Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

છેલ્લા ત્રણ વર્ષમાં પોલીસમાં ૨૨ હજારની કરાયેલ ભરતી

રાજ્ય વિધાનસભામાં સરકારે માહિતી પુરી પાડીઃ પોલીસ તંત્રમાં રાજ્ય સરકાર કોઇપણ સંજોગોમાં કોઇપણ પ્રકારના વહીવટદારને ચલાવવા માંગતી નથી : સરકાર

અમદાવાદ,તા.૧૪ : રાજ્ય સરકાર પ્રશ્નોતરીકાળ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ માહિતી આપી હતી કે, રાજ્ય સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યના પોલીસ બેડામાં ૨૨ હજારથી વધુ કર્મચારીઓની ભરતી કરી છે અને રાજ્ય સરકારના મહિલાલક્ષી નિર્ણયના કારણે ૩૩ ટકા અનામતના ધોરણે આ ૨૨ હજાર કર્મચારીઓમાંથી ૭૨૬૭ મહિલા કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. મંત્રીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પક્ષની આ સરકાર પણ મેન પાવરથી સંતોષ માનીને કાયદો વ્યવસ્થા જાળવવા પ્રયાસો કરે છે એવું નથી કે સરકારે સ્કિલ્ડ મેન પાવરનો આગ્રહ રાખ્યો છે. સાથે-સાથે શહેરના મહત્વના સ્થળો સીસીટીવીથી સજ્જ કરી, પીસીઆર વાન વગેરે દ્વારા ટેકનોલોજીથી સજ્જ પોલીસ  વિભાગ દ્વારા રાજ્ય સરકારે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પૂરતી ચિંતા કરી છે. મંત્રીએ સંવર્ગવાર કરાયેલી ભરતીમાં મહિલાઓની સંખ્યા સંબંધના પૂરક પ્રશ્નો પ્રત્યુત્તર પાઠવતા જણાવ્યું હતું કે, રાજ્યમાં બિન હથિયારધારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ૭૨૦ ભરતી પૈકી ૨૩૮ મહિલા, આસિસ્ટન્ટ પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ૧૦૦૦ની ભરતીમાંથી ૩૩૦ મહિલા, ઈન્ટેલીજન્સ ઓફીસરની ૫૯ ભરતીમાં ૧૯ મહિલા, બિન હથિયારધારી કોન્સ્ટેબલની ૧૬,૯૫૦ની ભરતી પૈકી ૫૫૯૨ મહિલા અને હથિયારધારી કોન્સ્ટેબલની ૩ હજારથી વધુની ભરતી પૈકી ૧૦૦૦થી વધુ મહિલાની ભરતી કરવામાં આવી છે.

(9:16 pm IST)