Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

પતિના મોત મામલે સાત દિવસમાં ન્યાય નહિ મળે તો આપઘાત કરીશ : PSI દેવેન્દ્રસિંહ રાઠોડના પત્નીની ચીમકી :તપાસ CBI ને સોંપવા માંગ

પાંચ મહિનામાં તમામ કચેરીએ ધક્કા ખાધા :યોગ્ય પ્રત્યુત્તર નહિ મળતા ડિમ્પલ રાઠોડે ચીમકી આપી

અમદાવાદ :કરાઈ ખાતે તાલીમ લઇ રહેલા પીએસઆઇ દેવેન્દ્રસિંહ રાઠોડે પાંચ મહિના પહેલા આપઘાત કર્યો હતો ત્યારે પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની પત્નીએ તેના પતિના મોત મામલે સાત દિવસમાં ન્યાય આપવાની માંગણી સાથે આપઘાત કરી લેવાની ચીમકી આપી છે. મૃતકની પત્ની ડિમ્પલ રાઠોડે  સરકાર સમક્ષ એવી માંગણી કરી કે તેના પતિના આપઘાત કેસને સીબીઆઈને સોંપવામાં આવે.

  ડિમ્પલ રાઠોડે દાવો કર્યો કે છેલ્લા પાંચ મહિનામાં તે તમામ કચેરી અને નેતાઓની ઓફિસે ધક્કા ખાઈ ચુકી છે પરંતુ કોઈએ તેને યોગ્ય પ્રત્યુતર આપ્યો નથી. આ મામલે જો હવે આગામી સાત દિવસમાં ન્યાય નહીં મળે તો તે ગાંધીનગર ખાતે આવેલા સચિવાલયમાં આપઘાત કરી લેશે. ડિમ્પલ રાઠોડે મીડિયાને જણાવ્યું કે, પતિના આપઘાત સંદર્ભે તેણી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડીજીને પણ મળી ચુકી છે.

   અત્રે ઉલ્લેખનીય છે કે કરાઇ ખાતે તાલિમ લઈ રહેલા પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડે ગત વર્ષે 31મી ડિસેમ્બરના રોજ ચાંદલોડિયા ખાતે પોતાના ઘરે સર્વિસ રિવોલ્વરમાંથી ગોળી મારીને આપઘાત કરી લીધો હતો. પીએસઆઈએ આપઘાત કરતી વખતે સુસાઇડ નોટમાં કરાઇના ડીવાયએસપી એન.પી. પટેલ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. જોકે, આ મામલે તપાસ બાદ ડીવાયએસપીને ક્લિનચીટ આપવામાં આવી હતી

(12:40 pm IST)