Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

ચોમાસુ સત્રમાં પાણી, દલિત, ખાતર પ્રશ્ને હલ્લાબોલ કરાશે

જુલાઈમાં રૂપાણી સરકારની આકરી કસોટી : તીખા પ્રહારો અને પ્રશ્નોના મારાનો બચાવ કરવા સરકાર માટે પડકાર : ભાજપના નેતાઓ અત્યારથી સંપૂર્ણ સજ્જ

અમદાવાદ,તા.૧૪ : હાલ સમગ્ર રાજયમાં પાણીનું ગંભીર જળસંકટ, દલિતોનો સામાજિક બહિષ્કાર અને ખાતર સહિતના મુદ્દાઓને લઇ માહોલ ગરમાયો છે ત્યારે આગામી જુલાઈ મહિનામાં ફરી એકવાર રૂપાણી સરકારની આકરી કસોટી થશે. ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર જુલાઈ મળી રહ્યું છે, ત્યારે આ સત્રમાં રૂપાણી સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે. ૨૧ દિવસ સુધી ચાલનારા આ સત્રમાં નાણાંમંત્રી નીતિન પટેલ દ્વારા નવી યોજનાઓ, નીતિઓ અને જોગવાઈઓ સાથેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે. બજેટની સાથે સાથે આ સત્રમાં રૂપાણી સરકારની પણ અગ્નિ પરીક્ષા થશે. આ દરમ્યાન મુખ્ય વિરોધપક્ષ કોંગ્રેસ રૂપાણી સરકારને પાણી, ખાતર અને દલિતોના મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરશે. તો વિપક્ષના તીખા પ્રહારો અને સવાલોના મારાનો બચાવ કરવાનો સરકાર માટે પણ બહુ મોટો પડકાર હશે અને તેથી ભાજપના સભ્યો અત્યારથી જ આ વિવાદોના બચાવ માટે રણનીતિ તૈયાર કરવામાં જોતરાયા છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણીના કારણે ગુજરાત સરકારે ફેબ્રુઆરી માસમાં સંપૂર્ણ બજેટ રજૂ કરવાને બદલે વોટ ઓન એકાઉન્ટ રજૂ કરીને આગામી છ મહિનાના ખર્ચાની જોગવાઈ પસાર કરી હતી. સામાન્ય રીતે વિધાનસભાનું સત્ર ૬ મહિને બોલાવવામાં આવે છે, જેની જોગવાઈ અનુસાર આગામી જુલાઈ મહિનામાં વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન સરકાર સંપૂર્ણ બજેટ રજૂ કરશે. જેના માટેની તૈયારી નાણાં વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. નાણાં વિભાગે શરૂ કરેલી તૈયારીના ભાગરૂપે બજેટ માટેના ૬૪થી વધુ બજેટ પ્રકાશનો તૈયાર કરવામાં આવ્યા છે અને ઓગસ્ટ-૨૦૧૯થી માર્ચ-૨૦૨૦ સુધીના ખર્ચ માટેનું ફેરફાર કરેલું બજેટ રજૂ થશે. અગાઉ લેખાનુદાન સમયે બજેટનું કદ ૧.૯૧ લાખ કરોડ નક્કી કર્યું હતું. જેમાંથી ચાર મહિનાના ખર્ચ પેટે રૂ.૬૩૯.૩૯ કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા.

જો કે જુલાઈમાં રજૂ થનારા બજેટમાં સુધારેલા અંદાજ મુજબ, બજેટનું કદ ૧.૯૧ લાખ કરોડથી વધીને ૨ લાખ કરોડ સુધી પહોંચી જવાની શક્યતાઓ છે. ચોમાસુ સત્રમાં ભાજપ સરકારને ઘેરવા અને વિધાનસભા ગૃહમાં પસ્તાળ પાડવા વિપક્ષ કોંગ્રેસ દ્વારા પણ ભારે તૈયારીઓ ચાલી રહી છે અને મુદ્દાસર રજૂઆત, માંગણી અને વિરોધની સમગ્ર રૂપરેખા નક્કી થઇ રહી છે. જેને લઇ આગામી ચોમાસુ સત્ર જોરદાર હંગામા અને હલ્લાબોલવાળુ બની રહે તેવી પૂરી શકયતા છે.

(8:24 pm IST)