Gujarati News

Gujarati News

News of Thursday, 13th May 2021

ચોતરફ વિરોધ બાદ નવા ભાવના ખાતરોનું વેચાણ નહીં કરવા ગુજકોમાસોલની સૂચના

કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ખેડૂત એકતા મંચ સહિતના ખેડૂતોની માંગ આખરે સ્વીકારાઇ

ગાંધીનગર: રાસાયણિક ખાતરોના ભાવમાં થયેલા તોતિંગ વધારાને લઇને ચોતરફ વિરોધનો જુવાળ ફાટી નીકળ્યો હતો. ખેડૂત એકતા મંચ, ખેડૂતો સહિત રાજકીય પક્ષો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્રારા પણ ભાવ વધારાનો વિરોધ કરવામાં આવ્યો હતો. જો ભાવ વધારો પરત ખેંચવામાં નહીં આવે તો ખેડૂતો ધરણાં બાદ રોડ પર ઉતરી પડશે તેવી ચીમકી આપી હતી. ચોતરફ ફેલાયેલાં વિરોધ વચ્ચે ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ બીજી સૂચના ન મળે ત્યાં સુધી નવા ભાવના ખાતરોનું વેચાણ નહીં કરવા સૂચના જારી કરી છે. તેની સાથોસાથ જૂના ભાવના ખાતરો ઉપલબ્ધ હોય તો જૂના ભાવે જ વેચાણ ચાલુ રાખવા જણાવ્યું છે.

ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું છે કે, હાલમાં ખાતર ઉત્પાદક કંપનીઓ દ્રારા ફોસ્ફેટીક ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અને નવા ભાવના ખાતરોની રવાનગી કરવામાં આવી રહી છે. ભાવ વધારા બાબતે સરકાર સાથે ચર્ચા ચાલી રહેલ હોવાથી આપને વિનંતી છે કે, આપની સંસ્થામાં અને આપની સંસ્થા સાથે જોડાયેલી મંડળીઓમાં આવેલા નવા ભાવના ફોસ્ફેટીક ખાતરોનું આવતાં 24 કલાક સુધી અથવા બીજી સૂચના ન મળે ત્યાં સુધી નવા ભાવના ખાતરોનું વેચાણ કરવું નહીં. જૂના ભાવના ખાતરો ઉપલબ્ધ હોય તો જૂના ભાવે જ વેચાણ ચાલુ રાખવું.

આ અંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ તથા કિસાન આગેવાન ભેમાભાઇ ચૈધરીએ જણાવ્યું છે કે, ગઇ તા.12મી મેના રોજ તાત્કાલિક ભાવ વધારો પાછો ખેંચવા માંગણી કરતું આવેદનપત્ર ઇ-મેઇલ દ્રારા સરકારને મોકલવામાં આવ્યું હતું. નહીં તો આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. જેના પગલે સરકારને ભાવ વધારો મુલત્વી રાખવાની બાબત તત્કાલ આ બાબત વિચારણાં હેઠળ લેવાની ફરજ પડી છે. નવા ભાવ પ્રમાણે વેચવાનું હાલ પુરતું બંધ રાખવામાં આવ્યું છે. પરંતુ આ ભાવ વધારો પરત ખેંચવામાં નહીં આવે તો આંદોલન ચાલુ રહેશે.

જયારે ખેડૂત અગ્રણી ભરતસીંહ ઝાલાએ જણાવ્યું છે કે, આવતીકાલે તા.14મીના રોજ દેશના વડાપ્રધાન ખેડૂતો સાથે સંવાદ કરવાના છે. ત્યારે જણાવવાનું કે છેલ્લાં ખેડૂતો માટેની કુષિ પોલીસી બનાવવામાં આવે. તેની સાથે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે. તેમ જ ખેડતોને ઉત્પાદનનો પુરો ભાવ ચૂકવવામાં આવે તેમ જ ખાતર પરનો ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચવામાં આવે તેવી માંગણી કરી છે.

(12:25 am IST)