Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

કોરોના અસરઃ માસ્કના કાળાબજાર સામે કેદીઓ મેદાને

કાળમીંઢ દિવાલો વચ્ચે રહેતા જેલકેદીઓની માનવતા મહેકી ઉઠીઃ લોકોને વ્યાજબી ભાવે માસ્ક મળે તે માટે સાબરમતી જેલમાં ઉદ્યોગ ધમધમી રહયો છેઃ અકિલા સાથે ગુજરાતના જેલ વડાની વાતચીતઃ ગુજરાતની જેલોમાં પણ સાવચેતીના પગલાઃ કેદીઓની નિયમીત તપાસ : શરદી, ઉધરસના દર્દીઓને અન્ય કેદીઓથી અલગ કરાયાઃ અદાલતમાં કેદીઓને રૂબરૂ હાજર રાખવાના બદલે વિડીયો કોન્ફરન્સીંગથી રજૂ કરાય છેઃ ડો. કે.એલ.એન.રાવ

રાજકોટ, તા., ૧૪: ભારત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસના કારણે વિશ્વમાં  મૃત્યુઆંક પ૦૦૦ના આંકને વટાવા સાથે દેશમાં દિલ્હી અને કર્ણાટકમાં બે મૃત્યુ થયા બાદ દિલ્હી અને મહારાષ્ટ્રમાં સહિતના રાજયોમાં શાળા-કોલેજો અને સિનેમા થીયેટરો બંધ કરવામાં આવ્યા છે, જો કે ગુજરાતમાં હજુ સુધી કોઇ મૃત્યુની ઘટના ભલે બની ન હોય પરંતુ લોકોમાં જાગૃતીનું પ્રમાણ વધવા સાથે માસ્ક અને સેનેટેરાઇઝેશન વપરાશનું પ્રમાણ વધતા જ લોકોની લાચારીનો લાભ ઉઠાવી કેટલાક કાળાબજારીયાઓએ  માસ્કના ભાવમાં લૂંટ કરતા જ ગુજરાતની  સાબરમતી જેલમાં રહેલા કેદીઓના હ્ય્દય  જાણે દ્રવી ઉઠયા હોય તેમ ગુજરાતની સૌથી મોટી સાબરમતી જેલમાં માસ્ક મોટા પ્રમાણમાં તૈયાર કરી લોકોને વ્યાજબી ભાવે મળી રહે તેવુ અભિયાન શરૂ થયું છે.

ઉકત બાબતે રાજયના જેલ વડા અને એડીશ્નલ ડીજીપી કક્ષાના સીનીયર આઇપીએસ  ડો. કે.એલ.એન.રાવનો સંપર્ક સાધતા અકિલા સાથેની વાતચીતમાં તેઓએ ઉકત બાબતને  સમર્થન આપ્યું છે. તેઓએ જણાવેલ કે કોરોના વાયરસ સંદર્ભે ગૃહ ખાતા મારફત મળેલી એડવાઇઝરી મુજબ તેઓએ રાજયભરની જેલોમાં સાવચેતીના પગલા સંદર્ભે યોજેલી બેઠક દરમિયાન માસ્ક બનાવવાનો પોતાને વિચાર આવતા તે બાબતે સાબરમતી જેલના કેદીઓ સમક્ષ વિચાર રજુ કરતા લોકોની લાચારીનો લાભ ઉઠાવતા કાળાબજારીયાઓ સામે કેદીઓએ માસ્ક મોટા પ્રમાણમાં બનાવી બજારમાં મુકવાની  સંમતી આપી હતી. જે મુજબ કાર્યવાહી શરૂ થઇ છે.

રાજયના જેલ વડા ડો.કે.એલ.એન.રાવે  જણાવેલ કે જેલોમાં કેદી સુધારણા માટે ચાલતા કાર્યક્રમો અને ઉદ્યોગો અંતર્ગત સુથારી ઉદ્યોગ-બેકરી ઉદ્યોગ અને સામાજીક સમસ્યાઓને ધ્યાને લઇને સેનેટરી નેપકીન મહિલાઓ માટે બનાવાય છે. કેદીઓના આ કાર્યમાં અમદાવાદના જીલ્લા વિકાસ અધિકારી શ્રી અરૂણ મહેશ બાબુએ પણ અંગત રસ લઇ અહીંથી સેનેટરી નેપકીન તંત્ર ખરીદે તેવા પ્રયાસો કર્યા છે. જેલમાં પુખ્ત વયના લોકો માટે ડાઇપર પણ બનાવવામાં આવે છે.

કોરોના વાયરસ સંદર્ભે જેલના તબીબો  તથા આરોગ્ય તંત્ર સાથે સંકલન કરી કેદીઓની નિયમીત શારીરીક તપાસ કરી તેઓને જરૂર જણાયે દવાઓ આપી અન્ય કેદીઓથી દુર રાખવામાં આવે છે. અદાલતમાં પણ કેદીઓને  રૂબરૂ હાજર કરવાના બદલે વિડીયો કોન્ફરન્સથી રજુ કરવામાં આવી રહયા છે.

(11:32 am IST)