Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત યાત્રા હાલ મોકૂફ : સાવચેતીરૂપે નિર્ણય

આરોગ્ય મંત્રી નીતિન પટેલ દ્વારા સત્તાવારરીતે જાહેરાત : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની નવી તારીખો ટૂંકમાં જાહેર કરાશે

અમદાવાદ,તા. ૧૩ : કોરોના ઇફેકટની તકેદારીરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી છે. અત્યારે સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસનો હાહાકાર મચ્યો છે ત્યારે તકેદારીના પગલારૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી તા.૨૧ અને ૨૨ માર્ચનો ગુજરાતનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદી તા.૨૧ અને ૨૨ માર્ચે વડોદરાની મુલાકાત લેવાના હતા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના હતા. જો કે, જાહેર સ્થળોએ વધુ ભીડ એકત્ર નહી થવા દેવા અંગે કેન્દ્ર સરકારના જાહેરનામાંને પગલે વડાપ્રધાનનો કાર્યક્રમ હાલ મોકૂફ કરાયાની આરોગ્યમંત્રી નીતિન પટેલે આજે ગૃહમાં જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીની મુલાકાતની નવી તારીખો હવે પછી જાહેર કરાશે. સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત રહ્યો છે. બીજીતરફ ગુજરાતમાં આ વાઇરસના સંક્રમણની દહેશતને પગલે સરકારે આગોતરા આયોજનો કર્યા છે.

              કોરોના ઇફેકટથી લોકોને બચાવવા માટે ભારત સરકાર દ્વારા પણ નવી માર્ગદર્શિકા અને રૂપરેખા જાહેર કરવામાં આવી છે. જેના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તાત્કાલિક આરોગ્ય ઉચ્ચ અધિકારીઓ અને મુખ્ય સચિવ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં ગુજરાતની હાલની સ્થિતિની સમીક્ષા કરાઈ હતી. આ અંગે આરોગ્ય મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોરોના વાઈરસના પગલે ભારત સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. આ મુજબ જાહેર કાર્યક્રમો, સેમીનાર, મીટીંગ અને મેળાવડા ના થાય તેનું ધ્યાન રાખવા ગુજરાત સરકારને તાકીદ કરાઈ છે. ભારત સરકારની ગાઈડલાઈન મુજબ આરોગ્ય તંત્ર કામ કરશે તેવી સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું કે, સર્વેલન્સ સહિત એરપોર્ટ ઉપર સઘન ચેકીંગ અને તપાસ પણ ચાલુ છે. એટલું જ નહીં.

(8:41 pm IST)