયાદો સહિત) આવી ગયો હોવાનું વેબસાઇટ દ્વારા જોઇ શકાય  છે. આ સમગ્ર પોર્ટલ ભારત સરકારના નેશનલ ઇન્ફોર્મેટીકસ સેન્ટર (NIC), મિનિસ્ટ્રી ઓફ ઇલેકટ્રોનિકસ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા મેઇન્ટેઇન થઇ રહ્યું છ.ે

આ ઓનલાઇન ગ્રીવન્સ ફોરમ સંદર્ભે સાંભળીને ધ્યાનમાં આવેલ એક કિસ્સાની વાત કરીએ તો થોડા મહિના પહેલા ફરીદાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક વિસ્તારમાં નવા રોડ-રસ્તા બનાવવામાં આવ્યા, જેને કારણે ત્યાંના રહેવાસીઓ ખૂબ ખુશ હતા.પરંતુ બે અઠવાડીયા પછી કેબલ કામ સંદર્ભે નવા રોડને ખોદી નાખવામાં આવ્યા. જેને કારણે લોકો નારાજ થયા અને એક રહેવાસીએ આપેલા આ ગ્રીવન્સ ફોરમ ઉપર ઉપરોકત બાબત વર્ણવી. આશ્ચર્યજનક રીતે BSNL તથા ફરીદાબાદ મહાનગરપાલિકાને સરકાર દ્વારા શો-કોઝ નોટીસ પાઠવવામાં આવી અને તેની એક કોપી અરજદાર રહેવાસીને મોકલવામાં આવી. ઉપરાંત સરકાર દ્વારા મહાનગરપાલિકા તથા ટેલિકોમ ડીપાર્ટમેન્ટને તેઓ વચ્ચે સંકલન ન હોવા બાબતે પણ પૂછવામાં આવ્યુ઼. આમ, આજની દોડધામવાળી જીંદગી તથા સમયના અભાવમાં આ પોર્ટલ આશીર્વાદરૂપ ગણી શકાય.(૬.૨)

કઇ બાબતોની ફરીયાદ નથી થઇ શકતી ?

(૧) કોર્ટમાં કોઇ મેટર ચાલતી હોય કે જે ચુકાદાને આધીન હોય-સબજયુડીસ

(ર) અંગત અને કૌટુંબિક ઝગડાઓ

(૩) RTI (રાઇટ ટુ ઇન્ફર્મેશન) હેઠળ માંગેલ માહિતીના કેસો

(૪) દેશની એકતા-અખંડિતતા તથા અન્ય દેશો સાથેનાં મૈત્રી સંબંધો ઉપર અસર કરતી બાબતો.

(પ) નાગરીકો તરફથી મળેલા સૂચનો 

* http://www.pgportal.gov.in ઉપર જઇને 'જેન્યુઇન કમ્પ્લેઇન' રજીસ્ટર્ડ થઇ શકે છે.

* પ્રશ્નોનું ઝડપી નિરાકરણ થયે અરજદારને પણ   મેઇલ/ મેસેજ દ્વારા જાણ કરવામાં આવે છે. 

* દોડધામવાળી જીંદગી તથા સમયના અભાવમાં  આશીર્વાદરૂપ પોર્ટલ.

(10:03 am IST)