Gujarati News

Gujarati News

News of Thursday, 14th May 2020

બોર્ડર હોય કે લોકડાઉનની ફરજ, બીએસએફ સક્રિયતામાં કોઇ ફેર પડતો નથી : જી.એસ. મલ્લિક

રેડ ઝોન વિસ્તારની આઠે આઠ કંપની પૈકી કોઇ સંક્રમીત ન થયા તે માટે કુદરતની કૃપા સાથે સાવચેતી પણ મહત્વની બની : સ્થાનિક પોલીસ-અધિકારીઓ સાથે ચર્ચા કરી રણનીતિ મુજબ બોર્ડર સિકયોરીટી ફોર્સ કામ કરતી હોવાથી ગેરસમજનો કોઇ પ્રશ્ન જ રહેતો નથી : ગુજરાતના બીએસએફ વડા સાથે અકિલાની વાતચીત

રાજકોટ, તા., ૧૪: પાકિસ્તાન  અને   બાંગ્લાદેશની ઇન્ટરનેશનલ બોર્ડર હોય કે પછી કોરોના સામેની કાયદો વ્યવસ્થાની ફરજ બીએસએફ બંન્નેને ખુબ જ ગંભીરતાથી લઇ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે તેમ ગુજરાતના   બીએસએફના ગાંધીનગર સ્થિત એડીશ્નલ ડીજીપી કક્ષાના વડા જી.એસ. મલ્લિકે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. તેઓએ વિશેષમાં અમદાવાદ-વડોદરા અને સુરતમાં બીએસએફની ૮ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.

બીએસએફનો ગુજરાત અને રાજસ્થાનનો હવાલો જેમની પાસે છે તેવા  આ સિનીયર કક્ષાના આઇપીએસે એવું પણ જણાવેલ કે કોરોના વાયરસ સંદર્ભે લોકડાઉનના કડક અમલ સહિતની મહત્વની  કામગીરી બજાવવામાં ભલે સક્રિય હોય પરંતુ આને કારણે બોર્ડરની ફરજને કોઇ અસર ન થાય તે માટેની ચુસ્ત અને વિશેષ વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે.

તેઓએ વિશેષમાં  એક સવાલના જવાબમાં જણાવેલ કે બીએસએફના કોઇ જવાનો હજુ સુધી સંક્રમીત થયા નથી તે ઇશ્વરની કૃપા સાથે આ માટે કેટલીક ચોક્કસ  ગાઇડ લાઇન્સ અમલમાં મુકવામાં આવી છે  તેની પણ અસર છે બીએસએફના જવાનો માટે ખાસ રૂમોની વ્યવસ્થા કરવા સાથે સોશ્યલ ડીસ્ટન્સ સહીતના તમામ નિયમોનુ઼ ચુસ્ત પણે પાલન થાય તે બાબત નિમિત રૂપ બની છે.

બોર્ડર સિકયોરીટી ફોર્સના જવાનો સ્થાનીક પોલીસ તથા ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલનમાં રહી તમામ પ્રકારની રણનીતિથી વાકેફ થઇ ચુસ્ત રીતે ફરજ બજાવતી હોવાથી સ્થાનિક કક્ષાએ કોઇ ગેરસમજો કે મતભેદો ઉપસ્થિત થતા નથી. તેઓએ જણાવેલ કે બીએસએફ જે જે શહેર  વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે તેવી આઠે આઠ કંપનીના સુપરવાઇઝરી અધિકારીઓ પાસેથી રીપોર્ટ મેળવવામાં આવે છે.

(12:02 pm IST)