Gujarati News

Gujarati News

News of Friday, 14th May 2021

ધોરણ-૧૨ માટે માસ પ્રમોશન નહીં અપાય : સરકારનો નિર્ણય

ધો-૧૦ બાદ ડિપ્લોમા એડમિશન માટે કમિટી રચાશે : ધોરણ -૧૦ પછી થતા વિવિધ ડીપ્લોમા- ડીગ્રી સહિતના કોર્સીસમાં એડમિશન મુદ્દે પણ ગડમથલનો માહોલ સર્જાયો

ગાંધીનગર,તા.૧૪ : કોરોનાની બીજી લહેર સમગ્ર દેશમાં ચાલુ છે અને હજુ આગામી ત્રીજી લહેર આવાની સંભાવના પણ વ્યક્ત કરાઇ છે અને આ ત્રીજી લહેર બાળકોને મેક્સિમમ સંક્રમિત કરશે એવો પણ ભય વ્યક્ત થયો છે. જોકે આ તમામ સંભાવના અને ભય વચ્ચે ગઇકાલે મળેલી કોર કમિટીની બેઠકમા રાજ્ય સરકાર દ્વારા કોરોના કાળમાં ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ નિર્ણય સાથે જ ધોરણ -૧૨મા ભણતા વિદ્યાર્થીઓ અને વાલીઓમા એક ચર્ચા શરુ થઇ હતી કે ધોરણ-૧૦ની જેમ હવે ધોરણ ૧૨ માટે પણ કદાચ માસ પ્રમોશનનો નિર્ણય સરકાર લઇ શકે છે પરંતુ, આ તમામ આકલન પર હવે પૂર્ણ વિરામ લાગશે. શિક્ષણ વિભાગના ટોચના વિશ્વસનીય અને આધારભૂત સૂત્રો સાથે વાતચીત અનુસાર ધોરણ-૧૨ ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો અને તેઓને માસ પ્રમોશન નહી આપવાનો નિર્ણય રાજ્ય સરકાર લઇ ચૂકી છે અને ટૂંક જ સમયમાં તેની વિધીવત જાહેરાત પણ કરાશે. જો કે આ કોરોના મહામારી માં આગામી સમયમાં સ્થિતિની સમીક્ષા બાદ આ પરીક્ષા ક્યારે લેવી અને કેવી રીતે લેવી તેનો નિર્ણય લેવામાં આવશે. તો બીજી બાજુ ધોરણ-૧૦મા માસ પ્રમોશનના નિર્ણય બાદ ધોરણ -૧૦ પછી થતા વિવિધ ડીપ્લોમા- ડીગ્રી સહિતના કોર્સીસમાં એડમિશન મુદ્દે પણ ગડમથલનો માહોલ સર્જાયો હતો કે તમામ વિદ્યાર્થીઓ જ્યારે પાસ છે ત્યારે અન્ય કોર્સીસમા તેમને એડમિશન કયા મેરીટ પર આપવું? આજ ગડમથલના નિવારણ માટે ધોરણ ૧૦ પછીના અન્ય કોર્સીસમા એડમિશન મુદ્દે રાજ્ય સરકાર દ્વારા આજે એક વિશેષ કમિટીની રચના કરવામાં આવનાર છે.

        આ વિશેષ કમીટીમા અંદાજે આઠ શિક્ષણવિદોને સમાવવામાં આવશે. આ તમામ શિક્ષણ વિદો ધોરણ-૧૦ ના વિદ્યાર્થીઓને આગળના ડીપ્લોમા- ડીગ્રી કોર્સીસમાં કયા પ્રકારે એડમિશન અપાશે તેની ચોક્કસ નિતી બનાવશે. અને એ બાદ વિદ્યાર્થીઓ ને ધોરણ ૧૦ બાદ ના કોર્ષમાં એડમિશન આપવાનું શરૂ કરવામાં આવશે, સાથે જ ખાનગી શાળાઓ ની એડવાન્સ ફી ઉઘરાણી મુદ્દે બેઠક કે સમીક્ષાનો શિક્ષણ વિભાગનો હાલ કોઇ વિચાર નહી હોવાનું પણ જાણવા મળ્યું છે. રાજ્ય સરકાર ટૂંક જ સમયમાં ધોરણ- ૧૦ બાદના કોર્સીસમા એડમિશન માટે બનાવાનાર કમિટીમાં કયા શિક્ષણ વિદોને સમાવાયા છે તેની જાહેરાત કરશે, આ શિક્ષણ વિદો કેટલા સમયમાં આ નિતી બનાવીને વિદ્યાર્થીઓ માટે કલેરિટી લાવી શકશે તેની પણ જાહેરાત કરશે.

(9:15 pm IST)