Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

બનાસકાંઠાના કુશ્કલમાં જંગલી રીંછ દેખાતા ફફડાટ:વન વિભાગે પાંજરે પૂરતા ગ્રામજનોને હાશકારો

પાલનપુર તાલુકાના કુશકલ ગામની સીમમાં વહેલી સવારે જંગલી રીંછ દેખા દેતા ગ્રામજનો ફફડી ઉઠ્યા હતા. કુશકલ ગામની સીમમાં આવેલ રામાભાઈ ગોદડભાઈ પરમાર નામના ખેડૂતના ખેતરમાં ઉભેલા એરંડાના પાકમાં રીંછે દેખા દેતા ખેતર માલિક દ્વારા રીંછ અંગે ગામના સરપંચ ઘેમરભાઈ જુડાલને જાણ કરવામાં આવી હતી. સરપંચે જંગલી રીંછ ગામમા કોઇ નુકસાન પહોંચાડે તે પૂર્વે વન વિભાગને જાણ કરી હતી.

પાલનપુરના આર.એફ.ઓ એચ.જે ચૌધરી અને દાંતીવાડા આર.એફ.ઓ શક્તિસિંહ પોતાની ટીમ સાથે  કુશકલ ગામે દોડી આવ્યા હતા જ્યાં ખેતરમા એરંડાના પાકમાં સંતાયેલ રીંછને ઝડપી લેવા પાંજરું મુકીને રેસ્ક્યુ હાથ ધર્યું હતું. જોકે, ગામની સીમમાં રીંછ આવ્યું હોવાની વાત વાયુવેગે પ્રસરતા રીંછને જોવા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અને વન વિભાગની ટીમો દ્વારા વેટનરી તબીબ જીતુ ભટોળની મદદથી રીંછને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.જેમાં રીંછ ઉપર ટ્રોન્સ્ક્યુલાઇઝ ગન મારો ચલાવીને રીંછને બેભાન કરવામાં આવ્યું હતું

 બાદમાં આ રીંછને સુરક્ષિત બાલારામ નજીક જંગલમાં છોડી દેવાયું હતું. જોકે, રેસ્ક્યુ દરમિયાન ટ્રોન્સ્ક્યુલાઇઝ ગન એક કર્મચારી ના પગે લાગી જતાં તેમને સારવાર અર્થે ખસેડાયા હતા.ચંડીસર અને કુશ્કલની સીમમાં એરંડાના પાકમાં છુપાયેલ જંગલી રીંછ કોઈ નુકસાન કરે તે પહેલા વન વિભાગ દ્વારા રીંછ પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

(8:21 pm IST)