Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

કોંગ્રેસને દેશ હિતમાં નહીં પરિવારના હિતમાં રસ છે

ગુજરાત માટે બંને હાથમાં લાડુ જેવી સ્થિતિ : મુખ્યમંત્રી વિજય રૂપાણી : અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે આયોજિત જનસભાને સંબોધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીના કોંગ્રેસ પાર્ટી પર તેજાબી પ્રહાર

અમદાવાદ, તા. ૧૩ :  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત આયોજિત જનસભાને સંબોધન કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જે નેતાઓ ભૂતકાળમાં એકબીજાના મોઢા જોવા પણ તૈયાર ન હતા તેવા નેતાઓ મહાઠગબંધન બનાવીને પોતાના વ્યક્તિગત અસ્તિત્વને બચાવવા માટે સાથે આવ્યા છે. તે તમામ નેતાઓને લાગી રહ્યું છે કે, જો ફરી નરેન્દ્ર મોદીની સરકાર બનશે તો તેમને જેલના સળિયા પાછળ જવું પડે તેમ છે. છેલ્લા પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદીની સરકારે મહાઠગબંધનના નેતાઓની ભ્રષ્ટાચારની દુકાનો બંધ કરી દીધી છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસના કમલનાથ હજી હમણાં જ મુખ્યમંત્રી બન્યા છે અને બાળકોના મધ્યાહન ભોજન યોજનાથી માંડીને અનેક યોજનામાં ભ્રષ્ટાચાર થયો તેવી વાતો આવી રહી છે. આઇટી ની રેડમાં કમલનાથના અંગત વ્યક્તિઓની પાસેથી કરોડો રૂપિયાનું કાળું નાણું પકડવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદી દેશમાંથી ભ્રષ્ટાચાર, બેકારી અને ગરીબી હટાવવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે તો બીજી તરફ પોતાના અંગત સ્વાર્થ માટે મહાઠગી નેતાઓ મોદી હટાવો.. મોદી હટાવો.. કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોંગ્રેસને દેશના હિતમાં કોઈ જ રસ નથી ફક્ત અને ફક્ત એક પરિવારના હિતમાં જ રસ છે. ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યું હતું કે દેશના સંસાધનો પર સૌથી પહેલો અધિકાર મુસ્લિમોનો છે. ભાજપ કહે છે કે દેશના સંસાધનો પર સૌથી પહેલો અધિકાર દેશના પીડિત-શોષિત અને ગરીબોનો છે, ચાહે તે કોઈ પણ જાતિ કે ધર્મના હોય. કોંગ્રેસ ફક્ત મત લેવા માટે સમુદાય વિશેષના તુષ્ટિકરણ માટે નિવેદનો આપી, તુષ્ટિકરણની રાજનીતિ કરી દેશના સમાજ-સમાજ, કોમ-કોમ વચ્ચે અસમાનતા-અરાજકતા ઊભી કરીને ભાગલા પાડીને રાજ કરવા માટે ટેવાયેલી છે. ભાજપા તુષ્ટિકરણમાં નહીં પરંતુ સર્વધર્મસમભાવની ભાવના સાથે ૧૩૦ કરોડ ભારતીયોનું હિત કેવી રીતે જળવાય તે દિશામાં આગળ વધવાની વાત કરે છે. રૂપાણીએ જણાવ્યું હતું કે, જો કાશ્મીરનો મુદ્દો ઉકેલવાનો અધિકાર જવાહરલાલ નહેરૂના સ્થાને સરદાર વલ્લભભાઈ પટેલને આપવામાં આવ્યો હોત તો આજે કાશ્મીરનો મુદ્દો જ આપણી વચ્ચે ન હોત, કાશ્મીરની સમસ્યાનું નિરાકરણ વર્ષો પહેલાં જ નીકળી ચૂક્યું હોત. કોંગ્રેસે હંમેશા સરદાર વલ્લભભાઈ પટેલ જેવા સાચા, સમર્થ અને મહાન નેતાઓને હાંસીયામાં ધકેલવાનું કાર્ય કર્યું છે અને જાણે એક જ પરિવાર મહાન છે તેમણે જ દેશ માટે બધું કર્યું છે એવું ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે. દેશના ગરીબ-વંચિત-શોષિત અને પીડિતને દેશની મુખ્યધારામાંથી બાકાત રાખવાનું કુકર્મ કોંગ્રેસે વર્ષો સુધી કર્યું છે. જ્યારે નરેન્દ્ર મોદીની સરકારે છેલ્લા સાડા ચાર વર્ષમાં મોટાભાગની યોજનાઓ દેશના પીડિત-શોષિત-આદિવાસી અને મધ્યમવર્ગના વિકાસ માટે કાર્યરત કરી છે. કોંગ્રેસે ભ્રષ્ટાચારમાં તરબોળ થઈને ભૂતકાળમાં સમગ્ર વિશ્વમાં ભારતનું નામ ડુબાળ્યું હતું.નરેન્દ્રભાઇ મોદીએ ૧૩ કરોડ મફત ગેસ કનેક્શન આપીને ગરીબના ઘરમાંથી ધુમાડો દૂર કર્યો છે, પાંચ લાખ સુધીની આવક ઇન્કમટેક્ષ ફ્રી કરીને મધ્યમવર્ગના ચહેરા ઉપર હાસ્ય લાવ્યા છે, નાના વેપારીઓને ચાલીસ લાખ સુધીના ટર્નઓવર પર જીએસટીમાંથી મુક્તિ આપીને રાહત આપી છે, ૨૦૨૨ સુધીમાં દેશનો કોઇપણ ગરીબ છત વગરનો ન રહે તે દિશામાં પીએમ કાર્યરત થયા છે, ઉજાલા યોજના હેઠળ સસ્તા ભાવે એલઇડી બલ્બનું વિતરણ કરીને ગરીબના પૈસા બચાવવાનું કાર્ય કર્યું છે, આયુષ્યમાન યોજનાથી દેશના ગરીબના આરોગ્યની ચિંતા નરેન્દ્ર મોદીએ કરી છે, ખેડૂતોને કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સહાય આપીને ખેડૂતોની સાથે શ્રી નરેન્દ્ર મોદીએ ન્યાય કર્યો છે. ગુજરાતમાં પણ સવા લાખ આદિવાસીઓને જમીનના અધિકાર પત્રો આપી જમીન પર થતી વનઉપજના માલિકીના અધિકાર આપીને આદિવાસીઓને હક અપાવ્યો છે. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર  મોદી ગુજરાતના સપૂત હોય ત્યારે ગુજરાત માટે તો બન્ને હાથમાં લાડુ અને પાંચેય આંગળી ઘીમાં છે.

(8:18 pm IST)