Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

આતુરતાનો તૂર્તમાં અંત... ૩૨ કરોડના બીટકોઈનના ચકચારી મામલે સીઆઈડી રહસ્ય પરથી પડદો ઉંચકશે

સરકારી વકીલે વિશેષ રીમાન્ડની કરેલ માંગણીમાં સીઆઈડીએ કોલ્સ ડીટેઈલ, એરપોર્ટ તથા ટોલનાકાના સીસીટીવી ફુટેજ મેળવી લીધાનું છતુ થયા વગર રહેતુ નથીઃ ભીતરની કથાઃ ઈકબાલ નામથી એસપી અને માજી ધારાસભ્ય સાથે શું વાત કરી ? બીટકોઈન વેચવામાં કયા રાજકારણીના ભત્રીજાએ મદદ કરી ? અમરેલીના ૬ પોલીસમેન ફલાઈટમાં મુંબઈ જઈ મોટી રકમ સાથે અમરેલી પરત ફરેલા ? આવા તમામ સવાલોના જવાબો આપવા માટે આશિષ ભાટીયા ટીમ હવે તપાસને આખરી ઓપ આપી રહ્યા છે

રાજકોટ, તા. ૧૪ :. સુરતના વિવાદાસ્પદ બિલ્ડર શૈલેષ ભટ્ટનું ગત તા. ૧૧મી ફેબ્રુઆરીએ અપહરણ કરી કરોડોના બીટકોઈન પડાવી લેવાના આરોપીઓ વિશે અનેક રસપ્રદ વાતો સીઆઈડી તપાસમાં ખુલી રહી છે. ગુજરાતભરમાં ભારે ચર્ચાસ્પદ બનેલ આ મામલામાં લોકોને એ સમજાતુ નથી કે આ ઘટનામાં સાચુ શું અને ખોટુ શંુ છે ? આવા તમામ સવાલોના જવાબો સાથે સીઆઈડી ઝડપભેર હાજર થઈ રહસ્ય પરથી પડદો ઉંચકવા માટે કેટલીક બાબતોને આખરી ઓપ આપી રહ્યાની હકીકત ખુદ સરકારી વકીલ દ્વારા મંગાયેલ રીમાન્ડના કારણોમાં જ સ્વયં સ્પષ્ટ બની રહી છે.

 

આ અગાઉ અકિલામાં પ્રસિદ્ધ થયા મુજબ આરોપી પીઆઈ અનંત પટેલની સાથોસાથ આ મામલાના એક મહત્વના આરોપી એવા એડવોકેટ કે જેઓએ આ પ્રકરણમાં ઈકબાલ નામ ધારણ કર્યુ હતુ તેવા કેતનભાઈએ અમરેલીના એસપી જગદીશ પટેલ અને પૂર્વ ધારાસભ્ય નલીન કોટડીયા સાથે ટેલીફોનીક સંપર્કમાં હોવાની હકીકત સીઆઈડીને સાંપડી ગઈ છે. સીઆઈડી યેનકેન પ્રકારે જગદીશ પટેલ અને નલીનભાઈ કોટડીયા સાથે આરોપીએ શું - શું વાતો કરી ? તે માટે રીમાન્ડ દરમિયાન હકીકત મેળવવા અને લોકો સમક્ષ સમગ્ર પ્રકરણ પુરાવા સાથે મુકવા તત્પર છે. સીઆઈડી વડા આશિષ ભાટીયા આ મામલે આરોપીઓ વગદાર હોવાથી કોઈ કાચુ ન કપાય અને પુરાવાની મજબૂત સાંકળ સાથે આખા પ્રકરણની જાહેરાત થાય તે માટે નાનામાં નાના પુરાવાની સાંકળ ગુંથી રહ્યા છે.

 

૬ પોલીસમેનો અમરેલીથી અમદાવાદ આવી ત્યાંથી ફલાઈટમાં મુંબઈ પહોંચી મોટી રકમ સાથે ભરૂચ સુધી ખાનગી વાહનમાં અને ત્યાર બાદ સરકારી વાહનમાં મોટી રકમ સાથે અમરેલી પહોંચ્યાની હકીકતો બાબતે પણ અમદાવાદ એરપોર્ટનું પેસેન્જર લીસ્ટ, સીસીટીવી કેમેરા ફુટેજ, ભરૂચથી અમદાવાદ સુધીના ટોલનાકાના સીસીટીવી ફુટેજ વગેરે દ્વારા આરોપીઓને સકંજામાં લેવાની   પ્રક્રીયાને  આખરીઓપ  અપાઈ રહ્યો છે.

સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટ દ્વારા અદાલતમાં રીમાન્ડ માટેના જે કારણો રજુ થયા છે તેમા પણ આ પ્રકરણમાં ઈકબાલ નામ ધારણ કરનાર એડવોકેટે અમરેલીના એસપી અનંત પટેલ, માજી ધારાસભ્ય સાથે શું - શું વાતો કરી? તે માટે વિશેષ રીમાન્ડની જરૂર હોવાનું જણાવેલ છે. મતલબ કે કોલ ડીટેઈલ્સ સાંપડી ગઈ છે. દરમિયાન અમરેલી શહેરના જે ૬ પોલીસમેનો બાબુભાઈ ડેર, વિજયભાઈ વાઢેર, ધર્મેન્દ્રભાઈ પવાર, જગદીશભાઈ, ઉમેદભાઈ અને પ્રતાપભાઈ ફલાઈટમાં મુંબઈમાં કઈ તપાસમાં ગયેલા ? આ માટે એસપીએ મંજુરી આપી હતી કે કેમ ? તે બાબતો પણ સીઆઈડીએ મેળવી લીધેલ છે. ફકત રીમાન્ડમાં જ ચકાસણી કરવાની બાકી છે.

દરમિયાન મુંબઈમાં એક રાજકારણીના ભત્રીજા મારફત કરોડોના બીટકોઈનનો સોદો થયો અને તેમા આ રાજકારણીના ભત્રીજાએ મદદ કરી હોવાની કબુલાત પણ સીઆઈડી સમક્ષ કરી લીધા બાદ શૈલેષ પટેલના ભાગીદાર કીરીટ પાડલીયા પાસે આ હકીકત કબુલાવાની વેતરણમાં સીઆઈડી પડી છે. આમ સીઆઈડી સમગ્ર મામલાને ટાર્ગેટ કરી તૂર્તમાં જ રહસ્ય પરથી પડદો ઉંચકશે.(૨-૭)

(11:57 am IST)