Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

અમદાવાદ ચાંદખેડા પોલીસ સ્‍ટેશનમાં દુષ્‍કર્મનો ભોગ બનનાર યુવતિને સમજાવીને પરત મોકલી દીધીઃ પોલીસ કમિશ્નરે આદેશ કરતા ફરિયાદ લેવી પડી

અમદાવાદઃ અમદાવાદમાં અેક વિદ્યાર્થીની ઉપર ચાંદખેડાના યુવકે લગ્ન કરવાની લાલચ આપીને દુષ્‍કર્મ આચર્યુ હતું. જે અંગે ચાંદખેડા પોલીસે ફરિયાદ ન લેતા પીડિતાઅે પોલીસ કમિશ્નરને રજૂઆત કરતા અંતે દુષ્‍કર્મ આચરનાર યુવક સામે ફરિયાદ કરાઇ છે.

શહેરના વિસત-ગાંધીનગર હાઇવે પર પીજીમાં રહેતી એક યુવતીને ચાંદખેડાના યુવકે લગ્ન કરવાની ધમકી આપી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. યુવતીને માર મારી તેના પર બળાત્કાર ગુજારાતાં યુવતી આ અંગે ફરિયાદ નોંધાવવા ચાંદખેડા પોલીસ સ્ટેશન ગઈ હતી, જોકે ચાંદખેડા પોલીસે યુવતીની ફરિયાદ નોંધવાની જગ્યાએ તેને સમજાવીને પરત મોકલી દીધી હતી. બે દિવસ પોલીસ સ્ટેશનના ધક્કા ખાધા બાદ ફરિયાદ ન નોંધાતાં પોલીસ કમિશનરને રજૂઆત કરતાં આખરે ચાંદખેડા પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

વિસત-ગાંધીનગર હાઇવે પર પીજીમાં રહેતી એક યુવતીને ચાંદખેડાના બંકિમ નિગમ નામના યુવક સાથે મિત્રતા થઇ હતી. બાદ બંને એકબીજા સાથે વાતચીત કરતાં હતાં. ગત ૯ મેના રોજ બંકિમ યુવતીને એક ગેસ્ટ હાઉસમાં લઇ ગયો હતો અને લગ્ન કરવાની ધમકી આપી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર ગુજારાતાં યુવતી પોલીસ ફરિયાદ નોંધાવવા ચાંદખેડા પોલીસ સ્ટેશન ગઈ હતી, જ્યાં દીપકભાઈ નામના પોલીસકર્મીએ પૈસા લઇને સમાધાન કરી લેવા જણાવ્યું હતું.

ફરિયાદ નોંધવાનું જણાવવા છતાં તમે પછી આવજો કહીને પરત મોકલી દીધી હતી. પોલીસે ફરિયાદ ન લેતાં તેઓ શાહીબાગ પોલીસ કમિશનર ઓફિસ ગયાં હતાં, જ્યાં એલ ડિવિઝન એસીપીની ઓફિસે જતાં ત્યાંથી ચાંદખેડા પોલીસને યુવતીની ફરિયાદ નોંધવા જણાવવામાં આવ્યું હતું, જોકે ફરી પોલીસ સ્ટેશન જતાં પોલીસે યુવતીની ફરિયાદ નોંધી ન હતી. આખરે પોલીસ કમિશનરને રજૂઆત બાદ ગઈ કાલે મોડી રાતે ચાંદખેડા પોલીસે યુવતીની ફરિયાદ નોંધી હતી.

યુવતીના પિતાએ જણાવ્યું હતું કે આરોપીએ તેમની પુત્રી સાથે દુષ્કર્મ આચરીને તેના ફોટા લઇને વી‌િડયો પણ ઉતાર્યો હતો. હાલ યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીની સામે ફરિયાદ ન નોંધવા માટે અને યુવતીને પૈસા આપી સમાધાન કરવા માટે બે ભાજપના કાર્યકરો પણ ચાંદખેડા પોલીસ સ્ટેશન દોડી ગયા હતા.

(6:37 pm IST)