Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

બીટકોઈન્સમાં સુરત સહિતના કેટલા ઉદ્યોગપતિઓએ અને બીજા કયા મોટા માથાઓનું રોકાણ ? બીટકોઈન્સ પાર્ટ-૨ ની તપાસ શરૂ

નલીન કોટડીયાના આશ્રય સ્થાન તથા જગદીશ પટેલની મિલ્કતોની માહિતી મુખ્ય સૂત્રધાર પાસેથી સીઆઈડી કઢાવવા માગે છે : હવાલા કૌભાંડના મુળ સુધી પહોંચવા મથામણઃ કિરીટ પાલડીયાની ત્રીજી વખતની રીમાન્ડની ભીતરમાં

રાજકોટ, તા. ૧૪ :. કરોડોના બીટકોઈન્સના ગુજરાતભરમાં ચકચારી બનેલા મામલે પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયાને સીઆઈડીએ વારંવાર સમન્સ આપવા છતા હાજર ન રહેતા હવે સીઆઈડીએ સ્ટ્રેટેજી બદલી અને મુખ્ય સૂત્રધાર એવા કિરીટ પાલડીયા પાસેથી પૂર્વ ધારાસભ્યના આશ્રય સ્થાનોની માહિતી મેળવવા સાથે અમરેલીના એક સમયના જિલ્લા પોલીસ વડા જગદીશ પટેલની કહેવાતી બીનહિસાબી સંપત્તિની માહિતી મેળવવા તજવીજ હાથ ધરી છે.

સીઆઈડી સૂત્રોના કથન મુજબ કિરીટ પાલડીયા પાસેથી હવે સીઆઈડીએ જાણવા માગે છે કે, તેના વોલેટમાં રહેલા કરોડોના બીટકોઈન્સ ખરેખર કોના છે ? બીટકોઈન્સમાં નોટબંધી પછી સુરતના કે બીજા શહેરના કયા ઉદ્યોગપતિઓએ કેટલુ રોકાણ કર્યુ છે ? બીજા આ સિવાયના કયા કયા મોટા માથાઓનું બીટકોઈન્સમાં રોકાણ છે ? આવા તમામ સવાલોના જવાબો સાથે સીઆઈડી વડા આશિષ ભાટીયાએ માસ્ટર સ્ટ્રોક લગાવી જે રીતે કિરીટ પાલડીયા હસ્તકના બીટકોઈન્સનું ભારતીય ચલણમાં રૂપાંતર કરાવી અને આ રકમ બીટકોઈન્સ ટ્રાન્સફરની રીઝર્વ બેન્કે જાહેર કરેલ સમય મર્યાદા પૂર્ણ થાય તે પહેલા બેન્કમાં જમા કરાવવા માટે કવાયત ચાલે છે. આ કવાયતમાં ટેકનીકલ મુદ્દે કિરીટ પાલડીયાની જરૂર હોવાથી સીઆઈડીએ તેની આ ત્રીજી વખત રીમાન્ડ મેળવી છે અને કુલ ૧૨ દિવસ તેની પૂછપરછ થઈ છે તેનુ આ રહસ્ય છે.

સીઆઈડી અહીંથી અટકવાના બદલે હવે તેના હસ્તકની બીટકોઈન્સ મામલાની તપાસનો પ્રથમ ભાગ પૂર્ણ કરેલ છે. હવે બીટકોઈન્સ મારફત જે હવાલાઓ વિદેશ સુધી પડયા છે. તે તમામ બાબતોના પુરાવાઓ કિરીટ પાલડીયા પાસેથી મેળવી ઈડીને આપવા માગે છે. અત્રે યાદ રહે કે, ઈડી પાસે પુરતા પુરાવા બાદ જ સીઆઈડી રજૂઆત કરવાના મતની છે.

પૂર્વ જિલ્લા પોલીસ વડાના સ્ટાફ પાસેથી મળેલી શુટકેસમાંથી નિકળેલી રોકડ રકમ, સોનુ, ૧૭ જેટલી પાસબુકો, પોલીસીઓ અને લેપટોપ તથા પેનડ્રાઈવના આધારે જે બેનામી રકમના સ્ત્રોત મળ્યા છે તે અંગે સીઆઈડીએ હવે ભ્રષ્ટાચારીઓ સામે જંગે ચઢેલ એસીબી વડા કેશવકુમારને આ પુરાવાઓ આપી મિલ્કત અંગેની આગળની તપાસની કાર્યવાહી કરવા સૂચવશે.

મોટા કલાકાર મનાતા કિરીટ પાલડીયાએ ઉસ્તાદો કે ઉસ્તાદ એવા આ મામલાના ફરીયાદી શૈલેષ ભટ્ટ, અમરેલીના પૂર્વ એસ.પી. જગદીશ પટેલ અને અનંત પટેલ જેવા ચાલક પોલીસ ઓફિસરોને ચકરાવે ચડાવ્યા બાદ સીઆઈડીને પણ ચકરાવે ચડાવવા અનેક પ્રયત્નો કરેલા. અનેક અટપટ્ટા ગુન્હાઓની તપાસ કરી ચૂકેલા અને ટેકનીકલ નોલેજ ધરાવતા સીઆઈડી વડા આશિષ ભાટીયાની જીણામાં જીણી બાબતે પૂછપરછ સાથે ક્રોસ એકઝામીશનની પધ્ધતિને કારણે કિરીટ પાલડીયાની ચાલાકી ફાવી શકી ન હતી પરિણામે કરોડોના બીટકોઈન્સ સોદા, હવાલા કૌભાંડ, મોટા માથાઓની સંડોવણી, અપહરણના બનાવો, વિદેશ ભાગી ગયેલાઓની માહિતી સહિતની વિગતો મળી શકી હતી.

(4:13 pm IST)